કલ્યાણિકા/પ્રભુનાં તેડાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સતત વિશ્વવસંત કલ્યાણિકા
પ્રભુનાં તેડાં
અરદેશર ખબરદાર
દૂર જતાં ડગલાં →

પ્રભુનાં તેડાં

• રાગ જોગીઆ - તાલ દાદરો •


પ્રભુ ! તારાં તેડાં તે આવશે ક્યારે ?
ઊભો તારી આંગણે જોતો હું વાટ :
પ્રભુ ! તારા શબ્દ સુણાવશે ક્યારે ?
ક્યારે મારા ટાળશે ઉરના ઉચાટ ?- ( ધ્રુવ )

આંગણ વાળ્યાં, પાણીડાં છાંટ્યાં,
પૂર્યા આ ચંદનચોક :
સાંજે, સવારે, બપોરે કે રાતે એ
આવે ઓચિંતાં આલોક :

પ્રભુ ! મારાં દ્વાર દીપાવશે ક્યારે ?
ધોયા મારા આંસુનીરે ઉરઘાટ :
પ્રભુ ! તારાં તેડાં તે આવશે ક્યારે ?
ઊભો તારી આંગણે જોતો હું વાટ. ૧

મારે વસંત કે વર્ષા હેમંત શી ?
મારે શી આજ કે કાલ ?
જાવું સ્વધામે સ્વજનમાં તો મધુરું ;
હું તો પ્રભુ ! તુજ બાળ :


પ્રભુ ! તારે હૈયે સમાવશે ક્યારે ?
ક્યારે મારાં ચુંબશે ધગતાં લલાટ ?
પ્રભુ ! તારાં તેડાં તે આવશે ક્યારે ?
ઊભો તારી આંગણે જોતો હું વાટ. ૨

સ્વજન રડે કે સ્નેહી રડે ઘડી ;
મારે તો હાસ્ય અનન્ય :
હો પ્રભુ ! તારાં આ અંત્ય મિલનથી
અવર કશું વધુ ધન્ય ?

પ્રભુ ! તારી વીજ ઝળાવશે ક્યારે ?
ક્યારે પડે અક્ષર તુજ નભપાટ ?
પ્રભુ ! તારાં તેડાં તે આવશે ક્યારે ?
ઊભો તારી આંગણે જોતો હું વાટ. ૩

વાદળ ખસશે, આભ ઊઘડશે,
ખોલશે બારી અદીઠ ;
લાખો સૂર્યોનાં તેજ ઝબૂકશે,
ઠરશે ત્યાં તો મુજ મીટ !

પ્રભુ ! મારાં હૈયાં હસાવશે ક્યારે ?
ક્યારે એવાં દર્શન મળશે વિરાટ ?
પ્રભુ ! તારાં તેડાં તે આવશે ક્યારે ?
જોઉં તારી જીવનભર અહીં વાટ. ૪