કલાપીનો કેકારવ/અસ્વસ્થ ગૃહિણી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← એક ચિન્તા કલાપીનો કેકારવ
અસ્વસ્થ ગૃહિણી
કલાપી
સ્વપ્નને સાદ →અસ્વસ્થ ગૃહિણી

શાન્ત છે, બન્ધ છે આંખો, કાંઈ દર્દ કમી દિસે;
ત્હોય છે તપ્ત ને ઢીલાં કોમલાંગો હજુ જ્વરે.

ખુલ્લા રહ્યા છે મૃદુ ઓષ્ઠ ન્હાના,
નિદ્રા મહીં છે સુકુમાર બાલા;
ન અંગ એકે જરી એ હલાવે,
ઉઠે ન ઉઠે ફરી કોણ જાણે ?

ધગેલા એ બિછાનાની પાસે કોઈ યુવાન છે;
'રખે તે જાગતી,' તેવી ભીતિ તે મુખ ઉપરે

.

યુવાન શ્વાસે ડરતો લીએ છે,
ચિન્તા ઊંડી એ ઉરના ઉરે છે;
છે નેત્ર એ મ્હોં ઉપરે ઢળેલાં,
ક્ષણે ભીંજાતાં, ક્ષણમાં સુકાતાં.

'મધુર ફુલડાં ! આવી આવી પીલાશ ધરીશ ના !
'તુજ ભ્રમરને એ હૈયેથી ન દૂર કરીશ, હા !
'યુજ નયન આ મીંચયેલાં જરીક ઉઘાડજે !'
પ્રણયી ડરતો કાંઈ આવું મુખે નિરખી, અરે !

નથી એ સાંભળ્યા શબ્દો, ત્હોયે આંખ ઉઘાડતી;
ટાંગેલું ચિત્ર કો સામે, ત્યાં તે દૃષ્ટિ લગાડતી.

તહીં ચિત્રે કો બે રમત કરતાં બાલક દિસે,
ગુલાબો શાં બન્ને મધુર વદનો એ સ્મિત કરે;
રમાડે તેઓને કમલવદની કોઈ લલના,
મૃદુ કુંળી તાજી મુખ પર હસે યૌવનદશા.

ઝરા પાસે ઝુંડો તરુવર તણાં દૂર દિસતાં,
લતા ને ગુલ્મોની વિટપ પર પુષ્પો ઝૂકી રહ્યાં;
કુણો સન્ધ્યાભાનુ સુરખી ભરતો સૌ સ્થલ પરે,
ડૂબન્તો ભાસે ત્યા જલધિવીચિથી સિક્ત બનતો.

દેખતાં રંગ એ રાતા આકાશે ચિત્રમાં રૂડા
બને નેત્રો કંઈ ભીનાં, ઘેનમાં લવતી જરા :

'અહહહા ! હશે ચિત્રના સમું
'ગૃહની બ્હાર આ વિશ્વ કૈં રૂડું !
'નવ દીઠું કદી એમ ભાસતું !
નિરખવું ન તે કોઈ દી હવે !

'મધુર પુષ્પ ઓ ! વેલડી સખિ !
'પ્રણયથી તને હું ઉછેરતી !
'નવ કદી હવે સિંચવી તને !
'મધુર પુષ્પ ના ચૂંટવાં હવે !

'મધુર પુષ્પ ઓ ! એ જ બાગનાં !
'મુજ બિછાતની પાસ કૈં પડ્યાં !

'અરર ! પ્રેમની ગ્રન્થિએ જડ્યાં !
'મુજ જ્વરે અરે ! ક્ષીણ સૌ બન્યાં !

પ્રણયી પુષ્પ ઓ ! ખીલતાં રહો !
'મુજ પિયુ તણા હારમાં વસો !
'નવીન રંગ તું વિશ્વ ધારજે !
'ન તુજ લ્હાણ હું પામતી ભલે !'

'પ્રિય પ્રિય સખિ ! આ શું ? આ શું ? ન આમ ઘટે થવું ?
'કરુણ હરિએ ત્હારે માટે હજુ સુખ છે ભર્યું !
'તુજ કર વતી ચુંટાયેલાં ફુલો કરમાય ના,
'મધુર ફુલડાં તે આ કંઠે હજુ બહુ ધારવાં !'

નયન પર છવાતાં અશ્રુનું એક બિન્દુ,
અટકી ચૂપ થયો એ કંઠ રૂંધાઈ જાતાં;
દરદ કંઈ કમી એ થાય છે સુન્દરીનું,
મૃદુ નયન ફરીથી શાન્ત મીચાઈ જાતાં.

