કલાપીનો કેકારવ/પ્રિયા કવિતાને

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ડોલરની કળીને કલાપીનો કેકારવ
પ્રિયા કવિતાને
કલાપી
વિધવા બ્હેન બાબાંને →
ખંડકાવ્ય


પ્રિયા કવિતાને


મને વ્હાલી લાગી, પ્રથમ મળતાં હું તુજ થયો,
હસ્યું તારૂં મ્હોં ને તુજ સ્મિત મહીં હું મળી રહ્યો.
તને ભેટું એવી મમ હ્રદય ઈચ્છા કરી રહ્યું,
વળી ત્હારાં નેત્રો અનુકૂળ દીઠાં ને ચળી ગયું.

અરે! તું તો દેવી, જન ગરીબ હું પામર નકી,
શકું જોઈ એ હું ક્યમ હ્રદયની તે તુજ દ્યુતિ?
ઢળ્યાં મ્હારાં નેત્રો વળી પ્રિય! તું એ દૂર જ ઊભી,
પડ્યું આ હૈયું તો પણ લપટી ત્હારા પદ મહીં.

સ્વીકાર્યો તેં મુજ પ્રણય ને કાંઈ હું પાસ આવ્યો,
ખોળે ત્હારે હ્રદય ધરવા કમ્પતું પાસ લાવ્યો;
ભેટું માની કર પણ કર્યો દીર્ઘ મેં એક, વ્હાલી!
કિન્તુ તું તો નભ તરફ, રે! ઉડતી ક્યાંય ચાલી?!

જોયું ઊંચે! ક્યમ ઉડી શકું? પાંખ આવી હતી ના,
"તું ક્યાં! હું ક્યાં!" હ્રદય દ્રવતું છેક તૂટી પડ્યું આ;
રે રે! ત્યારે પ્રતિકૂલ હતો સર્વ સંસાર વ્હાલી!
મૂર્છા આવી નિરખી દિલની ભાંગતાં આશ છેલ્લી.

પછી ત્હારો જાણી મમ શિર લઈને તુજ કરે

મને તું આલિંગી! ભ્રમણ સહુ ભાંગ્યું હ્રદયનું!
ફર્યો ઊંચે નીચે અખિલ ભુવને હું તુજ સહે,
અહો! હર્ષે હર્ષે હ્રદય મમ ફૂલી ધડકતું.

પછી ધીમે ધીમે તુજ અવયવો આ પલટતા,
મને ભાસ્યા સર્વે વધુ મધુર ગમ્ભીર બનતા;
મને કૂંચી આપી મમ હ્રદયની ને જગતની,
અને તાળું ખોલી તુજ મુખ નિહાળ્યું ફરી ફરી!

આ શું? આ શું? નયન વહતાં અશ્રુનું પૂર એ શું?

હૈયું મ્હારૂં પિગળી બનતું મીણ કે નીર જેવું!
ત્યાં બ્રહ્માંડે નઝર કરતાં અશ્રુમાં વિશ્વ ન્હાતું!
ઓહો! વ્હાલી! પ્રલય જગનો અશ્રુથી આ થશે શું?!

ત્હારાં અંગો, તુજ અવયવો, ઓષ્ઠ ને ગાલ સર્વે!
જ્યાં જોઉં ત્યાં જલમય વહે અશ્રુની ધાર, વ્હાલી!
'જો જો વ્હાલા! મુજ સહ રહી આજ છે મ્હાણવાનું!'
એ શું બોલે? ભવતુ! સખિ! તું આમ રોતાં ય વ્હાલી!

અરેરે! શોખની ચીજો રડે ને રોવરાવતી!

હોત ના અશ્રુ તો ઓહો! પ્રેમ ને શોખ હોત ક્યાં?

૨-૫-૧૮૯૬