લખાણ પર જાઓ

કલાપીનો કેકારવ/ન્હાસી જતી મૃગી ને ઘવાયેલો મૃગ

વિકિસ્રોતમાંથી
← એકલો બોલ કલાપીનો કેકારવ
ન્હાસી જતી મૃગી ને ઘવાયેલો મૃગ
કલાપી
તું વિણ મેઘલ વાજસુર ! →


ન્હાસી જતી મૃગી ને ઘવાયેલો મૃગ

જરા પાસે ! જરા પાસે ! પારાધિ હજુ દૂર છે;
ચોંટેલો કાળજે ઝેરી તાજો ઘા અતિ ક્રૂર છે.

ન તીર સાથે હણનાર પ્હોંચે,
ઘા સાથ ના જીવ જતો રહે છે,
ઠર્યો નથી ઘા: હજુ રક્ત ઉન્હું,
હજી રહ્યું સ્નેહનું ભાન જૂનું.

સૌન્દર્ય આ વિશ્વ તણું ન જોવા,
છે કાલ છેલ્લો ઉપભોગનો આ;
ત્હારી, પ્રિયે ! એક જ દૃષ્ટિ લેવા
હજી ય ઇચ્છા હૃદયે ભરેલ છે.

હવે ટોળું બધું મ્હારૂં ન્હાસી દૂર જતું ભલે;
વેદના ઠારવા કિન્તુ ઠેરવું તુજને ઘટે.

બધે પ્હેલી નિજ ઝિન્દગી શું ?
હજી શું એ ત્રાસથી કમ્પતી તું ?
છે તીર કો અન્ય ન છૂટવાનો !
દીર્ઘાયુ તું સાથ કુરંગ આ હો !

નથી અહીં વૈરીનું વૈર લેવું,
નથી અહીં શોણીતબિન્દુ દેવું;
અહીં રૂડું સ્નેહનું દર્દ સ્હેવું !
તહીંય સ્વસ્નેહની આ શી ભીરુતા !

જરા પાસે ! જરા પાસે ! મ્હારો આ વ્રણ ચાટવા !
અરે ! વ્હાલી ! હવે તો આ લાગે છે સ્વર ફાટવા !

ભીરુ બન્યાં અંગ બધાં ય જેનાં,
કેવાં મૃદુ વ્હાલ સદૈવ તેનાં !
વ્હાલી ! છતાં એ સહુ સ્નેહ કાચા,
સૌન્દર્ય જો ભવ્ય બની શકે ના.

એ શું બધી દેહ ત્ણી જ માયા ?
આત્મા પરે પ્રેમની શું ન છાયા !
માની હતી પ્રીતિ વિશાલકાયા,
તહીં ય આવી લઘુતા ભરેલ શી !

સ્નેહને તોડવા જાણે મ્હારું આ મન થાય છે;
ઝપાટે શ્વાસ આ કિન્તુ ચાલ્યો દૂર જ જાય છે.

અરે ! અહીં છેવટ સર્વ ભાસે,
ફલંગ દેવા ન ઇલાજ પાસે,
પ્રિયે ! ઘડી પ્રેમની ગ્રન્થિ તેને
કૈં જોઈએ કાલ જ તોડવાને.

બીજા વ્રણેથી ય બચાવવાને,
જે માનતો તે જ મનાવવાને,
ફલંગ દે એક જ આવવાને !
પ્રિયે ! પ્રિયે ! આ તુજ સાથી જાય છે !

જરા પાસે ! જરા પાસે ! બહુ ના, ક્ષણ બે જ છે !
પ્રિયે ! તું ચાહતી જેને આ વ્હાલો તુજ એ જ છે !

ત્હને સ્મૃતિ હો અથવા નહીં હો,
ભૂલી બધું તું ક્ષણમાં જ, ઓહો !
જે રેડતી જીવન મૃત્યુમાં એ.
મીઠી સ્મૃતિ આ ઉરમાં તરે તે.