નિદ્રા શી ગાઢ શાન્તિમાં ફરી એ ગૃહ ડૂબતું,
પડે ત્યાં પાંચ વાગ્યાની ટકોરી ઘડિયાળમાં.

ફરી નયન ઉઘાડી સુન્દરી ચિત્ર જોતી,
અરર ! નયનમાંથી અશ્રુની ધાર વ્હેતી;
ટપટપ ટપકન્તાં બિન્દુડાં લૂછી નાખી,
કરુણ સ્વર વળી એ ધ્રૂજતો નિકળે છે :-

'અરર ! બાલુડાં ! બાપલાં ! અહો !
'જનની આ હવે સ્વર્ગમાં જતી !
'સમજશો નહીં શું થઈ ગયું !
'રમકડું કયું હાથથી ગયું !

'વિસરી શે જશો છાતી બાપડી !
'ઉપર જે તમે કૂદતાં સદા ?
'વિસરી ના શકે બાલ માતને !
'રમત તો હવે રોઈને કરો !

'તમ પિતા સદા વ્હાલ રાખશે !
'પણ ન માતની ખોટ ભાંગશે !

'નહિ નહીં મળે મા ગઈ ફરી !
'જગતમાં નકી મા બને નહીં !

'દિવસ બે સહુ લાડ પૂરશે !
'દિવસ બે દયા સર્વ રાખશે !
'પણ ન છાતીએ કોઈની તમે !
'રઝળતાં હવે એકલાં રહો !

'બહુ કરી શકી વ્હાલ હું નથી !
'કદિ રડાવતી હું ઘણું હતી !
'તમ દિલો ક્ષમા આપશે મને !
'પણ ન માતને ચેન કૈં પડે !

'અરર ! બાપલાં બાલુડાં ! અરે !
'તમ પરે હવે ઢાલ ના રહી !
'રડતી દૂર જે બે ઘડી થતાં !
'અરર ! તે હવે દૂર સર્વદા !

'ત્યજી દ‌ઉં નકી સ્વર્ગ, બાપલાં !
'ઘડીક તેથી જો હર્ષમાં રહો !
'સહુ હવે સદા બોલશે રડી,
'જનની છે જરા ગામ કો ગઈ !'

'અરર ! એ તમે કેમ માનશો ?
'રડી રડી મુખો ના સુકાવજો !
'નવ જવું ગમે ગામ એ મને !
'પણ ન ઠેલી એ સાદ કો શકે !

અરર ! ના શકું શાન્તિમાં મરી !
'હૃદય ઝીલતું ભાર આ નથી !
'પ્રભુ તણી કૃપા પામજો સદા !
'સહુ અનાથનો એ જ નાથ છે !

'જરીક મ્હોં હવે જોઈ તો લ‌ઉં !
'ક્યમ ભલા નથી આવતાં અહીં !
'કદિ ન ખેલમાં ખોટી હું કરૂં
'તમ કને નહીં કોઈ દી રડું !

'પણ મને તમે દેખતાં જ કાં
'મૃદુ મુખો જરા ગાભરાં કરો ?
'દિવસ બે હવે હર્ષથી રમો !
'પછી સહાયમાં માતની દુવા !'

થંડીએ કમ્પમાં ગાત્રો શબ્દો બંધ થયા; અને
પિયુ એ લૂછતો અશ્રુ દૃઢ છાતી કરી કહે :

'અરે ! વ્હાલી ! વ્હાલી ! રુદન તુજ ભેદે હૃદય આ,
'ન કૈં રોવા જેવું, પણ ન મુજ હૈયું સ્થિર રહે;
'પ્રભુની સામે જો, તુજ જિગરને શાન્ત કરજે,
'ત્યજે શાને આશા ? પ્રભુ તણી અહીં જે પ્રતિકૃતિ.'

દૂબળો હસ્ત એ ઊંચો થઈને પિયુને ગ્રહે,
છાતીએથી ચાંપતી છાતી સુન્દરી ડુસકાં ભરે.

ફરી નયન ઉઘાડી સુન્દરી ચિત્ર જોતી,
અરર ! નયનમાંથી અશ્રુની ધાર વ્હેતી;
ટપટપ ટપકન્તાં બિન્દુડાં લૂછી નાખી,
કરુણ સ્વર વળી એ ધ્રૂજતો નીકળે છે :

'વ્હાલા ! વ્હાલા ! તુજ હૃદયને ચીરનારી થઈ હું !
'તે બાલાના મૃદુ હૃદયને રેંસનારી થઈ છું !
'બચ્ચાં તો તે પ્રભુ અનુગ્રહે ઉછરી કાલ જાશે !
'કિન્તુ ઘા આ મુજ જિગરથી કેમ ભૂલી જવાશે ?

