કલ્યાણિકા/આત્માનંદ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← સર્વગોચર કલ્યાણિકા
આત્માનંદ
અરદેશર ખબરદાર
માલિકની મહેર →
* રાગ બિહાગ - તાલ ત્રિતાલ *


નાથ હો ! ભરભર લ‌ઉં આનંદ !
સ્નેહસુધા રેલાય સદોદિત
ઊગતાં ઉરમાં ચંદ :
નાથ હો ! ભરભર લ‌ઉં આનંદ ! - (ધ્રુવ)

સૃષ્ટિ સકળ આ થાય સુવાસિત
જ્યાં વહે સ્નેહસુગંધ ;
સૃષ્ટિ વિષે ન સુગંધ વસે કો,
છે નિજ અંતરબંધ :
નાથ હો ! ભરભર લ‌ઉં આનંદ !

ચંદ્રતણું અમૃત આકાશે
જ્યોતિ ભરે સુખકંદ ;
અંતર કુંભ ભર્યો અમૃતનો,
તે છલકે નિજ છંદ :
નાથ હો ! ભરભર લ‌ઉં આનંદ !

રસનામાં રસકસ સૌ વસતા,
તે વિણ રસ સૌ મંદ :
શૂન્ય હૃદય શો રસ લઈ જાણે,
જો ન ઊઠે ત્યાં સ્પંદ ?
નાથ હો ! ભરભર લ‌ઉં આનંદ !

ફૂલ ફૂલ ડોલે, પાન હિંચોળે,
ખોલે પ્રાણ બુલંદ ;
અનંતતાને આંગણ ઢોળે
ઉર નિજ તારકવૃંદ :
નાથ હો ! ભરભર લ‌ઉં આનંદ !

જ્યોતિ સ્ફુરે નહીં, જ્યોતિ ઝરે નહીં,
એ આંખો રહે અંધ :
નાથ ! સભર આનંદ ભરી ઉર
જગત વહું મુજ સ્કંધ !
નાથ હો ! ભરભર લ‌ઉં આનંદ !

-૦-

ટિપ્પણ

ટિપ્પણ:સર્વગોચર