લખાણ પર જાઓ

કલ્યાણિકા/સોદાગર

વિકિસ્રોતમાંથી
← પ્રાર્થના કલ્યાણિકા
સોદાગર
અરદેશર ખબરદાર
લોકદેવની સેવા →





સોદાગર

• રાગ સારંગ — તાલ ધુમાળી []


જીવ સોદાગર ! કરી લે સોદો પુણ્યતણો સંસારમાં !
મન કેરી તુલા શુદ્ધ ગ્રહી તોળી દે કર્મ વિચારમાં ! - (ધ્રુવ)


સંસાર બજારે વસ્તુ ઘણી,
સારી નરસી છે વિવિધ ગણી,
ત્યાં થાય પરીક્ષા બુદ્ધિતણી :
જીવ સોદાગર !○

સહુ ગ્રહ કાજે રવિ આભ તપે,
નિજ અંતરથી જીવન અરપે,
વેરંતો સ્નેહ પ્રકાશ ધપે :
જીવ સોદાગર !○

લાખો સરિતાનો ક્ષાર ગ્રહે,
ઉર પર લાખો ઘનધાર સહે,
પણ સિંધુ પુનિત જળ નિત્ય વહે :
જીવ સોદાગર !○

સંસારે સ્થિર સુખ કોઈ નથી,
મન વ્યર્થ ભમે સુખ કાજ મથી;
પડી પુણ્યે ઉરસુખની પગથી :
જીવ સોદાગર !○

ઝળહળતું તેજ દિગંત લસે,
પાસે પળતાં દૂર દૂર ખસે,
પણ પુણ્ય સદા કરવેંત વસે:
જીવ સોદાગર !○

ઊંડી ખાણે છે રત્નભર્યા :
ગમશે માટી કે રત્ન નર્યાં ?
હાથે તે સાથે અદ્દલ ઠર્યાં :
જીવ સોદાગર !○

  1. "હરિભજન વિના દુખદરિયા સંસારનો પાર ન આવે," - એ રાહ.