કલ્યાણિકા/જીવનઘાટના ઘા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વચન કલ્યાણિકા
જીવનઘાટના ઘા
અરદેશર ખબરદાર
અનુભવ →

જીવનઘાટના ઘા

• કવ્વાલી — તાલ દાદરો •


તારા ઘા પર ઘા મને મારી રહ્યા,
પ્રભુ ! તોય તે ઝીલું હું પુષ્પ સામા :
મારો જીવનઘાટ ઉતારી રહ્યા,
પ્રભુ ! કેમ પછી ગણું તે વાસામાં ? – (ધ્રુવ)

મારી મટ્ટી છુંદાઈ પિસાઈ રહી,
મારી જીંદગી ઝૂકી ઝુમાઈ રહી,
મારી બુદ્ધિ બધી અકળાઈ રહી :
તોય કેમ ચૂકું મુજ વર્ચસમાં ? – તારા૦ ૧

મારું આભ બધું ઘનઘોર થયું,
નહીં જ્યોતિનું એક કણું ય રહ્યું,
તીણું વીજનું કર્ત્તન જાય દહ્યું :
પ્રભુ ! નીત્ય બળું તુજ આતસમાં ! – તારા૦ ૨


તું જ જાણે એ ઘાટ શો નીકળશે,
નવજ્યોતિ એ મટ્ટીમાં શી ભળશે,
નવપુષ્પ કશું ઊગીને ફળશે :
પ્રભુ ! હું તો વીંટાયો છું ધુમ્મસમાં  ! – તારા૦ ૩

રહી કાનસ તારી ચોમેર ફરી,
ઉરલોહનો કાટ જશે ઊતરી,
દેશે એ પછી કંચન શુદ્ધા કરી :
પ્રભુ ! શ્રદ્ધા ધરું તુજ પારસમાં ! તારા૦ ૪

તનથી તણખા ઊપડે ઊડતા,
મારાં આંતરપુષ્પની કહે ગૂઢતા;
કૈંક જન્મોની એમાં જશે જડતા :
પ્રભુ ! વીર અદ્દલ રહું સાહસમાં ! - ૫

તારા ઘા પર ઘા ધમકારી રહ્યા,
પ્રભુ ! તોય તે ઝીલું હું પુષ્પ સમા;
મારો જીવનઘાટ મઠારી રહ્યા :
પ્રભુ ! લે લે, ઝગાવી ડે ઓજસમાં ! ૬