કલ્યાણિકા/પ્રસ્તાવના

વિકિસ્રોતમાંથી
← સ્વ. જાલભાઈ દોરાબજી ભરડાના પુણ્યસ્મરણને કલ્યાણિકા
પ્રસ્તાવના
અરદેશર ખબરદાર
થાળની ભેટ →



પ્રસ્તાવના

જીવનનો કલ્યાણપંથ પ્રભુધામ આગળ જ પૂરો થાય છે. એ પંથના વટેમાર્ગુને તો એ ધામનો પ્રકાશ સદા પોતા તરફ આકર્ષ્યા કરે છે. સાચા કવિની આંખ એ પ્રકાશબિંદુના વેધમાંથી કદી ચૂકતી નથી, કવિની ભાવોર્મિ, ભાવના, કલ્પના અને બુદ્ધિ જ્યારે એકરસ બને છે, ત્યારે એ પ્રકાશનાં કિરણોને ઝીલીને પોતાની વાણીના લોલકમાં તેના વિવિધ રંગો પ્રકટાવી સૌને એ પ્રકાશનો બોધ તેમજ તેનો આનંદ તે આપી શકે છે. બધી જીવનસરિતા પરમાત્મસાગર ભણી જ વહે છે, અને એ જ તેનો કલ્યાણપંથ છે. આ સંગ્રહમાં કાવ્યોનો કે ભજનગીતોનો પ્રવાહ એજ માર્ગે વહ્યો છે, કુદરતી રીતે જ વહ્યો છે; અને એ ભજનોના કવનકાળમાં કવિહ્રદયે જે જોયું છે, અનુભવ્યું છે, અને તેને વાણીમાં મૂર્ત્તસ્વરૂપ આપ્યું છે, તે એ કલ્યાણપંથના વટેમાર્ગુને કોઈક રૂપે રીતે પણ સહાયક અને આનંદદાયક બનશે, તો તે કવિહ્રદયને સંતોષકારક જ થશે.

મારી “ભજનિકા” પ્રકટ થયાને દસ વર્ષ વીતી ગયાં છે. તેમાંનાં ઘણાં ભજનો મેં અનેક ઠેકાણે ગવાતાં સાંભળ્યાં છે. આ દસ વર્ષમાં મારાં બીજાં નાનાં મોટાં કાવ્યો સાથે જે ભજનો પણ રચાયાં છે, તેનો આ સંગ્રહ “કલ્યાણિકા” નામે પ્રકટ થાય છે . ગુજરાતના અશિક્ષિત, અર્ધશિક્ષિત, સુશિક્ષિત, વિદ્વાન, રસિક અને રસજ્ઞ, એમ તમામ વર્ગને આમાંનાં એક યા વધુ ભજનો કાંઈ ને કાંઈ આનંદ આપી પ્રભુના કલ્યાણપંથની વિશેષ ઝાંખી કરાવશે , એવી શ્રદ્ધા હું રાખું છું.

આ શ્રદ્ધા અકારણ નથી. મારી કવિતાની પ્રાસાદિક સરળતાને લીધે તેમાં જાણે કશું રહસ્ય છે જ નહીં, એમ માની લઈને કેટલાક વિવેચકો થોડીકને ઉત્તમ કહી બીજીને અવગણે છે. પણ મારા અનેક કાવ્યસંગ્રહો પ્રકટ થયા છે, તે પર જે વિવેચનો અનેક વ્યક્તિઓ તરફથી થયાં છે, તેમાંથી એક વિચિત્ર સાર મેં તારવી કાઢ્યો છે, એ બધાં વિવેચનો એકઠાં કર્યા પછી તેમાં ગણાવેલી ઉત્તમ કવિતાઓની તથા તેમાં આપેલાં ઉત્તમ ઉદાહરણ રૂપ અવતરણોની તારવણી કરતાં તેમાં લગભગ બધી જ કવિતાઓ સમાઈ જાય છે ! એ બતાવે છે કે વિવેચકોની રુચિ અને કાવ્યગણના કેટકેટલી ભિન્ન છે ! એ દેખાડે છે કે જુદી જુદી કવિતાઓ જુદા જુદા વિવેચકોના મનબંધારણને અનુસરીને જ તેને સ્પર્ષે છે, એટલું જ નહીં પણ પ્રથમ બેઠકે એક કવિતા એક વિવેચકને સામાન્ય પ્રતિની લાગે, તે જ કવિતા વળી કોઈ અન્ય બેઠકે એ જ વિવેચક તે કવિતામાંના ભાવને અનુકૂળ સ્થિતિમાં હોય તો તેના હ્રદયને સ્પર્ષે છે, અને પછી તેમાંનું રહસ્ય તેને જડી આવે છે, કે બીજા કોઈ વિવેચક મિત્ર તે તેને બતાવે ત્યારે તે તેની ખૂબી જોઈ શકે છે. હું તો પ્રત્યેક સંગ્રહમાં સમાજના બધા વર્ગોને કોઈ ને કોઈ કવિતા આનંદ આપી શકે એ વાત ધ્યાનમાં રાખીને બધી જાતની કવિતા, સરળ ભાવ વિચારથી માંડીને ઊંડામાં ઊંડા રહસ્યવાળી દાખલ કરું છું.

આ વેળા આપણાં હાસ્યરસના પ્રસિદ્ધ લેખક તેમજ વિવેચક મારા સ્નેહી ભાઈ શ્રી જ્યોતીંદ્ર હરિહર દવેએ આ સંગ્રહમાંનાં કાવ્યો પર “ટિપ્પણ” લખ્યું છે, તે આશા છે કે પ્રાકૃત વાચકને તેમજ પ્રાધ્યાપકોને ભાવાર્થ સમજવામાં સહાયરૂપ થશે. ભાઈ શ્રી જ્યોતીંદ્રનાં એ માયાળુ બંધુકાર્ય માટે હું આભારી છું.

પરમાત્માએ મારા પર ઘણી મહેર ઉતારેલી છે. એ મહેરથી જ હું મારો કલ્યાણપંથ જોઈ શક્યો છું. આ “કલ્યાણિકા”માંનાં કાવ્યો એ માત્ર કલ્પનાનું પરિણામ નથી, પણ મારા આધ્યાત્મિક અનુભવોનો સાચો નિચોડ છે. પ્રભુએ જે સંદેશ મને પહોંચાડ્યો છે, તે મારી નિર્બળ વાણીમાં ઝીલીને મારાં બહેનો બંધુઓને હું આ ટાણે અર્પણ કરૂં છું. આ “કલ્યાણિકા” તેમના કલ્યાણપંથમાં કાંઈક પણ સહાય રૂપ થાય અને એ માર્ગ આનંદસ્વરૂપ બને, એ જ મારી પ્રાર્થના છે.

૭૮૮, પારસી કોલોની, દાદર, મુંબઈ
તા ૧ લી જુલાઈ ૧૯૪૦
અરદેશર ફરામજી ખબરદાર
}