લખાણ પર જાઓ

કલાપીનો કેકારવ/છેલ્લી સલામ

વિકિસ્રોતમાંથી
← સુખમય અજ્ઞાન કલાપીનો કેકારવ
છેલ્લી સલામ
કલાપી
મહાબળેશ્વરને! →
અંગ્રેજ કવયિત્રી શ્રીમતી બ્રાઉનીંગના કાવ્ય 'A Velidiction'નો મુક્તાનુવાદ.


૫-છેલ્લી સલામ[]
હરિગીત

પ્રભુ પાસ, પ્યારા, તુજ રહે! પ્રભુ પાસ, પ્યારા, તુજ રહે!
નહિ તો, અરેરે! એકલો તુજ મ્હોં કરી ઉત્તર ભણી,
તું પ્હાડ ને જંગલ મહીં ક્યાં વનવને ભટકી રહે?
તનહા વળી હું આથડું વેરાનમાં તુજ શોધમાં-

ને વ્યર્થ દિલની વેદના ને વ્યર્થ હું ભટકું અરે!
પ્હોંચી શકું નહીં હું ત્હને. રખડી શકું નહીં થાકથી,
તોએ ભલા રડતાં અને મરતાં તને શીખવી શકું:
'પ્રભુ પાસ વ્હાલા! રાખજે! પ્રભુ પાસ, વ્હાલા રાખજે!'

શીખવી શકું આ ત્હને? શિખવી શ્કું હું શું ત્હને?
જો હું કહું 'દક્ષિણ તરફ' કે વામ બાજું તું જજે -

દીક્ષા નકામી એ થશે, મમ ધૂળમાં શબ્દો જશે;
મુજ બુદ્ધિ રે! રે! બાપડી તે શું તને શિખવી શકે?

જો હું કહું દક્ષિણ તરફ તો વામ બાજુએ જશે,
જો સાંભળે તું શબ્દ મ્હારા તો નકી દુખિયો થશે,
રુચશે મ્હને જે દીવડો તુજ માર્ગ સૂચવવા ત્હને,
તે કોયલાવત્‌ ભાસશે તુજ નેત્રને, વ્હાલા સખે!

હું માત્ર તુજને દઈ શકું આશિષ, ઓ વ્હાલા! અરે!
"પ્રભુ શીખવે તુજને સખે! પ્રભુ શીખવે તુજને સખે!"
આશિષ તુજને દઈ શકું? આશિષ હું શું દઈ શકું?
મમ આંસુડાં ગળતાં રહે, તે તો બધી આશિષ છે.

એ કેમ સૂકાવી શકું? એ કેમ સૂકાવી શકું?
તુજ કાજ હાર બનાવવા મુજ બાગમાં ફુલડાં નથી;
મ્હારી ભલાઈ નયન ત્હારામાં બુરાઈ થઈ વસી;
ક્ષોભ તુજને આપશે અ।ક્ષોભતા આ દિલ તણી.

મમ હૃદયની મૃદુતા તને કાંટો થઈને લાગતી,
મમ શપથ પ્રેમની ગ્રંથિનો પણ કેમ તોડ્યો તૂટશે?
આશિષ દઈ હું ના શકું! હું તો ત્હને ચાહી શકું!
"આશિષ પ્યારા, દે પ્રભુ! આશિષ તુંને દે પ્રભુ!

ચાહી શ્કું શું હું ત્હને? શું હું ત્હને ચાહી શકું?
પ્યારા અરે! પ્યારા અરે! શું પ્રેમ જેવું આ હશે-
કે મૃત્યુવત્‌ કૈં આફતો તુજ મસ્તકે ઘૂમી રહી,
ને એકલી રડતી રહું રે ! સર્વ સાધનહીણ હું!

મુજ પ્રેમચુંબનની નીચે કડવાં ભર્યાં છે આંસુડાં,
ને દાહ મ્હોડાથી ભરી મમ સ્વપ્ન જેવી કલ્પના:
અભદ્ર જે ચારે દિશે તુજને વીંટાઈ છે ગયું,
તે પ્રતિજ્ઞા મમ પ્રેમની છેદી શકે નહિ! દૂર તું!

તુજ જાય છે જીવ જે દુઃખે, તે તું કશું જાણું નહીં!
મુજ જાય છે જીવ જે દુઃખે, તે તું કશું જાણું નહીં!
મરી હું શકું! મરી હું શકું! ચાહી શકું નહીં હું ત્હને!
"વ્હાલા! ત્હને ચાહે પ્રભુ! ચાહે પ્રભુ! વ્હાલા! ત્હને."

૧૮૯૫

  1. અંગ્રેજ કવયિત્રી શ્રીમતી બ્રાઉનીંગના કાવ્ય 'A Velidiction'નો મુક્તાનુવાદ.