કલાપીનો કેકારવ/કુમુદિનીનો પ્રેમોપાલમ્ભ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સ્નેહશંકા કલાપીનો કેકારવ
પ્રકરણનું નામ કુમુદિનીનો પ્રેમોપાલમ્ભ
કલાપી
વનમાં એક પ્રભાત →


કુમુદિનીનો પ્રેમોપાલમ્ભ

લગાડી મોહની પ્યારા! કઠિન હૈયું કર્યું શાને?
અહોહો! નાથ કપટી રે! બલિહારી ત્હ મારી છે!

સ્મૃતિ છે એજ મુખડાની, ન દેખી હું દુ:ખી છું રે!
ગ્રહી જો બાંય, તો લજ્જા ત્હમારાં ત્હમોને છે!

બકું છું હું તમે માનો: જિગરમાં ઘા મને ઊંડા!
ઉમળકા આ હ્રદયના હા! કહો ક્યાં ઠાલવું ફાડી!

કરો ના બૂજ દર્દીની, ન મારો બાંધીને મ્હોડું:
ગ્રહી જો બાંય, તો લજ્જા ત્હમારાંની ત્હ મોને છે!

વનોમાં આગિયા ઉડે, પલક ચમકી રહે છાના:
સુપ્રેમી આગિયા જેવા, તમે તોયે પ્રભુ મ્હારા !

ન તાણો પ્રેમની દોરી, બહુ તાણે જશે તૂટી:
ગ્રહી જો બાંય, તો લજ્જા ત્હમારાંની ત્હમોને છે!

હું તો આ પુષ્પ છું કુમળું, ઝર્દ આ દર્દથી કીધું:
થજો સ્વપ્ને કરુણ, વ્હાલા! હણાઊં હેતવા।ળી હું!

હતાં સાથે: ગયા ઊડી વિચારો હો! વિસારો શે?
ગ્રહી જો બાંય, તો લજ્જા ત્હમારાંની ત્હેમોને છે!

જીવન આ ચંદ્રથી ઓપ્યું: શરીર પાણી પરે લટક્યું!
દુ:ખિયણ હું દુભાયેલી જીવું તો શું? મરૂં તો શું!

અમીની આંખની પ્યાસી કુમુદ આ તો ત્હમારી છે:
ગ્રહી જો બાંય, તો લજ્જા ત્હમારાંની ત્હમોને છે!

અરે રે! યોગ થાશો માં! થયો તો સ્નેહ જામો ના!
મૃદુથી બેપરવા યા બેદરકાર પ્રેમી જડાશો માં!

અજાયબ સ્નેહના રસ્તા! અજાયબ ગાંઠ પ્રેમીની!
ખુમારીને ખુવારી છે: અજાયબ પ્રેમીની મસ્તી!

૧૫-૨-૧૮૯૩