ન ચાહવું, પુરુષથી બને ના !
સ્ત્રીજાતિથી સ્નેહ કશો મળે ના !
જૂદી જ કૈં પ્રેમ પિછાન દે આ,
છતાંય આ ઝિન્દગી તું જ તું મહીં !

અરે ! એ તો સ્મૃતિથી એ જાણે જીવ ફરી વળે !
દૃષ્ટિ તું ફેંકતાં તો ઘા રૂઝાઇ ક્યમ ના મળે ?

સ્હવારથી સાંજ સુધી શિકારી
થતો હતો પાછળ બાણધારી;
જૂદાં થઈ આપણ ભેટતાં તે
ત્હને ન શું યાદ જરી ય ર્‌હે છે !

હર્ષાશ્રુ દેનાર શિકારીનો એ
કેવો થતો'તો ઉપકાર ત્યારે !
અંગૂર શી નૂતન શીંગડી તે
શી થાકને સર્વ હરી જતી હતી !

જરા પાસે ! જરા પાસે ! હર્ષાશ્રુ હજુ આપવા !
મૃત્યુમાં ચાલનારાની છેલ્લી લ્હાણ જ ચાખવા !

હર્ષાશ્રુ વ્હાલાં તુજને સદા એ,
ત્હને મળું ત્યાં હજુ એ જ એ એ;
જે સ્નેહસિન્ધુ મહીં ઉપરિ છે,
તે ઊર્મિનો વાસ ત્હને રુચે છે.

જે બિન્દુનો સિન્ધુ બનાવવાને
જે સાગરે સ્નાનથી મ્હાલવાને,
વિયોગ તું ઇચ્છતી પામવાને,
પ્રિયે ! અહીં તે તુજ કાજ નાચતું !

પ્રિયે ! તું ઇચ્છતી ત્હોયે જુદાઈ ગમતી નહીં !
હવે શું અન્તની આવી ત્હને કૈં દમતી નહીં ?

કે શું વિલાસી સહુ અશ્રુઓ તે
વિલાસની ઝાકળમાં ગળીને,
ઝર્યા કર્યા'તા તુજ નેત્રમાંથી
લોભાવવા આ તુજ મૂર્ખ સાથી ?

વિલાસ, જે સ્નેહ તણું જ અંગ !
તે આ કરે સ્નેહ તણો જ ભંગ !
વિલાસ તો છેક પતંગરંગ -
પ્રિયે ! તહીં સ્નેહ ઘટે મિલાવવો.

જરા પાસે ! જરા પાસે ! વિલાસી મૂગલી અહીં !
વિના એ નેત્રની છાયા છેલ્લે ચેન પડે નહીં !

કંગાલ છે સ્નેહ વિલાસના એ
તેમાં જ વીતી મુજ ઝિન્દગી છે;
એ આંખ એ આંખ જ ! આંખ ત્હારી;
પ્રીતિ નહીં, ક્રૂર છતાં ય પ્યારી !

કંગાલ જેની ગઈ ઝિન્દગી છે,
કંગાલ તેનું નકી મૃત્યુ એ છે;
કંગાલ આ રક્ત બધું વહે તે
પુકારતું એક જ વ્યર્થ ઝાંઝવે !

હવે તું આવતાં પાસે કંગાલી જ વધી જશે !
છતાં આ મર્મના ઘાને કંઈ થંડક તો થશે !

અરે ! અરે ! છેવટ સત્ય જોવું,
તેથી સદા બહેતર અન્ધ રહેવું !
હતી, પ્રિયે ! એક જ દૃષ્ટિ દેવી,
છેલ્લી ઘડી થાત અજાણ કેવી !

નવું ભણી ધૂલ મહીં ભળું છું !
પ્રિયે ! છતાં મોહ મહીં તરૂં છું !
વિકરાલ દાવાદરદે જળું છું !
ફરે વળી મૃત્યુની ધ્રૂજ સામટી !

જરા પાસે ! જરા પાસે ! અરે ! શાન્તિ નહીં મ્હને !
વિલાસી તું સુખી થાજે ! પ્રભુ શાન્તિ ધરે તને !

૯-૬-૯૮