લખાણ પર જાઓ

કલાપીનો કેકારવ/વૈરની કેમ ઉમેદ ધરૂં

વિકિસ્રોતમાંથી
← ફુલ વીણ સખે ! કલાપીનો કેકારવ
વૈરની કેમ ઉમેદ ધરૂં
કલાપી
મૂર્તિપૂજક વિશ્વ →


વૈરની કેમ ઉમેદ ધરૂં

વિસરી સઘળો મુજ પ્રેમ ભલે,
થઈ ભગ્નપ્રતિજ્ઞ ભલે પ્રિય એ;
પ્રતિકારની ના અભિલાષ ઉરે,
મુજને હજુ જાદુ પ્રિયાનું ગમે.

પરિવર્તનને વિલપું કદિ હું,
પણ ક્રૂર, અરે! કદિએ ન બનું;
મુખ એ પર ક્રોધ જરી ન કરૂં,
મરતાં મરતાં પણ એ જ સ્મરૂં.

સુખને સમયે બહુ વાર મળ્યાં,
ઉડી હર્ષની છોળ, દિલો લપટ્યાં;
સુખી કાલ ન એ ટકી નિત્ય શકે,
ઉર લોભ હજુય છતાં ન ત્યજે.

મુજ હાલત આ કદિ ગાઈ રહું,
ઝરશે જલ તો કદિ રોઈ રહું;
ગત કાલ સ્મરી ઉપકારી બનું,
પછી વૈરની કેમ ઉમેદ ધરૂં?

૧૮-૮-૯૬