કલ્યાણિકા/પરમાર્થ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← લોકદેવની સેવા કલ્યાણિકા
પરમાર્થ
અરદેશર ખબરદાર
કર્મચરિત્ર →

પરમાર્થ

• રાગ સારંગ — તાલ દાદરો [૧]

સંત જીવે રે સંત જીવે જીવન જગત કાજ આપ :
સ્નેહધારા રે સ્નેહધારા એની વરસી રહે અમાપ. - (ધ્રુવ)


સૂર્ય તારલાનાં તેજ, વહે વ્યોમે સદા સહેજ,
એની જ્યોતના અંબાર, વીંધે આભના અંધાર;
ઊંડા હ્રદયથી અનંત, સ્નેહ દસદિશે દ્રવંત:
જીવન દીપે રે જીવન દીપે આપ્યાં તેજને પ્રતાપ !
સંત જીવે રે સંત જીવે જીવન જગત કાજ આપ. ૧

ઘેરી લેતો આભ જેહ, પરાક્રમી એવો મેહ,
તેને સ્વાર્થનું ન ભાન, આપે આપનું જ દાન;
બધું આપી ખાલી થાય, ભરી પૃથ્વી ત્યાં પોષાય:
મેઘરાજા રે મેઘરાજા ટાળે સર્વના સંતાપ :
સંત જીવે રે સંત જીવે જીવન જગત કાજ આપ. ૨

ઊગે તરુવરો ઉદાર, આપે પ્રાણીને આહાર;
પત્ર પુષ્પ ફળ ને દેહ, આપી દે બધું જ તેહ;
ઊગે મટ્ટીમાંય તોય, એનું દાન પરમ હોય:
નહીં રે બોલે નહીં રે બોલે એને કાય પડે કાપ !
સંત જીવે રે સંત જીવે જીવન જગત કાજ આપ. ૩

વહે સરિતાનાં નીર, પીએ ફકીર કે અમીર;
પશુ પ્રાણી પંખી જાય, સર્વની તૃષા છિપાય;
ભલે બિંદુ રહે ન એક, થાય કાય શુષ્ક છેક:
આપું આપું રે આપું આપું એવો સતત જપે જાપ !
સંત જીવે રે સંત જીવે જીવન જગત કાજ આપ. ૪

કાપે ઘસે બાળી તોય, નહીં નિજ સુવાસ ખોય,
અણુઅણુએ રહી સુગંધ , તે ન કરી શકાય બંધ;
એવી ચંદન કેરી રીત, એવી નેકી છે અજીત :
હૈયે હૈયે રે હૈયે હૈયે એની રહે અમર છાપ:
સંત જીવે રે સંત જીવે જીવન જગત કાજ આપ. ૫

હોય પહાડ જેવાં શીર, તોય નીચનું ખમીર;
હોય સિંધુશા વિશાળ, તોય હ્રદયના કંગાલ ;
હોય વિદ્યા કેરી ખાણ, તોય અંતરે મશાણ:
જીવે સ્વાર્થે રે જીવે સ્વાર્થે એવા સૃષ્ટિ કેરા શાપ !
સંત જીવે રે સંત જીવે જીવન જગત કાજ આપ. ૬

જેણે સાધ્યો પરમાર્થ, તેનું જીવ્યું થયું સાર્થ ;
જીવી જાણ્યું અન્ય કાજ, તેને મળ્યું આત્મરાજ્ય;
આપી જાને જે હસંત, તે જ અદ્દલ સત્ય સંત :
શ્વાસે શ્વાસે રે શ્વાસે શ્વાસે જીવનદાનનો પ્રલાપ !
સંત જીવે રે સંત જીવે જીવન જગત કાજ આપ. ૭

  1. "વીજ ચમકે રે વીજ ચમકે, મીઠા મેહુલાની માંહ્ય,"—એ રાહ.