કલાપીનો કેકારવ/નૂતન સખા પ્રતિ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← હું ત્હારો છું કલાપીનો કેકારવ
નૂતન સખા પ્રતિ
કલાપી
એક સવાલ →


નૂતન સખા પ્રતિ

મુજ જિગર આ ક્યાંથી ક્યાંથી ત્‍હને નજરે પડ્યું ?
મુજ જિગર આ – રે રે ! શાને, સખી દિલથી જડ્યું ?
રુદનમય ને ઢોળાયેલું વળી રસહીન છે !
તુજ તરસ આ મ્હારાં આંસુ - સખે ! ક્યમ છીપશે ?

અહહ ! રણમાં છાયા શોધી ફરી રણમાં પડ્યો !
અરરર ! દિશા જૂઠીમાં ત્‍હેં પ્રવાસ શરૂ કર્યો !
વિખરી પડતી હોડી આ તો ત્‍હને ક્યમ તારશે ?
ઉદધિ તરવા આવું ખોખું ! ન સાધન યોગ્ય છે !

દરદ દિલની મ્હારી પાસે નહીં જ દવા - અરે !
મુજ દરદની ત્‍હારી પાસે નહીં જ દવા હશે !
રુદન કરશું ત્યાં યે અશ્રુ નહીં મળશે ! સખે !
સ્મિત કરીશ તું ! મ્હારે માટે નથી હસવું હવે !

મુજ રુદનની વાતોથી તું રડીશ કદી કદી,
તુજ રુદનથી મ્હારી આંખો હવે પલળે નહીં;
મુજ નયનને રોવાનો તો સુકાલ વહ્યો ગયો,
મુજ જિગરની રેતીમાં તો દુકાળ પડી રહ્યો.

અતિ અતિ, સખે ! મોડું મોડું ત્‍હને ઉર આ મળ્યું,
મુજ હૃદયનું લૂટાવાનું લૂટાઈ સહુ ગયું;
રસિક ભ્રમરા ! આ વાડીમાં નથી હસતું ફુલે,
મુજ ચમનના ક્યારા સર્વે સુકાઈ લૂખા દિસે.

હૃદયવનના મીઠાબોલા મુસાફર હંસલા !
વિપુલ જલના વાસી ! ભોળા ! ન માનસ હોય આ !

શ્રમિત દિસતો ત્‍હોયે જા જા જહીં તુજ સ્થાન છે !
ઉજડ વનમાં શાનો, બાપુ ! કશોય વિરામ છે ?

બહુ ત્યજી ગયાં, છે તે જાતાં, નિવાસ ન ત્યાં ઘટે,
તુજ હૃદયની જ્ઞાતિ આંહીં વળી નવ લાધશે;
સહુ ત્યજી ગયાં, ધોખો તેનો મ્હને ન મળે કશો,
પછી ક્યમ કહું રોકાવાનું ત્‍હને ઘડી યે ? અહો !

મુજ જિગરના કાંટા તુંને શું આદર આપશે ?
કમનસીબની છાયાથી યે ન કૈં સુખ સાંપડે !
મુજ જિગર જ્યાં પંપાળે ત્યાં પડે વ્રણ છે ! સખે !
દરદમય આ શાને આવી બિછાત મહીં પડે ?

સહુ મધુરતા જેને માટે પ્રભુ ધરતો રહે,
અરર – કટુતા પીવા તેને શું શોખ થતો હશે ?
મુજ જિગરથી બાઝી - ભોળા ! ખુવાર થઈશ ના,
મૃદુ હૃદયની પીડા હુંથી સહાઈ શકાય ના.

મૃદુ હૃદયની પીડા જોઈ જળી જ ગયેલ છું !
મૃદુ હદયની પીડા જોવી હજુ ય રહેલ શું ?
મુજ હૃદયમાં કાંઈ બ્‍હોળો દયારસ ના વહે,
પણ જખમીને કોઈ દી યે ન ઘાયલ પીડશે.

મૃદુ હૃદય શું ત્‍હારૂં આંહીં નકી ધરવું કર્યું,
મુજ જિગરની સાથે ત્‍હેં શું નકી મરવું કર્યું;
નહિ નહિ - સખે ! જાવા દેને ! ન સાહસ આ ઘટે !
હઠ કરીશ ના ! ત્‍હારૂં હૈયું સલામત ના દિસે !

પણ હૃદય જો ત્‍હારૂં આંહીં નકી ધરવું કર્યું,
મુજ જિગરની સાથે ત્‍હેં જો નકી મરવું કર્યું;
મુજ જિગરની જ્વાલા તો હું ગળીશ સુખે - સખે !
તુજ જિગરને જે મીઠું તે ધરીશ સુખે - સખે !

પણ હૃદયના લ્હાણામાં જો હળાહળ સાંપડે,
તુજ હૃદયનું હુંમાં ઇચ્છ્યું તૂટી જ પડ્યું દિસે,
તુજ અમી તણું મીઠું ટીપું ન રેડીશ – ભાઈ ! ત્યાં,
કટુ ઝરણ એ એ બિન્દુથી અમી ન બને કદા.

મુજ જિગરના કાંટા તુંથી નહીં ખરશે - સખે !
મુજ જિગરના કાંટા જાતાં ન જીવીશ હું - સખે !
પ્રતિ હૃદયને પોતાનાં છે નકી મધુ આંસુડાં,
પ્રતિ હૃદયનું છુપું અન્યે ઉકેલી શકાય ના.

મુજ હૃદયનું ખેંચાતા છે ગયું નમી કામઠું,
બહુ યુગ જતાં કોઈથી એ થશે ન હવે ઉભું;
કંઈ કરીશ તો ત્‍હારા સર્વે પ્રયાસ વૃથા જશે,
રડીશ નહિ તું ! છોડી દેજે મ્હને રડવું ગમે !

૧૬-૨-૯૭