કલાપીનો કેકારવ/પ્રેમ અને ધિક્કાર

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પ્રવૃત્ત થવા કહેતા મિત્રને કલાપીનો કેકારવ
પ્રેમ અને ધિક્કાર
કલાપી
હમારી ગુનેહગારી →


તને ચાહી દાઝી રુધિર સઘળું તો ગત થયું,
હવે પાણી પાણી થઈ જઈ વહે હાડ સઘળાં,
નહીં તેનું કાંઈ તુજ જિગરને સ્વપ્ન સરખું,
મ્હને તો મીઠી શી નહિ કદિય દૃષ્ટિ પણ મળી.

સહેતાં ર્‌હેતાં એ ક્યમ સહી શકું એ કઠિનતા ?
અરે ! આવું આવું જીવિતભર શું કોઈ સહશે ?
પશુ યે કો આવું કદિ સહી શકે આચરણ ના !
દયા મ્હારે માટે મુજ જિગરમાં આજ ઉપજે !

ખુવારી વ્હોરી મ્હેં, મુજ હૃદય એ આજ સમજે !
ખુવારી વ્હોરી તે કદિ નહિ વ્હોરીશ હવે !
નથી મોડી કાંઈ સમજણ પડી એ જખમની,
નહીં મોડી પામું મુજ જખમની ઔષધિ વળી.

હવે જોયા ત્હારા સરપ રમનારા નયનમાં,
હવે ચેત્યો ઝેરી તુજ જિગરના ખંજર થકી;
હવે ભોળો પ્રેમી તુજ વદનથી દૂર વસશે,
અને તેને ક્યાંયે જગત પર મીઠાશ મળશે.

અરે ! ત્હારે માટે પ્રણયી મમ પામ્યાં પ્રણય ના,
કદી ના લૂછાયાં મુજ કરથી એ આર્દ્ર નયનો;
રહ્યાં મ્હારે માટે હૃદય કુમળાં એ સળગતાં,
અને ત્હારે માટે મમ હૃદય તો વ્યર્થ જળતું.

હવે ના ઇચ્છું તુજ હૃદય માટે સળગવા,
હવે ધિક્કારૂં એ તુજ હૃદયને હું ક્યમ નહીં ?
કૃતઘ્નીને ચ્હાતાં મુજ હૃદય ના અન્ધ બનશે,
અને એ ભૂલોની મમ હૃદય શિક્ષા ય સહશે.

'હવે ધિક્કારૂં,' એ ઘટિત નહિ બોલો પ્રણયીને,
અરે ! એ બોલો તો જરૂર ઇનસાફી પણ દિસે;
તને ચ્હાવામાં એ હૃદયઝરણું છૂટ જ હતું,
હવે ધિક્કારૂં ત્યાં ક્યમ હૃદયને બન્ધ કરવું ?

પ્રભુ પાસે માગું મુજ હૃદયને ન્યાય મળવા,
કૃતઘ્નીને શિક્ષા દઈ શિખવવા ક્રૂર ન થવા;
નહીં ત્યાં તુ ફાવે કુદરત ન અન્યાય કરશે ?
તહીં મૂંગે મ્હોંએ જગત સઘળું દંડ ભરશે.

હવે હું ઢંઢેરો નગર નગરે ફેરવીશ, કે
'કૃતઘ્ની હૈયાના જખમ નિરખો આ મુજ ઉરે;
'અરે સૌન્દર્યોનાં હૃદય નવ સૌન્દર્ય ધરતાં,
'અને સૌન્દર્યોને શરણ પડનારાં દુઃખી થતાં.'

અરે ! મ્હારૂં ક્‌હેવું જગત સુણનારૂં પણ નહીં,
સદા ઘેલું ઘેલું જગ નિરખી સૌન્દર્ય બનશે;
અરે ! કોણે ઝાલ્યો હૃદયધબકારો હજુ સુધી
વહે છે તે જ્યારે ઝળહળિત સૌન્દર્ય પરથી ?

લવું છું હું યે આ મુજ નયન નીચાં દબવીને,
અહા ! ખેંચે કિન્તુ હૃદય મમ નેત્રો ફરી તહીં;
અને ત્યાં જોતાં તો નરમ બનતો કે ગળી જતો,
અરે ! ત્યાં જોતાં તો હૃદય સઘળું અર્પી જ જતો.

સ્મૃતિમાં એ જાગે તુજ વદન ને હું મુજ નહીં,
પછી મ્હારો મ્હારા ઉર પર કશો યે હક નહીં;
કહે, શું છે જાદુ ? કહીંથી તુજને એ જડી ગયું ?
પ્રયોગોને માટે મુજ હૃદય ક્યાંથી મળી ગયું ?

અરે ! જોતાં તુંને જિગર ફરિયાદે નવ કરે,
સહ્યું ને સૌ સ્હેવા ફરી જિગર તો તત્પર બને;
"સહ્યું", એ ક્‌હેતાં એ જિગર શરમિન્દું થઈ જતું,
દિસે ઘા મ્હોટા એ કુસુમકળીવર્ષાદ સરખા.

ચીરાવું, રેંસાવું, તરફડી રીબાઈ સળગવું,
શૂળીના કાંટાની અણી પર પરોવાઈ મરવું,
દિસે લ્હાણાં એ તો અગર રસનાં પાત્ર મધુરાં,
ચહું એ ચ્હેરાની સુખથી કુરબાની થઈ જવા.

પછી ધિક્કારૂં શે મધુર મુજ એ લ્હાણ ઉરની ?
બહુ તો યાચું કૈં તુજ પદ મહીં શીર્ષ ઝુકવી;
જહાંગીરી આવી ક્યમ કદિ ગુલામી ગણીશ હું ?
'હવે ધિક્કારૂં', એ ક્યમ કદિ ય બોલો કહી શકું ?

નહીં સત્તા ત્હારી પ્રણય મમ આવો ડગવવા,
'હવે ધિક્કારૂં', એ મુજ ઉરથી શબ્દો કઢવવા;
કરી લે ચાહે તે પણ નહિ કહું જે નવ કહ્યું,
કરી લે ચાહે તે પણ નવ બને જે નવ બન્યું.

વહન્તો પ્રેમપૂરે તે ધિક્કારે અટકે નહીં;
પ્રેમના શત્રુનો પ્રેમ ના ના આશ્રય લે કદી.
                                                ૪-૨-૧૮૯૭
                        *