કલ્યાણિકા/થાળની ભેટ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
← પ્રસ્તાવના | કલ્યાણિકા થાળની ભેટ અરદેશર ખબરદાર |
અમૃતતૃષા → |
થાળની ભેટ
• રાગ ભૈરવી — તાલ ત્રિતાલ •
મારી આ થાળ સ્વીકારો, કૃપાઘન !
મારી આ થાળ સ્વીકારો ! — (ધ્રુવ)
વિવિધ વૈચિત્ર્ય ભર્યું તમ વિશ્વે,
શોધ્યે જડે નહીં આરો;
કાંધે આ કાવડ મુકી બધેથી
ઝીલી મેં કંઇ રસધારો :
કૃપાઘન ! મારી આ થાળ સ્વીકારો ! ૧
સૂરજ ચંદ્ર ને તારકમાંથી
ચૂંટ્યા મેં ચેતનતારો ;
સ્વર્ગગંગામાં ડૂબકી ભરી હું
લાવ્યો આ મોતી હજારો !
કૃપાઘન ! મારી આ થાળ સ્વીકારો ૨
તીરથ તીરથ અટણ કર્યું મેં,
સૌ તમ રૂપવિહારો :
અંજલિ અંજલિમાં અમી એ લઈ
થાળે ભર્યો રસ ન્યારો !
કૃપાઘન ! મારી આ થાળ સ્વીકારો ! ૩
આંખે ઝર્યાં વેદનામૃતે જામ્યો
હૃદયકમળરસ મારો ;
મારું અમી એ જડે ન બીજે કહીં :
લ્યો, લ્યો, હે નાથ, ઉદ્ધારો !
કૃપાઘન ! મારી આ થાળ સ્વીકારો ! ૪