લખાણ પર જાઓ

કલ્યાણિકા/ભક્તવીરની વાંછા

વિકિસ્રોતમાંથી
← માલિકની મહેર કલ્યાણિકા
ભક્તવીરની વાંછા
અરદેશર ખબરદાર
સતત વિશ્વવસંત →
* રાગ માઢ - તાલ દાદરો *





ભક્તવીરની વાંછા

• રાગ માઢ — તાલ દાદરો •


તારું આપ્યું હું લઈને શું કરું ?
મને નાથ જીત્યાના કોડ !— (ધ્રુવ)

ધામ ધરા ને ધન ખૂબ આપે,
આપે તું વિશ્વ અજોડ :
રાખી ન જાણે તે ચાખી શું માણે ?
મારે તો વીરની હોડ રે :
મને નાથ જીત્યાના કોડ ! ૧

આભલે આભલે ઈંદ્રધનુની
છો લટકે બહુ માળ :
વીજ ને વાયુશું ખેલવા, ભરે
મેઘ ગગનમાં ફાળ રે :
મને નાથ જીત્યાના કોડ ! ૨


આપી આપીને તું આપશે શું ?
આપ્યું ન પૂગે જરાય :
જગત ખૂટે, તારાં સ્વર્ગો યે ખૂટે :
હૈયું ન મારું ધરાય રે :
મને નાથ જીત્યાના કોડ ! ૩

હાર ને જીતના ખેલ મેં માંડ્યા,
ત્યાં તે શા ઓડવા હાથ ?
હારું તો જગત ને જન્મ હું હારું :
જીતું તો તુજને, હો નાથ રે !
મને નાથ જીત્યાના કોડ ! ૪

તારો નમાલો ભક્ત ના ગણતો,
ગણજે મને નરવીર !
લાખો તારાના ભાલા હું ભોકી
ચીરું આ વિશ્વનાં ચીર રે :
મને નાથ જીત્યાના કોડ ! ૫

વીંધું આકાશ ને ફોડું પાતાળ ને
જીતું તુજ તખ્ત ને તાજ !-
" માગ રે માગ " તું કહે, પણ માગું શું ?
મારું જ છે તુજ ઉરરાજ રે !
મને નાથ જીત્યાના કોડ ! ૬