કલાપીનો કેકારવ/મ્હારું કબૂતર

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પુષ્પ કલાપીનો કેકારવ
મ્હારું કબૂતર
કલાપી
સમુદ્રથી છંટાતું બાળક →
છંદ = શિખરિણી


મ્હારું કબૂતર

સુખે ચાલ્યો જતો દિવસ સુખમાં ના ગત થશે!
મળ્યા અલ્પાનન્દો મનુજ દિલને તે ખરી જશે!
રહેશે રોવું! તે રુદન મનુનું બાન્ધવ ખરૂં:
બધું વ્હાલું બીજું મરણશરણે જાય વહતું.

હતું મેં પાળ્યું ને કબૂતર રહ્યુ'તું ઘુઘવતું,
ઉછેર્યું'તું પ્રેમે, કનકમય આ પિંજર પૂર્યું;
પહેરાવ્યાં મુક્તાજડિત રુડલાં ઝાંઝર પગે,
ફરન્તું ભોળું તું સુરખ પગ ન્હાના ઠમકતે!

અરેરે! પૂર્યું કાં? જડ કનક પ્યારું ન તુજને;
સુવર્ણે લોભાયા કૃપણ શઠ એ તો જન અમે;
તને નીલી વ્હાલી ઘટ વનઘટા નીલમ સમી;
ગણે મોતી હીરા વિભવરચના તુચ્છ સઘળી.

તને બન્ધે નાખ્યું! દિલ મતલબી કાં મુજ થયું?
અરે! ત્હોયે ત્હારૂં મુજ પર વ્હાલ અધિકું!
અહો! ત્હારૂં હૈયું પ્રણયરસભીનું પરગજુ,
દુઃખી હું હોઉં તો મન રીઝવવા નૃત્ય કરતું!

તને કેદી કીધું! હૃદય! મમ પ્રેમે ન સળગ્યું!
હતું સ્વચ્છંદી તું, પરવશ કર્યું મેં અહ પ્રભુ!
મનુષ્યો સંહારી સુખદ રતિબન્ધો કુદરતી -
અરે! ભોળાં પ્રાણી પર ચલવે રાજ્ય જુલમી!

મીઠાબોલી ભીરુ કબૂતરી વિયોગે મરી હશે,
મર્યું આજે તું ઝુરી ઝુરી પ્રિયાના જ વિરહે;
વિયોગે ભૂલાયે પ્રીતિ,જન વૃથા એમ વદતાં,
ભૂલાયે ભૂંસાયે પ્રીતિ નહિ જ, એ સ્વાર્થસપનાં!

પૂરૂં આનન્દી ને પરમ સુખીયું બ્રહ્મરૂપ તું,
અહો!"ઘૂઘૂ" શબ્દે પ્રણયધ્વનિ ઊંડો ગજવતું;

અરે ! પંખી ! મ્હારૂં પતિત દિલ આ પાવન કરી,
સ્વધામે ચાલ્યું તું, કસુર મમ શું માફ ન કરી!

પ્રિયે ! બચ્ચાં વ્હાલાં ! તમ સમ હતું તે મરી ગયું,
જતાં તે પારેવું ગૃહ મમ થયું શૂન્ય સરખું;
થયું થાવાનું તે, થઇ ગયું 'થયું ના' નહિ થશે,
ઉન્હાં અશ્રુ ત્હોયે દિલ રુધિર શાં વ્યર્થ વહશે!

અરે! કો પ્યાલામાં શરબત ભર્યું તે પડી ગયું,
ઢળ્યું પાણીમાં ને ઉદધિવીચિ માંહી મળી રહ્યું;
ન પીવાયું, ખોયું, પણ નવ ગયું પૃથી પરથી,
રહ્યાં તત્વો મીઠાં ઉદધિ કડવામાં ભળી જઈ!

અહો ! આ પારેવું શરબત હતું, અમૃત હતું,
બૂરાં ભાગ્યે મ્હારાં મમ ગૃહ તજ્યું, એ મરી ગયું;
મર્યું, ખોવાયું, વા ઢળી ગયું કહો કે ઉડી ગયું,
ભળ્યાં ભૂતે ભૂતો; લય નથી થયું એ કબૂતરૂં!

૨૨-૩-૧૮૯૪