લખાણ પર જાઓ

કલ્યાણિકા/જગની જોગનિયાં

વિકિસ્રોતમાંથી
←  આવતી કાલનાં સ્વપ્નાં કલ્યાણિકા
જગની જોગનિયાં
અરદેશર ખબરદાર
માધુરી →





જગની જોગનિયાં

• રાગ આસાવરી — તાલ ત્રિતાલ •


જગની જોગનિયાં રે મોરી જગની જોગનિયાં !
તારાં છેલછબીલાં છપ્પન કોટિ ઊડે છોગનિયાં !(ધ્રુવ)

ભેખ ધરીને બેઠી રાતે, પહેરી કાળી કફની ;
તારકમાળ સરે તુજ હાથે, જાણે રતિ સૌ દફની !
મોરી જગની જોગનિયાં રે₀ ૧

શ્વાસ પડે તુજ બંધ બધા ને તમતમ તમરાં બોલે;
ભભૂત ભરી તુજ આંખ ગગનમાં કદી ખોલે અદખોલે :
મોરી જગની જોગનિયાં રે₀ ૨

ઊગે પ્રભાત પછી પૂર્વે ત્યાં ભેખ નવા લે અંગે;
સજી સોળ શણગાર દીપે તું પળપળ નવનવ રંગે :
મોરી જગની જોગનિયાં રે₀ ૩


થનગન એ તુજ નખરાંમાં તું બાંધે નજર બધાંની ;
મહેલ બગીચા ઊડે પલકમાં, જાય સરી તું છાની !
મોરી જગની જોગનિયાં રે₀ ૪

સંધ્યાના રંગોમાં તારું તરતું ડૂબતું હૈયું :
માનવ એ તુજ ઘેલાં પૂઠે રહે સદા શું છૈયું?
મોરી જગની જોગનિયાં રે₀ ૫

નહીં તુજ જોગે, નહીં તુજ ભોગે, માગું કો બંધનિયાં;
એક અલિપ્ત અદ્દલ રહું જોતો સૌ તુજ આ ખેલનિયાં !
મોરી જગની જોગનિયાં રે₀ ૬