કલ્યાણિકા/માધુરી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← જગની જોગનિયાં કલ્યાણિકા
માધુરી
અરદેશર ખબરદાર
વચન →
પાલવાડો મારો મેલો, મોહનજી.


કેવી તેં તારી ઉતારી આ માધુરી,
રસની આ રેલ તારી કેવી વહી !
દિશદિશનાં અંતરને ભરતી ઠાલવતી
કેવી આ મહેર તારી વરસી રહી !
કેવી તેં તારી ઉતારી આ માધુરી ! ૧

ડોકે ગુલાબનાં ઝૂમખાં ઝુલાવતી
ઠમકે ઉષા તારી નભમાં ઘડી;
મૂકી મેં આંખે તેની પડતી બે પાંદડી –
કોણ જાણે પલકે ક્યાં સરકી પડી !
કેવી તેં તારી ઉતારી આ માધુરી ! ૨

પૂઠે સુવર્ણની ચમરી ચમકાવતો
તારો તે તેજબાલ મહાલી રહ્યો;
ખોબે ખોબે મેં ઝીલી પડતી કનકરાજ –
કોણા જાણે કેમ ખોબો ખાલી રહ્યો !
કેવી તેં તારી ઉતારી આ માધુરી ! ૩

રાતાં સરોજગૂંથ્યા તોરણ ત્યાં ટાંગતી
તારી તે સંધ્યા ઘડી ગુંજતી ઊભી;
ઝડપી લીધી એ સૂરધારા મેં અંતરે –
કોણ જાણે અણદીઠી ક્યાં જઈ ડૂબી !
કેવી તેં તારી ઉતારી આ માધુરી ! ૪

આખર ત્યાં લાખલાખ ટીલી ટમકાવતો
દીઠો મેં સાળુ તારી રજની તણો;
હૈયે ચાંપ્યો ત્યાં એનાં ભોંકાયા તીર હા !
જોની હે નાથ ! કેવા દૂઝે વ્રણો !
કેવી તેં તારી ઉતારી આ માધુરી ! ૫

તારી આ વેદનાની મોંઘેરી ભેટ સૌ
હૈયે ધારી આ મારું જીવન વહું:
રે રે હો નાથ ! એ જ તારી છે માધુરી -
તારી એ મહેરે સદા રંજિત રહું !
કેવી તેં તારી ઉતારી આ માધુરી ! ૬

-૦-