લખાણ પર જાઓ

કલ્યાણિકા/પડછાયા

વિકિસ્રોતમાંથી
← માયાની લગની કલ્યાણિકા
પડછાયા
અરદેશર ખબરદાર
આવતી કાલનાં સ્વપ્નાં →





પડછાયા

• રાગ આસાવરી — તાલ ત્રિતાલ •


મનવા ! છોડ બધી તુજ માયા :
એ નહીં વસ્તુ, એ પડછાયા.-(ધ્રુવ)

મંદિર બાંધ્યાં, દેવળ સ્થાપ્યાં,
બ્રાહ્મણ કંઈક જમાડ્યા;
પેટ ઉપર જ્યાં હાથ ફર્યો ત્યાં
ધર્મ બધા એ રાંડ્યા !
મનવા ! છોડ બધી તુજ માયા ! ૧

લાંબી લાંબી મંજલ કાપી,
ધગતા રણમાં મહાલ્યો;
જીવનની ગાંસડી લઈ પીઠે
ધોબી જેવો ચાલ્યો !
મનવા ! છોડ બધી તુજ માયા ! ૨


ધૂપ દીપ મંદિરમાં કીધાં,
ઘણણ વગાડી ઘંટા :
નહીં તુજ દેવે આંખ ઉઘાડી :
એ સૌ મિથ્યા ટંટા !
મનવા ! છોડ બધી તુજ માયા ! ૩

પાણીમાં મોજાં પર સરતાં
બિંબ શશીનાં સળકે :
પાણીમાં શું જોય ? ઉપર જો !
ચંદ્ર ખરો નભ ચળકે !
મનવા ! છોડ બધી તુજ માયા ! ૪

છોડ બધી તુજ આ ફિલસૂફી,
ભૂંસી દે ટીલાં ટપલાં !
પળપળ ફરતી છાયા શું રે
આ શાં અદ્દલ અડપલાં ?
મનવા ! છોડ બધી તુજ માયા ! ૫