કલાપીનો કેકારવ/મૃત્યુ
← તુષાર | કલાપીનો કેકારવ મૃત્યુ કલાપી |
પુષ્પ → |
છંદ = વસંતતિલકા |
મૃત્યુ
મેં બાપડું રમકડું કુમળું ઉછેર્યું,
આ પ્રેમના હૃદયનો રસ પાઈ પોષ્યું;
પારેવડા સમ હતું બહુ ભોળિયું એ,
ને ગીતડું પ્રણયનું મુજ બાલુડું તે!
મ્હારી પ્રિયા હૃદયનું ફુલડું હતું એ,
પ્રીતિ તણું મન હતું, સુખિયું હતું તે;
પોઢ્યું હતું મુજ કને દિન એક કાલું,
સૌએ રડી કળીકળી ફૂલ તે ઉપાડ્યું!
લોકો કહે ‘મરી ગયું’, સમજ્યો ન હું તો;
ચાલ્યાં લઈ ‘કુસુમ’,પાછળ હુંય ચાલ્યો;
જેને કહે જન ‘શ્મશાન’ તહીં ગયાં સૌ,
મ્હારી પ્રિયા હતી પણ જનસાથમાં ત્યાં.
ત્યાં કાષ્ટના ઢગ પરે ફૂલ તે સુવાડ્યું!
લોકે કહ્યું ‘શબ’ ભલે, ‘ફૂલ’ મેં કહ્યું’તું;
મેં તો કહ્યું, ‘અરર!ભાઇ, જરાક થંભો,
આ લાડલું કઠિન અગ્નિ વતી ન બાળો!’
રે સાંભળો! પણ તહીં ભડકો ઊઠ્યો શું!
મૂર્ચ્છા તળે દુઃખ ભૂલી ધરણી ઢળ્યો હું;
તે ક્રૂર સૌ જન ગયાં નિજ ઘેર ચાલ્યાં,
આ એક જે મુજ હતી રહી પાસ તે ત્યાં.
હું તો ઊઠ્યો, સળગતું મુજ કાળજું’તું,
ઢૂંઢ્યું, ન ત્હોય નજરે મમ પુષ્પ આવ્યું;
ત્યાં દૂર વૃદ્ધ અવધૂત હતો ગુફામાં,
તેણે સુણી રુદન આવી મને કહ્યું આઃ–
“ત્હારૂં ગયું કમલ મૃત્યુ તણે બિછાને,
“ત્યાં સૌ જશે, જગત તો ભ્રમછાબડું છે;
“આ પ્રેમ શો ! રુદન શું ! દુઃખદાહ શાને?
“તું કોણ? તે સમજ, બાપ! જરા ઉભો રહે!
“ત્હારૂં ચીરે હૃદય વ્યર્થ રડી રડીને,
“ત્હારૂં ગયું ન વળશે કદિ પુષ્પ, ભાઈ!
“સ્પર્ધા કરી જલધિ વ્યોમ ભણી કૂદે છે,
“ને સૂર્ય આ લઈ ગ્રહો ફરતો ફરે છેઃ
“આવા અનેક ઉદધિ ઉછળ્યા કરે, ને —
“બ્રહ્માંડમાં રવિ મળી અણુ શા ઉડે કૈં;
“અસ્તિત્વ એ સહુ તણું નહિ હોય કો’ દિ,
'કો’ દિ’ હશે નભ બધું પરિશૂન્ય આ તો!
“ત્હોયે હતાં સહુ જ તત્ત્વ રૂપાન્તરે આ,
“કો’ એ નવું નથી થયું, નવ થાય કાંઈ;
“કો’ દિ’ વળી પ્રલયનો સહુ ભોગ થાશે,
“ત્યારેય બીજ રૂપમાં સહુ આ સમાશે!
“ત્યારેય ન્યૂન રતિભાર નહીં થવાનું,
“ને કાંઈ એ અધિક હાલ નથી થયેલું;
“દોરાય કો’ ગતિ અનન્તથી વિશ્વ આવું,
“ચીલો પડેલ પણ રાહ તણો દીસે ના!
“તે માર્ગનાં પથિક ત્હોય બધાં દિસે છે,
“છે મૃત્યુ, જન્મ, જીવવું ,સહુ ભાસ માત્ર;
“મૃત્યુથી રુદન,જન્મથી હાસ્ય શાને?
“વૈરાગ્યમગ્ન રહી આયુ ન ગાળ શાને?”
તે દિનથી મન વિરાગ ધરી રહ્યો છું,
“ને તાહરૂં સ્મરણ, મૃત્યુ! કર્યા કરૂં છું;
તું શાન્તિનું ભુવન છે, દુઃખઅન્ત તું છે!
પ્રેમે બળેલ દિલનો મધુકાલ તું છે!
તું હાસ્ય છે રુદન કે હૃદયાગ્નિ રૂપે,
ને અશ્રુના ઝરણમાં સ્થલ જ્ઞાનનું છે;
ત્હારાં સુખી ચરણમાં સહુ ઘોર ઊંધે,
ત્હોયે તને મનુજ કો’ કદિયે ન જાણે!
અન્ધાર તું, જગત જે કદી એ ન જોશે,
અંજાય વા નયન સૌ, બહુ દિવ્ય તું છેઃ
જ્યાં સૌ રડે, ખડખડી કર હાસ્ય ત્યાં તું,
ત્હારૂં અધિપતિપણું સહુ કાલ ચાલે!
રે ભાઇ મૃત્યુ! ગત કાલ બધો જ ત્હારો,
ભાવિ તણા તિમિરમાં ઉજળો તું દીવોઃ
તું, હું, પ્રિયા મુજ, સહોદરશાં રહેશું,
તે મિષ્ટ કાલ સુધી સાચવ બાલ મ્હારૂં!
૨૦-૧-૧૮૯૪