કલાપીનો કેકારવ/હ્રદય-સ્ખલન
Appearance
← હમીરજી ગોહેલ:સર્ગ-૪ પડાવ | કલાપીનો કેકારવ હ્રદય-સ્ખલન કલાપી |
સ્ખલિત હ્રદય → |
હ્રદય-સ્ખલન
જરા કૈં જાગ્યું'તું વદન મૃદુ એ આ સ્મૃતિ મહીં,
હતું અશ્રુ આવ્યું જરી જ નયને એક જ હજી;
વહેવા ધારામાં નયન તલપીને ટમટમ્યાં,
રહી છાતી કમ્પી મધુર કવિતામાં થડકવા.
હતું ચિત્રે આવ્યું વદન નવ પૂરું રમતમાં,
હતા ભાવો પીધા રસમય હજુ ના હ્રદયના;
નહીં લ્હાણું કાંઈ પ્રિય વદનનું હું લઈ શક્યો,
તહીં હૈયું ફુટી મધુર રસ એ તો ઢળી પડ્યો.
અરે ! રોકી કોઈ સ્ખલન ઉરનું આ નવ શક્યું,
ગવાયું ના હુંથી, રુદન કરવું એ નવ બન્યું;
ભરાયું તેવું આ તુજ જિગર ખાલી થઈ ગયું,
સખી, મિત્રે, કાવ્યે મધુર રસ ના કૈં ધરી શક્યું.
અતિ પ્રીતિની આ મુજ જિગરને રાવ કરવી,
ઘટે આંસુડાંમાં જરીક મુજ આ આંખ ઠરવી,
જરા રોવા, ગાવા મધુર રસનું અર્પણ થવા,
મૃદુ હૈયા! દેજે મુજ સખી પ્રતિ વાત કરવા.
૨૭-૩-૧૮૯૭