એ તો મ્હારી સરલહૃદયા, મેં જ તેને ઉછેરી !
'મીઠી ત્હારી હૃદયઝરણી નાચતી ત્યાં જ ચાલી !
'વ્હાલા ! મ્હારૂં જીવિત લઘુ આ મોહ તેમાં જ પામી,
'છૂરી તીખી પ્રણયી દિલડાં ઉપરે કાં ઉગામી ?

'જૂદાં કીધાં ! કદિ ન મળશો ! ઝિન્દગી રોઈ રહેશો !
'રે રે ! કોની હૃદય બળતાં વિશ્વમાં સહાય લેશો ?
'ભોળા વ્હાલા ! તુજ જિગરનું સોબતી કો રહ્યું ના !
'ને હું તો આ જખમ દઈને જાઉં છું દૂર વ્હાલા !

'વ્હાલા ! છેલ્લે મુજ કઠિનતા માફી પસ્તાઈ માગે,
'માફી દેશે પણ વિસરશે નાથ ! તું કેમ ઘા તે ?

'કેવી રીતે મુજ બળતરા શાન્તિ પામે, અરેરે !
'કેવી રીતે તુજ હૃદયનો દાહ હોલાય, રે રે !

'પાપી મ્હારૂં હૃદય ગણતું નાથ ! પાપી તને તો !
'રે રે ! જોયું તુજ જિગરના પ્રેમમાં પાપ મેં તો !
'તું તો ત્હારે ગગનપડદે સર્વદા ખેલનારો !
'વ્હાલા ! હું તો જગત પરના સ્વાર્થનો છેક કીડો !

'ત્હોયે ઢોળ્યો, તુજ રસ સદા સ્નેહથી હું પરે રે !
'ધિક્કાર્યો મેં, નવ કદિ ગણ્યું થાય છે શું તને તે !
"અર્પું છું' એ કદિ ય સમજી અર્પનારૂં શકે ના,
'ને ઔદાર્યે મુજ હૃદયને સાચવ્યું તેં જ વ્હાલા !

'પ્રેમી બાલા ! કરવત બની પ્રેમ હું કાપનારી !
'યાચું શિક્ષા કુદરત કને ક્રૂરની ક્રૂરતાની !
'રે રે ! વ્હાલાં ! તમ હૃદય તો મૃત્યુમાં મ્હાલનારાં !
'ને એ મૃત્યુ મરતી સખીના હસ્તથી પામનારાં !'

થંડીએ કમ્પતાં ગાત્રો, શબ્દો બન્ધ થયા, અને
પિયુ એ લૂછતો અશ્રુ પમ્પાળી પ્રિયને કહે :-

'વ્હાલી ! પ્રાણ ! અરે ! અરે ! હૃદય આ ત્હારૂં જ ત્હારૂં સદા,
'તું દેવી, તુજ પ્રેમના ઝરણમાં છે જીવતો જીવ આ !
'તે એ છે તુજ આ મહાન દિલના સિન્ધુ તણી માછલી !
'વાતો કિન્તુ વીતેલ સ્વપ્ન તણી ના હાવાં ઘટે બોલવી !

'શું હું માફ કરૂં ? અરે પ્રિય સખિ ! શું માફ હું ના કરૂં ?
'આપે ઈશ મને અહો ! હૃદય આ ત્હારૂં સદા પૂજવું !
'ઓહોહો ! મતભેદની તુટી પડી આજે દિવાલો દિસે !
'તો વ્હાલી ! સુખથી ગયા સમયની વાતો કરીશું હવે !'

નયન પર છવાતાં અશ્રુનું એક બિન્દુ
અટકી ચૂપ થયો એ કંઠ રૂંધાઈ જાતાં;
દરદ કંઈ કમી એ થાય છે સુન્દરીનું,
મૃદુ નયન ફરીથી શાન્ત મીંચાઈ જાતાં.

નિદ્રા શી ગાઢ શાન્તિમાં ફરીથી ગૃહ એ પડે;
કાચના દ્વારમાંથી ત્યાં સન્ધ્યાનાં કિરણો ઢળે.

૨૧-૧-૧૮૯૭