કલાપીનો કેકારવ/કેલિસ્મરણ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કલાપીનો કેકારવ/દિલને રજા કલાપીનો કેકારવ
કેલિસ્મરણ
કલાપી
ઠગારો સ્નેહ →


કેલિસ્મરણ

લતા સુભ્રની ચડતી વિલાસે: પયોધરો ગાઢ હલે હુલાસે:
વિશાળ નેત્રો રતિમાં વિકાસે: પ્રફુલ્લ સુપલ્લવ લાલ ભાસે!

સીત્કાલ શબ્દો મુખથી નિકાસે: પ્રભા પ્રિયાના મુખથી પ્રકાશે:
ઉરોજ કંપે કૃષ ઉદરીનું: કપોલમાં પ્રસ્વેદબિન્દુ!

નૂપુર છંદો ઝમકી રહે છે: પુષ્પો ગતિથી સરકી પડે છે:

છૂટેલ બાલો વિખરાઈ જાયે: શ્રમિત અંગે લપટાઇ જાયે:

શિથિલ બાલા સુકુમાર કાયે: સ્વહસ્ત ઢીલા જરી ના હલાવે:
નિતમ્બભારે લચકી પડે છે: કટિ સ્તનોના ભયથી લડે છે:

અઢેલી પ્યારા પિયુને ઈભે છે: પતિથી ટેકો દઈને હલે છે:
જરા ખસી ચુંબનને જુવે છે: કટાક્ષ મારી ચપલા હસે છે:

‘પ્રભુ!’ કહી તે પતિ સાથ લે છે: અગાસિયે તે ઝટ સંચરે છે!
જુવે પતિનું મુખ સર્વ પ્હેલી : જુવે નિશા ચાંદની પ્રેમઘેલી!

પ્રિયા ન એવી નિરખી, અરે! મેં: પ્રિયા ન એવી રીઝવી અરે મેં!
પ્રિયા ન એવી લીધી ઉર, રે! મેં: વસંતકેલિ ન કીધી, ખરે! મેં!
૧-૮-’૧૮૯૨