કલાપીનો કેકારવ/ઠગારો સ્નેહ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રીતિની રીતિ કલાપીનો કેકારવ
ઠગારો સ્નેહ
કલાપી
સ્નેહશંકા →


ઠગારો સ્નેહ

હ્રદય દગલબાજી જાણશે ના કદી આ,
હ્રદય હ્રદય ઝાલે ઝુરવું છે પછી, હા!
હ્રદય ધવલ સર્વે દુગ્ધ જાણી ફુલાયે,
થુવરપય ગળેથી ઊતરી આગ બાળે!

ધન ગડગડ ગાજ્યો ચાતકું ચિત્ત ફૂલે,
પથરવત કરાનો મેઘ આવી મળ્યો તે!
ષટપદ મકરન્દ લુબ્ધ રીઝી રહે શું!
ધવલ કમલ ના આ છીપલીને કરે શું!

મૃગજલ સમ સ્નેહી સ્નેહસિન્ધુ ધરે છે,
હૃદયમૃગ બિચારૂં આશ રાખી મરે છે;
સરપશિર મણિને પ્રેમ પ્રેમી તણો આ
વિષ રગ રગ વ્યાપે પ્રાપ્ત થાયે કદી ના!
૧-૧-૧૮૯૩