લખાણ પર જાઓ

કલ્યાણિકા/આવતી કાલનાં સ્વપ્નાં

વિકિસ્રોતમાંથી
← પડછાયા કલ્યાણિકા
આવતી કાલનાં સ્વપ્નાં
અરદેશર ખબરદાર
જગની જોગનિયાં →





આવતી કાલનાં સ્વપ્નાં

• રાગ ભૈરવી — તાલ દાદરો •


હું તો જીવું કરી કાલ કાલ રે,
નાથ ! હું તો જીવું કરી કાલ કાલ :
મારાં સ્વપ્નો એ જ એક તાલ રે,
નાથ ! હું તો જીવું કરી કાલ કાલ ! - (ધ્રુવ)

આજે અંધારાંના ઊભા મિનારા,
ઊભા ઘેરી દિક્‌પાળ :
કાલે દિગંતપટ વીંધીને વેરશે
જ્યોતિના સભર જુવાળ રે :
નાથ ! હું તો જીવું કરી કાલ કાલ ! ૧

આજે છે જગતની જડતાનાં ઝાડવાં,
અણમહોરી ડોલે એની ડાળ :
કાલે વસંતના વાયુ અહીં વાશે ને
ફૂટશે કંઈ ચેતનના ફાલ રેઃ
નાથ ! હું તો જીવું કરી કાલ કાલ ! ૨


આજે તો અંતરે આશાના બોલડા,
ખાલી જોઉં જગતની થાળ :
કાલે તો સિદ્ધિનાં ફૂલડાં ખીલીને
થાળે સુહાશે વરમાળ રે :
નાથ ! હું તો જીવું કરી કાલ કાલ ! ૩

આજે તો આંસુની માળા હું ફેરવું
જોતો હૈયા કેઈ ઝાળ :
કાલે તો હાસ્યનાં મોતી વેરાશે ને
સુધા રેલાશે ઉરપાળ રે :
નાથ ! હું તો જીવું કરી કાલ કાલ ! ૪

આજે દિશાઓના વાંચી દુઃખાક્ષરો
આત્માના ઊઠે સવાલ :
કાલે ત્યાં નાથ ! તારું ઝળશે સિંહાસનને
ઊછળશે આનંદ વિશાળ રે :
નાથ ! હું તો જીવું કરી કાલ કાલ ! ૫

આજે શું ભાગ્યને દોરે બંધાઈને
ખુંદવાં આ તારાં પાતાલ ?
કાલના જ સ્વર્ગમાં જીવવું શું માનવે ?
નાથ ! શું આજમાં ન માલ રે ?
નાથ ! કહેની કેવી છે તારી તે કાલ ? ૬