લખાણ પર જાઓ

કલ્યાણિકા/માલિકની મહેર

વિકિસ્રોતમાંથી
← આત્માનંદ કલ્યાણિકા
માલિકની મહેર
અરદેશર ખબરદાર
ભક્તવીરની વાંછા →


​


માલિકની મહેર

• પદ[૧] •


તારી તે મહેર, મારા માલિક ! છે કેવી રે !
⁠સૃષ્ટિ છલકાય તારા સ્નેહે રે :
તારા પ્રસાદથી છે અણુ યે ન ખાલી રે,
⁠ખીલે બધું તુજ અમીમેહે રે :
⁠તારી તે મહેર, મારા માલિક ! છે કેવી રે ! ૧

આભે અંધારપાટી પ્રકૃતિએ ટાંગી રે,
⁠તો તેં લખ્યા ત્યાં જ્યોતિલેખો રે ;
અંધી આ રહેતે સદા માનવની આંખો રે,
⁠જો ન જડત એ હીરામેખો રે !
⁠તારી તે મહેર, મારા માલિક ! છે કેવી રે ! ૨

તારી અમારી વચ્ચે વાદળ છાતાં તું રે
⁠તેની પખાલ ચીરે વીજે રે !
અમૃત ત્યાંથી વરસી અમને તું રાખે રે
⁠પાવન તે પંથની પતીજે રે !
⁠તારી તે મહેર, મારા માલિક ! છે કેવી રે ! ૩

​


ડુંગર પર ડુંગર જ્યાં ઘનના ખડકાઈને રે
⁠દૃષ્ટિ ડુબાવે ચારે કોરે રે,
લોચન ઉઘાડી તું ત્યાં અમને હીંચોળે રે
⁠રંગરંગભર્યા હીરદોરે રે !
⁠તારી તે મહેર, મારા માલિક ! છે કેવી રે ! ૪

વસમાં છે વિખડાં તો અમૃત તેં આપ્યાં રે,
⁠કાંટા ઊગ્યા તો ફૂલ કીધાં રે ;
માટીનાં પિંજરે યે પ્રાણ ઉડાવ્યા રે,
⁠દુખમાંથી સુખ તેં જ દીધાં રે !
⁠તારી તે મહેર, મારા માલિક ! છે કેવી રે ! ૫

તારી તે મહેર, મારા માલિક ! ક્યાં અટકે રે ?
⁠આપ્યો તું જાય કોટાનકોટી રે !
અદ્દલ બ્રહ્માંડો ભલે ઊભાં રહે સામે રે,
⁠તારી છે બાથ કેવી મોટી રે !
⁠તારી તે મહેર, મારા માલિક ! છે કેવી રે ! ૬

  1. ↑ " મનને ચઢાવી મેલ્યું ચાકડે રે, " એ ભજનની રાહ.