લખાણ પર જાઓ

કલાપીનો કેકારવ/વનમાં એક પ્રભાત

વિકિસ્રોતમાંથી
← કુમુદિનીનો પ્રેમોપાલમ્ભ કલાપીનો કેકારવ
વનમાં એક પ્રભાત
કલાપી
મસ્ત ઇશ્ક →


વનમાં એક પ્રભાત

ભૃં ભૃં ભૃં ગુંજ પ્રેમી ષટપદ કમલે અર્ધખીલ્યું રહ્યું એ,
જો તે બાલાર્ક ઘેલો નિજ કર જલમાં ધ્રૂજતો આ ઝબોળે!
માની પ્યારી મનાવે મુખ પર ખરતાં આંસુડાં લૂંછતો એ,
અંકે લીધી, હસાવી, નરમ વચન એ નેત્ર કેવાં વદે છે!

કાન્તા ને કાન્ત હીંચે, તનમન દ્વયનાં એક છે સ્નેહભીનાં,
ન્હાનાં-મ્હોટાં સુરંગી મકર ચળકતાં હીંચકાવે રસીલાં;
રાતી નીલી મધુ પી કુમુદિની પરથી ફૂદડી રંગવાળી,
પીળો પ્યારો હિમાંશુ નિરખી લટકતો બાપડી ચિમળાઈ!

કૂળું મ્હોં એ છબીલું હૃદયજ્વરબળાપે નીચાણું નમ્યું છે,
કમ્પે બાલા બિચારી થરથર, બદને સ્વેદની રેલ ચાલે;
આહા! સ્નેહી! તમારે જલ પર વસવું સાથ છો રાતદહાડો,
જુદાં પ્રેમી તમારાં દિલ પણ અળગાં, આમ રોવો-હસો છો!

ત્યાં પેલું જો હરિણું નદતટ પર એ ચાવતું ઘાસ નીલું,
આછાં રૂડાં રૂપેરી કિરણ રવિ તણાં એ બધું ઘાસ છાયું;
વૃક્ષોનાં ઝૂંડ ઊંચાં પર ઢલકી રહી વેલડી કુમળી જો,
પુષ્પોના પુંજ ઝૂમ્યા વિવિધ વિલસતાં આ રૂપાળા લળ્યા, જો!

કુંજોમાં જ્યાં ઉડન્તું બુલબુલ રમતું બેસતું ને ફરંતું,
ઓ! ત્યાં બેઠું લપી ચંડુલ ગુલ પર જો વાણી મીઠી લવન્તું;
ત્યાં આકાશે પડ્યો છે સ્થિર ઘનકટકો શ્વેત ને પિંગળો તે,
તેજસ્વી એ ડગે છે નિજ રૂપ બદલી, શાન્ત પાછો થયો છે.

તારો તૂટ્યો નભેથી ખરરર ખરતો, તોપગોળો વછૂટ્યો,
રાતો વહ્મિભભૂકો ભડભડ બળતો આભમાં ઊડી ચાલ્યો;

ગંગાનો ધોધ ફાટ્યો ગિરિશિર પરથી, રામનું બાણ છૂટ્યું,
તેવો તે શૃંગવાળો મૃગજલઝરણું ફાળથી કૂદી ચાલ્યો!

ઊભો ત્યાં સિંહરાજા ઘરઘર ઘરરે, જોરથી ત્રાડ દેતો,
ડોલાવ્યા ડુંગરોને, રવિ પણ ચમક્યો લાલ અંગાર જેવો;
પક્ષી બોલે ન ચાલે, દ્રિમ પણ ધણણ્યાં, પૃથ્વી ધ્રૂજી રહી આ!
આ તે બ્રહ્માંડ ફાટ્યું ! પ્રલય થઈ ગયો ! શુંભુએ શંખ ફૂંક્યા !

આલિંગે ભવ્ય લીલા નદસરજલને પ્રેમમાં મસ્ત ડોલે,
ઊડી બાઝે સુસ્નેહી હૃદય-હૃદયના સત્ત્વને જેમ પ્રેમે!
ઘેલો હું એ રમું છું! તનમન લપટ્યાં! રમ્ય છું, એક હું છું:
વેલી, વૃક્ષો, નદી, ને ગિરિ, નભ ઝરણે લીન હું સર્વદા છું.
૧૯-૩-’૧૮૯૩