કલાપીનો કેકારવ/ડોલરની કળીને

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ગુનેહગાર કલાપીનો કેકારવ
ડોલરની કળીને
કલાપી
પ્રિયા કવિતાને →


ડોલરની કળીને

અહો! ન્હાની પાંખે મધુપ તુજ આવે લપટવા
પરન્ત એ ગાઢી મધુર સુરભે મૂર્ચ્છિત થતો!
નશામાં જાગીને તુજ તરફ કેવો ઉડી રહે?!
શકે ના આલિંગી મગજ તર દૂરે થઈ જતાં!

ભમે ગુંજી ગુંજી, તુજ મુખ નિહાળે સ્મિતભર્યું,
અહો! કેવું ખીલે! સુરભભર કેવું મહકતું!
ઇશારે ભોગીને લટુ કરી લઈને નચવતું!
હસે સન્ધ્યા સામે! અનિલલહરીથી ઝુલી રહ્યું!

અરે! માળીની છે તુજ તરફ દૃષ્ટિ પણ નકી,
પરોવી દેશે એ ચુંટી લઈ તને દોરની મહીં;
છતાં એ ત્હારૂં તો મધુર મુખડું તું હસવશે,
નકી તું જાણે છે સુરભ તુજ આ સાર્થક થશે.

તું ક્યારની બરફના જલથી સિંચાશે
આ મ્હેકની મધુરતા બમણી કરીને,
વેણી મહીં લટકશે તુજ પાંખડી એ
હા! પારદર્શક સુ-સુન્દરીકંઠ પાસે.

રોમાંચમાં અગર તું મકરન્દ છાંટી
કર્ણે રહીશ પ્રતિબિમ્બિત ગાલમાં થૈ;
નિદ્રસ્થ મ્હેકથી કરી પિયુપ્રેયસીને,
ત્યાં શ્વાસથી પિયુ તણા કરમાઈ જાશે.

અહીં તો કૈ લાંબું તુજ જીવિત છે જો રહી શકે,
અરે કિન્તુ ત્હારી સુરભ અનિલોમાં ઉડી જશે;
કને માળી આવે ત્યમ ત્યમ અહો! તું હસી રહે!
તને વ્હાલું ના ના જીવિત પણ પ્રીતિ નકી હશે.

તને લાગે મીઠું જરૂર મરીને સાર્થક થવું,
નકી ત્હારૂં હૈયું રસ અનુભવી શોધી જ રહ્યું;
તને મૃત્યુ એ છે મધુર કંઈ સત્કાર મળતાં,
તને ભાવે મૃત્યુ પ્રિયતમપ્રિયાની રમતમાં!

પ્રભુ આવી હોંશો જરૂર તુજ પૂરી જ કરશે,
વૃથા કાંઈ કોની નવ પ્રબલ ઇચ્છા કદિ બને;
અરે પ્યારી! તુંને મમ પ્રિયતમાને દઈશ હું,
નહીં સૂંઘી તારી સુરભ મધુરીને લઈશ હું.

૧-૫-૯૬