કલાપીનો કેકારવ/મરણશીલ પ્રેમી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પ્રેમનું પૃથ્થકરણ કલાપીનો કેકારવ
મરણશીલ પ્રેમી
કલાપી
કમલિની →
શાર્દૂલવિક્રીડિત


આયુ સ્વલ્પ મનુષ્યને દઈ કર્યાં પ્રેમી ઈશે કાં ભલા!
શું પીવાય મુહૂર્તમાં રસઘડા વ્હાલાં દિલે જે વસ્યા?
સન્તોષે સુખમાં રહેત દિલ આ જો હેત હર્ષે ભર્યું:
માગું ના કદિ દીર્ઘ આ જીવિત જો તે હોત આનન્દનું!

ગાઢાં સંકટમાં પડ્યાં હૃદય કો ચીરાય ભોળાં, અહો!
ઝીણાં ઘૂંઘટમાં છુપાઈ સરતો આનન્દ તેઓ તણો!
આશા એ જ મનુષ્યનું જીવિત છે, તો આશ રાખું ભલે:
મૃત્યુ બાદ મળો અખંડ સુખનો કો દેશ પ્રેમીને!

આંહીં તો કદિ હાસ્ય થાય પ્રિયથી, વા હસ્તમેળા બને:
જાણી ના રતિ કોઈના હૃદયની ત્યાં મૃત્યુ આવી મળે!
વ્હાલા! દુર્લભ હર્ષ છે અતિ અહીં; તો મૂલ્ય મોંઘું નકી:
તેને આદરભાવથી હૃદયમાં રાખો જીવો ત્યાં સુધી!

આવે રંગિન પક્ષીઓ, મધુરવાં, બાગે વસન્તાન્તથી,
કો વેળા ત્યમ હર્ષ સૌ હૃદયમાં આવી ઉડે છે ફરી!
હોજો વિદ્યુત સાંકળી ચળકતી પ્રેમાર્દ્ર હૈયાં વિષે!
સ્પર્શે હર્ષ જરી જ કો હૃદયને તો સર્વવ્યાપી બને!

૧૫-૯-૧૮૯૩