કલાપીનો કેકારવ/તુષાર

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← સુખમય અજ્ઞાન કલાપીનો કેકારવ
તુષાર
કલાપી
મૃત્યુ →
છંદ = વસંતતિલકા


તુષાર

હું છું ઉભો ગિરિ તણા શિખરે ચડીને,
કલ્લોલમાલ સમ ગીચ તુષાર નીચે -
મેદાન નીલવરણા ઉપરે ઝુમ્યો છે :
જાણે જડ્યું સર રૂડું નભને તળે તે!

મોજાં વહે ચળકતાં ભુખરાં રૂપાળાં,
રેસા સમા રવિકરો સુરખી ભરે ત્યાં,
થંડી સમીર લહરી થકી ગોલ ઘૂમે,
ભૂરાં કબૂતર તણા જ્યમ ગોટ ઊંડે!

આ મેખલા સમ ઊંચો ગિરિશૃંગ ઘેર્યો,
ત્યાં વ્હોકળા ઉપર હસ્તી સમો રહ્યો જો!
તે ખીણમાં પથરનો કરી કોટ ઊભો,
ને વૃક્ષની ઉપર તીડ સમ પડ્યો, જો!

રૂપા તણા રસ સમો જલધોધવો તે
આ ગીચ ધૂમસ તણા મુખમાં પડે છે!

ત્યાં પક્ષીઓ કિલકિલે પણ ના દિસે કોઃ
અન્ધારમાં જગત આજ પડ્યું,અહો હો!

ત્યાં દૂર સિન્ધુ ઘુઘવે, નદ ત્યાં મળે છે,
ત્યાં એ તુષારઢગના બુરજો ઉભા છે!
ત્યાં રાક્ષસો સમ ઉડે બહુરૂપધારી -
કાળો તુષાર નભના પડદા સુધીથી!

ત્યાં બર્ફનો અતુલ પ્હાડ પડ્યો ઢળીને,
નીચે ધસી લઈ જતો બહુ વૃક્ષને તે;
મ્હોટો કડાક કડડાટ થયો દિશામાં,
તે એ ડુબ્યો ગરજતો ધૂમ સિન્ધુનામાં!
૯-૧-૧૮૯૪