કલાપીનો કેકારવ/પ્રેમીની આશિષ
← ચંચલ પ્રેમસુખ | કલાપીનો કેકારવ પ્રેમીની આશિષ કલાપી |
પ્રેમનું પૃથ્થકરણ → |
પ્રેમીની આશિષ
પીલુ
હર્ષશોકના રંગીન પાટા ચિત્રવિચિત્ર પડ્યા ઝિંદગીમાં:
સિન્ધુતરંગની વહે છે પરંપરા એક પછી બીજા તેમ વહે આ.
કાળો પટો કોઈ, કો’ સોનેરી, કોઈ રડાવે ને કોઈ હસાવે:
અશ્રુ સૂક્યાં ના હાસ્ય થયું ત્યાં, હાસ્ય પછી અશ્રુ પલમાં પડે છે!
નયન હસે છે, સ્મિત મુખડે છે, પ્રહર્ષ પ્રફુલ્લિત હૈયું કરે છે:
તે મુજ સ્થિતિ નિત્ય રહે ના, આનંદ ઉભરા કાલ હશે ના!
ઝિંદગીનો છે રણનો રસ્તો, શુષ્ક અને જલહીન તપેલો:
પુષ્પ ખીલેલાં ત્યાં નહિ મળશે, મળશે તે ક્ષણમાં કરમાશે!
જે દિલ ફૂલથી બહુ મલકાશે, જે હૈયેથી અતિ હર્ષ થાશે,
તે હૈયે કાંટો તુર્ત ભોંકાશે, તે હૈયું ભોળું તુર્ત ચીરાશે!
દુનિયાના આ પ્રવાસની મધ્યે સુખ લેવાનું તે લ્હાવો ખરે છે:
નાચ તો વ્હાલા! નાચ રસીલા! કુમકુમથાપા દે હૈયામાં!
હાસ્યવિરાજિત આનંદાશ્રુ પ્રેમીનાં પ્રેમીલાં નયને વસજો!
અથવા અશ્રુ અનુકંપાનાં હાસ્ય ભૂંસી પ્રેમીને મળજો!
જીવનદોરી બનત અકારી પ્રેમ સંયોજિત હોત નહીં તો!
એ જ સત્ય છે, તો મુજ આયુ પ્રેમ તૂટ્યા પછી ક્ષણમાં તૂટો હો!
પણ નિષ્કલંક ને વત્સલ પ્રેમી પ્રેમનશે ચકચૂર થયેલાં:
મધુર સ્વપ્ન સૌ ઊડી જવાથી આશાભંગથી બહુ છે રોયાં!
પ્રેમ ઉપર વિશ્વાસ ધરીને સ્વસ્થ હૃદય નિઃશંક સૂવે તે,
કદી જો કપટથી દુભાય નહીં, તો સુભગ અને સુખવાળું ખરે છે!
પણ જનહૃદયે પ્રેમ વસે છે, પ્રેમીને તો મુજ આશિષ એ છે:
‘પ્રેમરવિ સૌ હૃદયે પ્રકાશો, સ્નેહશશી સૌ પર અમૃત ઢોળો!’
૨૧-૮-’૧૮૯૩