કલ્યાણિકા/અનુભવ
← જીવનઘાટના ઘા | કલ્યાણિકા અનુભવ અરદેશર ખબરદાર |
પ્રાર્થના → |
અનુભવ
• રાગ ધનાશ્રી - તાલ ત્રિતાલ [૧] •
દુઃખના દાઝ્યાં દિલ તે દાઝે;
શું સમજે એ હોય સુખિયાં જે ?
દુઃખનાં દાઝ્યાં દિલ તે દાઝે. - (ધ્રુવ)
તનદુઃખ મનદુઃખ જગમાં
બહુ બહુ જનને બાઝે;
અંધાનાં કોણ ઉકેલે અંધારાં,
જામ્યાં જીવનભરનાં જે?
દુઃખના દાઝ્યાં દિલ તે દાઝે. ૧
રામ ને લક્ષ્મણ વનવન રઝળ્યા
સતી સીતાને કાજે;
બાર બાર વર્ષનાં દુઃખ શું જાણે
ઘરમાં રહી જે વિરાજે?
દુઃખના દાઝ્યાં દિલ તે દાઝે. ૨
ખટ ખટ માસની રાતડી ધ્રુજે,
ખૂટે ન કોઈ ઈલાજે;
સાલે નહીં ધ્રુવ દેશનાં સંકટ
અન્ય પ્રદેશસમાજે :
દુઃખના દાઝ્યાં દિલ તે દાઝે. ૩
તાપતણા તણખા તન ઊઠે,
ઘોર ગગન ઘન ગાજે;
ભક્તનું અંતર સુણી રહ્યું તે ન
મંદિરઘંટ-અવાજે !
દુઃખના દાઝ્યાં દિલ તે દાઝે. ૪
હો પ્રભુ ! તારી તો નેહકટારી
અદલ ઉરે પડી આજે:
ભક્તતણું એ અબોલ વિરહદુઃખ
તું વિણ કોણ રે ભાંજે ?
દુઃખના દાઝ્યાં દિલ તે દાઝે. ૫
- ↑ "રામબાણ વાગ્યાં હોય તે જાણે," - એ ધના ભગતના ભજનની રાહ.