કલાપીનો કેકારવ/બ્હોળો રસ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ત્હારો બોલ કલાપીનો કેકારવ
બ્હોળો રસ
કલાપી
સ્મૃતિ →


બ્હોળા રસ

દુઃખો કે આનન્દો, પ્રણય સખીનો કે કઠિનતા,
ઝરાઓનું વ્હેવું ઉદધિ તણું એ ગર્જન મહા;
શુકોનું સ્વચ્છન્દી ચપલ સુરિલું ગીત મધુરૂં,
લતા, વૃક્ષો, પુષ્પો, અનિલલહરી ને જગ બધું.

સહુ આ પૂરે છે મુજ જિગરમાં આસવ કંઈ,
મને ભાસે સૌમાં રસનવીનતા આસવ થકી;
અરે! ખાલી કિન્તુ નયન મુજ ઘેરાં થઈ રહ્યાં,
નશામાં મ્હાલન્તું વિફળ મુજ ડોલે જિગર આ.

અહો! મોતિડાં શાં મધુર કંઈ બિન્દુ છલકતાં,
અરેરે! એ દૈવી અમર રસ ઢોળાઈ વહતો;
'અતિ ન્હાનું પ્યાલું મુજ હ્રદયનું એ રસ બહુ'
કહી હું રોનારો! અખૂટ રસ એ ક્યાં કુદરતી?

અહો! બ્હોળા મેઘો જલધિ પર જેવા વરસતા,
ઢળે તેવો આ એ મુજ રસ અરેરે! રણ મહીં;
ગમે છે કૈં એવું કુદરતઉરે એ છલકતું,
રુચે છે આ પ્યાલે અખૂટ મધુ રેડ્યા જ કરવું.

અહો! તો હું કાં ના મુજ રસ દઉં અન્ય ઉરને?
ન કાં કો સ્વીકારે? વળી દઈ શકું હું પણ ન કાં?
અરે! શું સ્વીકારે? પ્રતિ હ્રદયમાં એ જ વહવું,
દિસે આંહીં કે ત્યાં કુદરતનું ઔદાર્ય સરખું.

કવિતા ગાઉં છું; ઘડીક રસની ત્યાં સફળતા,
બહુ હીરા કિન્તુ દિવસ સઘળા વ્યર્થ જ જતા;
કવિતા ગાતાં એ અમુક રસ તો એમ જ ઢળે,
કવિતામાં કો દી કવિ ન રસ પૂરો ધરી શકે.

પ્રિયાને આલિંગું મુજ હ્રદયને જે પ્રિય સદા;
સખાને ભેટું છું, મુજ જિગરની જે પ્રતિકૃતિ;
અહોહો! ત્યારે તો મુજ જિગર વિસ્તીર્ણ બનતું,
અરે! કિન્તુ ત્યારે રસની પણ હેલી વધી પડે.

અહો! જેવો પ્રેરે મધુર રસ ત્યારે લપટવા,
ન હું તેવો કો દી લપટી શકતો ગાઢ પ્રિયને;
ઉરોની વચ્ચે છલકી પડતો એ રસ, અને
અરે! બાઝી રહેતાં દિલ ન કદી સન્તુષ્ટ બનતાં.

અતિ તૃપ્તિ કો દી નથી નથી થઈ કે નહિ થશે,
ઉરોના પ્યાલામાં રસ નહિ કદી એ સ્થિર રહે;
કવિતા ગાતાં કે પ્રિય હ્રદયની ભેટ કરતાં
બહુ ટૂંકું ભાસે જીવિત ધ્રુવનું એ ક્ષણ સમું.

ડરૂં છું હું કાંઈ, ઝરણ કદિ એ બન્ધ પડશે,
દુકાળોને માટે અરર! નવ કાં સંગ્રહ કરૂં?
પ્રતિ બિન્દુ મ્હારાં નયન ઉર ઉન્મત્ત કરતું,
પછી આ સિન્ધુની મુજ દિલ અપેક્ષા નવ ધરે.

અરે! કિન્તુ ના ના અમર રસનો સંચય થતો,
ઝલાતું ના મોજું જલધિ ભરતીનું કદિ અરે!
ઝલાતાં તો ધારે ગતિહીન બની એ નીરસતા,
અને દૈવી ફોરૂં કટુ કટુ થઈને વિષ થતું.

અરે! શાને રોવું? રસમય છતાં કેમ ડરવું?
શરાબોનું પીવું ચૂપ રહી ન પ્યાલું ક્યમ ભલા?
ન કાં શ્રદ્ધા રાખું કુદરત તણા એ રસ પરે?
વહન્તી વેળામાં સુખમય બની ના ક્યમ ડૂબું?

મળે છે ઔદાર્યે પછી ક્યમ બનું કંજુસ ભલા?
અરે! શાને જૂઠી ફિકર કરવી કાલની ભલા?
શિલા કાળી, કાંટા, પરવત, અને આ રણ બધું,
ભલે એ સિન્ધુના વિપુલ ગરકાવે છલકતું.

અહો! વ્હાલી! વ્હાલી! ભર મુદિત આવો લપટશું.
ભરી પી પી પ્યાલાં સુખી સુખી બની મૂર્ચ્છિત થશું;
ભરી મસ્તી લ્હેરી હ્રદયશઢ છો ને વહી જતા,
ઝરા છો ને મીઠા અમર રસના એ છલકતા.

૧૪-૧-૧૮૯૭