કલાપીનો કેકારવ/મૂર્તિપૂજક વિશ્વ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વૈરની કેમ ઉમેદ ધરૂં કલાપીનો કેકારવ
મૂર્તિપૂજક વિશ્વ
કલાપી
મનુષ્ય અને કુદરત →


મૂર્તિપૂજક વિશ્વ

વેલી બાઝી તરુ સા અને વૃક્ષ એ વેલડીને,
તિર્યંચોનાં યુગલ વસતાં જંગલે જંગલે છે;
વાયુલ્હેરી કુસુમકલીથી બાથ ભીડી ભમે છે.
વાતો છાની ઘનદલ કરે વીજળી મોકલીને.

પક્ષી પાળ્યું, ઉડી મરી ગયું, ખેદ તેનો ત્હને છે,
તે પાંખો, તે મધુર સ્વરને વ્હાલથી જોઈ સ્મરે છે,
વ્હાલીના તું અવયવ બધાં હેતથી જોઈ ર્‌હે છે,
ને તેના એ મધુર સ્વરમાં મોહ કેવો તને છે?

વૃક્ષો વેલી ઉપર કવિનું આર્દ્ર હૈયું દ્રવે છે,
કમ્પી ર્‌હેતાં હૃદય કુમળું કાવ્ય કૈં આદરે તે;
કૈં વર્ષોએ રસલુલુપ કૈં ગીત તે ગાઈ રોતાં,
ત્યાં પોતાનો રસ મળી જતાં કાંઈ આનન્દ લેતાં.


આ ચિતારો, નકલ કરતો ભાવ વા રૂપની કૈં,
બ્હોળી મીઠી કુદરત તણું સત્ય ખેંચે કલાથી;
પોતાનું કો ઋષિ, યતિ વળી સર્વ બ્રહ્માંડ માને,
ને સંસારી સુખથી ન સુવે કોઈ સુવર્ણ માટે.

આ શું ત્હારાં સ્મિત, રુદન ને મોહ ને લોભ્, પ્રીતિ?
ઓહો! એ શું તુજ હૃદયની મૂર્તિપૂજા ન મીઠી?
યોગી, પક્ષી, પશુ, જન અને જીવ કે જન્તુ કોઈ
કો આ કો તે ઉપર દિલનું જીવતું લક્ષ્ય રાખી.

આ મૂર્તિ આ પ્રણય તુજ કૈં કાલથી વિસ્તરે છે,
બાલુ! ત્હારૂં જડ રમકડું બ્રહ્મની કૂંચી આપે;
ઉઘાડી દે તુજ પડ સહુ ચાવી એ ફેરવી તું,
મૂર્તિ પૂજી તુજ જિગર દે મૂર્તિમાં ભેળવી તું.

૧૬-૮-૯૬