કલ્યાણિકા/અમૃતતૃષા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← થાળની ભેટ કલ્યાણિકા
અમૃતતૃષા
અરદેશર ખબરદાર
પ્રભુપ્રેમના પાગલ →
. પદ*[૧].


આવોને સંતો ! આવો, સાહેબના ઓલિયારે !
સતના તરસ્યાને રાખો સંગે રે !
ભારે આ અમૃતની તૃષા છે લાગી રે,
ઉરના અંગાર જળે અંગે રે !
આવોને સંતો ! આવો, સાહેબના ઓલિયા રે ! ૧

સારા સંસારનાં આ બળતાં ભભૂકતાં રે
ચૌદે બ્રહ્માંડ બાળી નાખે રે;
ધગધગતું જીવનનું વન આ રહે ધીખી રે,
પડે ત્યાં શોષ અંગે આખે રે :
આવોને સંતો ! આવો, સાહેબના ઓલિયા રે ! ૨

પૃથ્વીને વીંટી મહાસાગરો ઊછળે રે,
નવસેં નદીઓ મારે આંટા રે;
કોટિક ધારે વરસે મેહુલો માથે રે,
તોય પડે છે કંઠે કાંટા રે !
આવોને સંતો ! આવો, સાહેબના ઓલિયા રે ! ૩

અમે તો હંસલા રે ઊંચેરા દેશના રે,
ધગતી ધરાએ ઊતર્યા ક્યાંથી રે !
આભની પાર રહ્યાં સરવર અમારાં રે,
તૃષા અમારી છિપે શાથી રે ?
આવોને સંતો ! આવો, સાહેબના ઓલિયા રે ! ૪

લગની લાગી છે એક અમૃતના નામની રે,
ભરી ગંગાજી યે સુકાશે રે;
અલખ સરોવરમાં અંજલિ ભરીને રે
કોણ અમૃત અમને પાશે રે ?
આવોને સંતો ! આવો, સાહેબના ઓલિયા રે ! ૫

વિષમ છે વેદના એ અમૃત તૃષાની રે,
ધખે જીવન રણ જેવું રે :
ભવોભવ કેરી તૃષા અદલ છિપાવે રે,
આપો અમૃત કોઈ એવું રે !
આવોને સંતો ! આવો, સાહેબના ઓલિયા રે ! ૬

-૦-

નોંધ

  1. *"મનને ચઢાવી મેલ્યું ચાકડે રે" - એ ભજનની રાહ.