લખાણ પર જાઓ

કલાપીનો કેકારવ/સ્વપ્નને સાદ

વિકિસ્રોતમાંથી
← અસ્વસ્થ ગૃહિણી કલાપીનો કેકારવ
સ્વપ્નને સાદ
કલાપી
ઇશ્કબિમારી →


સ્વપ્નને સાદ

સ્વપનું ! સ્વપનું ! તું મીઠું !
બહુ દિનથી ના દીઠું ! - સ્વપનું કેવું તે મીઠું ?

તું વિણ આશા ને સ્મૃતિ, ઉજ્જડ મહેલ સમાન !
તે ત્યાં તું ને તે વિના આ સંસાર શ્મશાન !
સ્વપનું સંસારે મીઠું !

તું તરુણોની સુન્દરી, તું બચ્ચાંના ખેલ !
જેવો જેનો તોર ત્યાં તેવું તું જ મળેલ !
સ્વપનું સૌને તું મીઠું !

તું સ્વપનું નહિ રાતનું ! તું સ્વપનું નહિ સ્વપન !
તું સ્વપનું મુજ ઝિન્દગી ! આંખલડીનું રત્ન !
સ્વપનું મ્હારૂં તું મીઠું !

આજ નિશાએ આવજે ! હું સ્વપનું ! તું સ્વપન !
તે મ્હોં તું બતલાવજે ! તું સાચું ! હું સ્વપ્ન !
સ્વપનું વ્હાલીનું મીઠું !

મ્હારૂં ધાર્યું ના બને ! ત્‍હારૂં ધાર્યું થાય !
તું મ્હારા ઉરનું સુધા ! હાજર કાં ન સદાય ?
સ્વપનું મીઠું તે મીઠું !

આ દરિયો ખારો ભર્યો ! હું છું તેનો ક્ષાર !
તું અમૃતઝરણું ભળ્યે ક્ષારે ફુલનો હાર !
સ્વપનું દૈવી તું મીઠું !

જે ખોયું મેં દૂર છે ! એનું એ તુજ પાસ !
તેં ત્‍હારૂં મ્હારૂં કર્યું ! ઝૂંટ હવે કે રાખ !
સ્વપનું વ્હાલું તું મીઠું !

તું આ રક્ત તણું ટીપું ! આ ઉર ત્‍હારૂં તખ્ત !
હું ના પૂજું કોઈને ! હું તો ત્‍હારો ભક્ત !
સ્વપનું સાચું તે મીઠું !

આ ઉરના ઊર્મિ પરે ત્‍હારી કરૂં બિછાત !
આંસુડે પગ ધોઉં હું, ત્‍હોયે કેમ રીસાય ?
સ્વપનું મોઘું તું મીઠું !

તું સ્વપનું રીસાય તો હું સ્વપનું છું ખાક !
સ્વપનું સ્વપ્ન વતી રહ્યું ! સ્વપનું જગનો રાહ !
સ્વપનું એ મ્હોનું મીઠું !

દોરી જા મુજને તહીં ! તે ઉર જળતું ઠાર !
તેને લાવ સદા અહીં ! આવ આવ તું આવ !
સ્વપનું માયાળુ મીઠું !

આંખલડી ભીની કરી આંખલડી લૂછાવ !
હૈયેહૈયાં ધ્રૂજતાં એનાં એ જ દબાવ !
સ્વપનું તું તું તું મીઠું !
સ્વપનું પ્રેમીનું મીઠું !

૨૨-૧-૧૮૯૭