કલ્યાણિકા/મારે દ્વારે

વિકિસ્રોતમાંથી
← વલોણું કલ્યાણિકા
મારે દ્વારે
અરદેશર ખબરદાર
સર્વગોચર →





મારે દ્વારે

• રાગ જોગીઆ — તાલ દાદરો •


મારો રાજ ઊભો આવી દ્વારે,
મને નહીં સૂઝ પડે તલભાર :
એ તો થાકી થાકી ઠોકા મારે,
રે ક્યાં લગી રાખું એને ઘરબહાર ?-(ધ્રુવ)

મોટા એ મહોલનો વૈભવવાસી,
હું તો છું રંક કંગાળ ;
મારી પાસે કશું આવી એ માગે ?
વિશ્વ છે એનું વિશાળ :

ખાલી ઓરડે વાયુ ફૂંકારે,
કરું ત્યાં શા આદરના શણગાર ?
મારો રાજ ઊભો આવી દ્વારે,
મને નહીં સૂઝ પડે તલભાર. ૧

નાથ કહે, તને મેં જ આ કીધો,
હું તો સદા ચાહું રંક ;
વિશ્વ ભલે ભરપૂર દિસે પણ
તું વિણ વ્યર્થ નિઃશંક !


તારે માટે આવું વારે વારે,
થોભું ટાઢ તાપ ને વર્ષા મોઝાર :
મારો રાજ ઊભો આવી દ્વારે,
મને નહીં સૂઝ પડે તલભાર. ૨

નાથ ! કશું નથી મૂલ્ય તો મારું,
હું તો છું દુઃખનો પહાડ !
સૌનો તજાયો હું સેવું છું સૌને,
શાને ચાહે વળગાડ ?—

તો તો, નાથ કહે, ચાહું વધારે,
ઉરે તારે એવી વહે અમીધાર !—
મારો રાજા ઊભો આવી દ્વારે,
મને સૂઝ પડે નહીં તલભાર. ૩

રે જીવ ! ક્યાં લગી એને થોભાવે ?
એ જ તારો ભંડાર !
યુગયુગથી તને માગી રહ્યો જે,
કરી લે તેનો સત્કાર !—

ખોલું દ્વાર ને રાજ પધારે :
હો નાથ ! હવે છોડું નહીં પળવાર !
મારો રાજ ઊભો આવી દ્વારે,
રે ક્યાં લગી રાખું તેને ઉરબહાર ? ૪