લખાણ પર જાઓ

કલાપીનો કેકારવ/પ્રેમનું પૃથ્થકરણ

વિકિસ્રોતમાંથી
← પ્રેમીની આશિષ કલાપીનો કેકારવ
પ્રેમનું પૃથ્થકરણ
કલાપી
મરણશીલ પ્રેમી →
શિખરિણી


પ્રેમનું પૃથ્થકરણ

મુકે નિઃશ્વાસો તે હૃદય દુખડાંનાં નહિ નહીં!
રડે, ખરે અશ્રુ, નયન પલળેલાં, દિલ સૂકાં!
ઘડી પ્રેમી સાથે લટપટ બની ગેલ કરતાં,
પછી ‘વ્હાલી’ ‘પ્યારી’ ‘પ્રિયતમ’ ‘પિયુ’ નામ જ રહે!

નમે સૌ દેવોને, હૃદય ન નમ્યું કોઈ સુરને!
કરે પ્રીતિ સૌથી, જીગરવત એકે નહિ નહીં!
બધાં નેત્રો વ્હાલાં, નયન પ્રિયનાં માત્ર પ્રિય ના!
પડે કો’ બન્ધે તો નહિ નહિ નહીં સ્થાનગણના!

રહે પ્રીતિ નેત્રે, નહિ જ હૃદયે પ્રેમ વસતો!
ઊડે સ્થાને સ્થાને, હૃદય સ્થિર ના કોકિલ સમું!
અરે! આવી મૈત્રી જગત પર દીસે ભટકતી!
ઘણાં હૈયાં ચીરી હૃદયરુધિરે રાસ રમતી!

* * * *


યુવા, વૃદ્ધાવસ્થા, સુખદુઃખસમે, નિર્મલ અતિ!
ડગે ના પ્રીતિની દિલ પરની જ્વાલા ઝળકતી;
બગીચા, મ્હેલોમાં, ઘટ વન અને જંગલ વિષે
રહે શાન્તિ હૈયે, પ્રિયતમ પ્રિયા એક જ રહે,

ભર્યાં હૈયાં પ્રેમે! વધુ ઘટુ થતાં જીવ નિકળે,
વધે તો આનન્દે, કમી થઈ જતાં શોકથી મરે!
દ્રવે, નીચોવાયે હૃદયરસ મીઠો છલકતો,
પરંતુ બ્હોળો તે દિલરસઝરો ના ખૂટી જતો.

બલિહારી આવાં મધુર રસવાળાં હૃદયને!
અહો! સાધુ હૈયાં! વિમલ શુભ સ્થાને ચિર રહો!
પ્રભુ! આવી પ્રીતિ જનહૃદયમાં વાસ કરજો!
ઊડો પૃથ્વી ઊંચે! સુર, જન બનો દિવ્ય સરખાં!
૯-૯-૧૮૯૩