લખાણ પર જાઓ

કલ્યાણિકા/લોકદેવની સેવા

વિકિસ્રોતમાંથી
← સોદાગર કલ્યાણિકા
લોકદેવની સેવા
અરદેશર ખબરદાર
પરમાર્થ →





લોકદેવની સેવા


• રાગ સારંગ — જંગલો - દેશી []


સેવા રે કરો લોકદેવની !
પ્રભુના ચરણ છે એ જ જી;
ઓળખાય જે અણગણ નામથી,
ઘટઘટમાં રહ્યો તે જ જી;
સેવા કરો રે લોકદેવની !

હીરા માણેક ને મોતીડાં,
પુષ્પ દીપ ને ધૂપ જી; —
પ્રભુ પ્રતિમાઓ જે જીવતી,
સેવો તેનાં સ્વરૂપ જી !
સેવા કરો રે લોકદેવની !

ચેતન ચેતન અંતરે
ઢાંક્યાં નવનવ પાત્ર જી:
એ રે ઢાંકણને અજવાળતાં
મળશે ત્યાં જ્યોતિ માત્ર જી !
સેવા કરો રે લોકદેવની !

ચેતન કેરાં એ મંદિરો,
એ સહુ તીર્થના ધામ જી;
સૌ તીર્થમાં મોટું માનજો
એ લોકદેવનું નામ જી !
સેવા કરો રે લોકદેવની !

આંતરડી ઠારો એ દેવની,
એ નહીં જડ પાષાણ જી:
ચેતન એનાં રે ઊઘડતાં
કરશે જન્મ કલ્યાણ જી !
સેવા કરો રે લોકદેવની !

તેત્રીશ કોટિ સૌ દેવ એ,
સ્થાવર જંગમ સર્વ જી :
એને રે દ્વારે ઉજવાય નિત
ચૌદભુવનનાં પર્વ જી !
સેવા કરો રે લોકદેવની !

  1. "જનની જીવો રે ગોપીચંદની" - એ ભજનની રાહ.