કલાપીનો કેકારવ/સુખમય સ્વપ્ન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મનુષ્ય અને કુદરત કલાપીનો કેકારવ
સુખમય સ્વપ્ન
કલાપી
વૈરાગ્ય →


સુખમય સ્વપ્ન

સુખમય શમણું છો કોઈ આયુષ્ય માને,
અધિક અધિક યત્ને ફાવતું કો જણાયે;
પણ પ્રતિ દિલનાં છે કાંઈ જુદાં જ તત્ત્વો,
જખમી જખમ શોધે, વૈદ્ય ત્યાં શું બિચારો?!

નથી નથી દુઃખ કાંઈ, ભાઈ! છે કૈં ન ચિન્તા!
પણ નથી મુજ તત્ત્વો, વિશ્વથી મેળ ખાતાં;
સુખમય પણ સ્વપ્નું, સ્વપ્નમાં મોહ શાનો?!
જરી વધુ ચિર, બાપુ! હોય તો કૈં બતાવો.

સુખમય શમણું એ પૂર્ણ છે ક્યાં ય દીઠું?
સુખમય સ્થળ દીઠું? ચાલને! ત્યાં જ ર્ હેશું!
નથી નથી નથી દીઠું! દેખશે ના કદી એ!
વળી સુખમય કાંઈ શોધવું વ્યર્થ લાગે.

પ્રિયમુખ પ્રિય લાગે, આખરે ત્યાં ય રોવું,
પ્રિયવિરહ થવાનું જાણતું કો ન ટાણું;
અપ્રિય, પ્રિય ત્યજીને જીવતાં મૃત્યુ લેખું,
કંઈ સુખી બનવાને, શોધતાં એ જ લાધ્યું.

નહિ ઉડી શકશે આ સુસ્તની સુસ્તી આવી,
રુદન નહિ ત્યજાશે, હાસ્યના ત્યાગ પ્હેલાં;

ભળીશ નહિ જનોથી, મિત્ર, સ્ત્રી, બાલકોથી,
જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.

પોષી ના શકે હૈયું, કિન્તુ, રે! માત્ર પુસ્તકો;
અને, આ વિશ્વમાં બીજે, ક્યાં એ સ્વાદ નથી રહ્યો.

૧૭-૯-૧૮૯૬