કલ્યાણિકા/પ્રાર્થના

વિકિસ્રોતમાંથી
← અનુભવ કલ્યાણિકા
પ્રાર્થના
અરદેશર ખબરદાર
સોદાગર →
કવ્વાલી - તાલ દાદરો





પ્રાર્થના


• કવ્વાલી — તાલ દાદરો •


મારાં પાપે આ અંતર મેલું થયું,
તેને સ્વચ્છ કરી લે ઉગારી, પ્રભો !
અધજ્ઞાને આ જીવન ઘેલું થયું,
તેને સત્ય પ્રભાથી દે તારી, પ્રભો ! - (ધ્રુવ)

મને ત્યાગી ગયા સહુ લોક લડી,
મારી આંખ રહી શતધાર રડી,
મને શાંતિ મળી નહીં એક ઘડી :
તોય તું જ સમીપ છે મારી, પ્રભો ! - મારાં૦ ૧

મારાં અંતરમાં તું જ બોલી રહ્યો,
તારા સ્પર્શથી ચેતન ખોલી રહ્યો,
તારી આશ હું માં તું વિલોલી રહ્યો :
જેવો તેવો લે તારો સ્વીકારી, પ્રભો ! - મારાં૦ ૨

મને બાંધતાં તું જ બંધાઈ ગયો,
મારે અંતર તું સપડાઈ ગયો,
હવે આખર તો ઓળખાઈ ગયો,
મારી મુક્તિ વિના નહીં તારી, પ્રભો ! - મારાં૦ ૩

મારી આંખથી મેઘ રહ્યા વરસી,
મારાં વ્યોમ રહ્યાં હવે સ્વચ્છ લસી;
રહ્યું ના કશું લેવું રડી કે હસી :
હવે તું કે ન હું કો ભિખારી, પ્રભો ! - મારાં૦ ૪

શુભ જ્ઞાને આ અંતર પુખ્ત થયું,
તેને તારી દયાથી દે તારી, પ્રભો !
તારા જાપથી જીવન મુક્ત થયું,
તેને ધારી તુંમાં લે ઉગારી, પ્રભો ! - મારાં૦ ૫