લખાણ પર જાઓ

કલ્યાણિકા/માયાની લગની

વિકિસ્રોતમાંથી
← ઉરની ભરતી કલ્યાણિકા
માયાની લગની
અરદેશર ખબરદાર
પડછાયા →





માયાની લગની

• રાગ ભૈરવી — તાલ દાદરો •


તારા મનને છે માયાની લગની રે,
જીવ ! ક્યાં લગી આશ એ જગની ?-(ધ્રુવ)

માયા છે માતા ને માયા છે પત્ની, માયાએ સર્જ્યો સંસાર;
અદ્‍ભૂત ભેદ ભર્યો ભવ એવો નાચે એ માયાને તાર :

એ તો તારા મહા મીઠી ઠગની રે :
જીવ ! ક્યાં લગી આશ એ જગની ?-તારા₀ ૧

પીંછી નથી, નથી રંગ કે પાટી, નથી અંગુલિ કે હાથ :
મેઘધનુષ્ય ઘડી ઝળી ઊડે, એવો છે માયાનો સાથ !

દસે દિશા એ બાંધી લે દ્દ્ગની રે :
જીવ ! ક્યાં લગી આશ એ જગની ?-તારા₀ ૨

અદ્ધર હિંડોળો એ માયાનો ઝૂલે, બેસે સકળ જીવ માંહ્ય ;
સ્વર્ગ, નરક ને મૃત્યુલોકે ચઢી ચાકે એ ઝોલાં ખાય !

પડે ગમ નહીં સતમારગની રે :
જીવ ! ક્યાં લગી આશ એ જગની ?-તારા₀ ૩


તારકદ્વીપ શું ઘર અજવાળે ? ચાંદાપોળી ભાંગે ભૂખ ?
સ્વર્ગગંગાજળે મુખ શું ધોવાશે ? મળશે શું માયાથી સુખ ?

મૃગજળથી બુઝાશે શું અગ્નિ રે :
જીવ ! ક્યાં લગી આશ એ જગની ?-તારા₀ ૪

નભકુસુમે જઈ ભ્રમર બંધાયો, દહાડે થયો તમભાસ :
આત્મ અનાત્મનો થાય વિવેક ત્યાં છૂટે ત્રિગુણની ફાંસ :

તજી દે ભ્રમણા ડગડગની રે !
જીવ ! ક્યાં લગી આશ એ જગની ?-તારા₀ ૫

જન્મ ને મૃત્યુની વચ્ચે છે જીવન, સિંધુની ઊર્મિનું ફીણ !
મીણબત્તીમાં અદ્દલ જે જળે તે જ્યોતિ નથી કંઈ મીણ :

માની બેઠો તું જે અતલગની રે,
જીવ ! જૂઠી તે માયા છે જગની ! - તારા₀ ૬