લખાણ પર જાઓ

કલ્યાણિકા/સર્વગોચર

વિકિસ્રોતમાંથી
← મારે દ્વારે કલ્યાણિકા
સર્વગોચર
અરદેશર ખબરદાર
આત્માનંદ →
* પદ[] *





સર્વગોચર

• પદ[]


નાથ ! જ્યાં જ્યાં હું જોઉં ત્યાં તું જ રે !
તું જ ખીલી રહ્યો વિશ્વકુંજ રે :
નાથ ! બીજે ક્યાં જઈ તને શોધવો એ જી ? - (ધ્રુવ)

કનકે રેલ્યાં દ્વારથી રે
દીસે સૂર્યભર્યો તુજ હાથ ;
જ્યોતિફુવારા ફોરતો
સૌને તેમાં ઝગાવે સાથ રે :
નાથ ! બીજે ક્યાં જઈ તને શોધવો એ જી ?

સંધ્યા ઉષાના કેશમાં રે
તારી અંગુલિઓ કરે ગેલ ;
પળપળ નવનવ રંગમાં
તેમાં રેલે હૃદયરસ રેલ રે !
નાથ ! બીજે ક્યાં જઈ તને શોધવો એ જી ?

કાળી અંધારી રાતમાં રે
તારી દિવ્ય ચરણરજ સોહ્ય ;
અનંતતાના પંથમાં
તારકપગલી પડી સહુ જોય રે !
નાથ ! બીજે ક્યાં જઈ તને શોધવો એ જી ?

સાગર કેરી ઊર્મિમાં રે
તારા ઊછળે સનાતન સૂર ;
તેમાં અબોલ ઊંડો વહે
પેલો નાદ તારો ભરપૂર રે !
નાથ ! બીજે ક્યાં જઈ તને શોધવો એ જી ?

ફૂલે ફૂલે નૂર ઝૂલતું રે
તારો શ્વાસ સુગંધિત વાય ;
થળથળ લીલા લસી રહી
તારું હૃદય બહેકાવે માંહ્ય રે !
નાથ ! બીજે ક્યાં જઈ તને શોધવો એ જી ?

પ્રાણી પ્રાણીના પ્રાણમાં રે
ઝળે તારું જ ચેતન એક ;
ઠોકી રહ્યો ઉરબારણાં :
તારો ગજવું અદ્દલ અહાલેક રે !
નાથ ! બીજે ક્યાં જઈ તને શોધવો એ જી ?

  1. "સાધુ ! વોહી બિધ રહેના રામસે એ જી." - એ ભજનની રાહ.
  2. "સાધુ ! વોહી બિધ રહેના રામસે એ જી." — એ ભજનની રાહ.