કાંચન અને ગેરુ/ઘુવડ

વિકિસ્રોતમાંથી
← ભૂતકાળ ન જોઈએ કાંચન અને ગેરુ
ઘુવડ
રમણલાલ દેસાઈ
રખવાળ →





ઘુવડ

આઝાદ હિંદ ફોજમાં કોઈ ગુજરાતી હતો જ નહિ એવી માન્યતા ભૂલભરેલી છે. બર્મા–મલાયાના ગુજરાતીઓએ માત્ર પૈસા આપી આઝાદ હિંદ ફોજથી છૂટાછેડા મેળવ્યા એમ કહેનારને હું મારું દ્રષ્ટાંત આપું છું. હું યુદ્ધ ખેલતાં શહીદ થયો નથી એ વાત ખરી. શાહનવાઝ, ભોંસલે કે સહગલ સરખા મુકદ્દમાઓએ પ્રતિષ્ઠિત બનાવેલા સેનાનીઓ કે સેનાપતિઓમાં મારું સ્થાન નથી એ વાત ખરી છે. 'ઝાંસીની રાણી' કહેવાતી કૅપ્ટન લક્ષ્મીની માફક હું કઈ રંગીન સ્ત્રી નથી કે જેથી ફોજને આશ્રયે રહી લગને લગને કુંવારા રહેવાનો લહાવો હું મેળવી શકું, અને લોકોનું લક્ષ્ય પણ ખેંચી શકું. છતાં હું બર્મા–મલાયાની આઝાદ હિંદ ફોજમાં લશ્કરી હતો એ વાત ચોક્કસ છે. મેં જંગલવાસ કર્યો છે, ભયંકર રાત્રિઓનાં એકાંત અનુભવ્યાં છે, અને વાઘની વચમાં હું સૂતો છું અને પળે પળે મૃત્યુને નિહાળતો હું આજ સુધી મૃત્યુથી બચ્યો પણ છું — કદાચ યુદ્ધ સિવાય પણ મૃત્યુ માનવીને ઝડપે છે એવું ગુજરાતપ્રિય દ્રષ્ટાંત બનવા માટે ! યુદ્ધ અને શહીદી આઝાદી આપશે જ આપશે એમ ખાતરી થતાં હું સુભાષબોઝની સેનામાં જોડાયો. આઝાદીનો ઉત્સાહ અલૌકિક છે. એ ઉત્સાહ જેણે શસ્ત્ર ઉઠાવ્યાં હોય, જેણે વાવટા ફરકાવ્યા હોય, જેણે રુધિરસ્નાન કર્યા હોય એ જ જાણી શકે. બર્મામાં હું આવ્યો હતો કમાવા માટે. મારા કુટુંબીઓએ, વડીલોએ બર્મીઝો ને છેતરી –કહો કે વ્યાપારી કુનેહ વાપરી ભારે મિલકત ઊભી કરી હતી. મને મિલકતનો શોખ ન હતો, જોકે મિલકતનો લાભ હું મેળવ્યે જતો હતો. ધનિક હોવા છતાં ગરીબીની દાઝ દેખાડનાર અને લાખોની સંપત્તિ મેળવ્યા છતાં દેશાભિમાનની ઊર્મિ ઊછળતી રાખનાર ધનિકોનો એક વર્ગ હમણાં ઊભો થયો છે. જે વિદ્યા મેળવી વધારે ભયંકર મૂડીવાદી બનતો જાય છે. મને લાગે છે કે હું એ વર્ગનો સભ્ય હતો. હું સારું ભણ્યો. કૉલેજનું ઉચ્ચ શિક્ષણ મેં લીધું અને કલાનો શોખ પણ કેળવ્યો. એટલે વ્યાપાર અર્થે બર્મા જઈને રહેવામાં મને વ્યાપાર કરતાં બર્મી કુદરત અને કળા, સિયામચંપાના સ્થાપત્ય અને જાવા-બાલીનાં સંગીતનૃત્યના અનુભવની મોહિની વધારે લાગી હતી એમ કહું તો ખોટું નથી.

સાથે સાથે એક માનવ મોહિની પણ હું મારી સાથે લાવ્યો હતો. પરણે છે તો સહુ કોઈ–મોટે ભાગે. પ્રેમનો અનુભવ પણ કરે છે સહુ કોઈ–વર્ષ બે વર્ષ માટે. પરંતુ બબ્બે ત્રણ ત્રણ વર્ષ પરસ્પરના સાથમાં વીતી ગયાં છતાં પણ પ્રેમી રહેનાર યુગલો મેં બહુ થોડાં નિહાળ્યાં છે. એમાંના એક યુગલનો હું જોડિયો વિભાગ છું અને જીવનભર પ્રેમી રહીશ એવી મને ખાતરી છે–દેશાભિમાની હોવા છતા !

આઝાદ ફોજને અને મારા પ્રેમને સંબંધ છે માટે હું બડાઈ હાંકું છું. મારી પત્નીનું નામ નિરુપમા. પત્નીનું નામ બોલાય નહિ, પણ લખાય તો ખરું જ; નહિ? મારા ઘણાં સગાં, વડીલો મિત્રો બર્મા આવતાં ત્યારે પોતપોતાની પત્નીને દેશમાં મુકીને આવતાં. મારાથી તેમ બની શક્યું નહિ, એટલે મહેણાંમશ્કરી સહન કરીને, નફ્ફટાઈના આરોપ માથે ચઢાવીને પણ હું મારી પત્નીને મારી સાથે જ બર્મામાં લાવ્યો. એ રૂપાળી હતી – એટલી રૂપાળી કે નિરુપમા નામ મને સાર્થક લાગતું. નિરુપમાએ પણ ઉચ્ચ શિક્ષણ લીધું હતું અને પ્રાચીન હિંદી સંસ્કૃતિ અને કલાનો એણે અભ્યાસ કર્યો હતો, એટલે એને પણ બર્મા આવવાનો ઉત્સાહ હતો જ.

પરંતુ બર્મામાં પગ મૂકતાં બરાબર જાહેરાત થઈ કે મિત્ર રાજ્ય અને જાપાન વચ્ચેની મૈત્રી એકાએક તૂટી ગઈ હતી અને પ્રખર યુદ્ધકૌશલ્ય દર્શાવતા જાપાનીઓ બર્માનાં બારણાં ઠોકી રહ્યા હતા. હિંદવાસીઓએ તો નિશ્ચય જ કર્યો કે સહુએ હિંદમાં નાસી જવું. ગુજરાતી પુરુષોમાંના ઘણાને સ્ત્રી બાળકો પહેલાં નિદાન સ્ત્રી બાળકો સાથે જ ચાલ્યા જવાની પૂર્ણ ઈચ્છા હતી, જે કેટલાકે પૂરી પણ કરી ! પરંતુ પછી તો ગુજરાતનું આછું પાતળું પુરુષત્વ જરા શરમાયું અને તેણે વહાણો ભરી પ્રથમ સ્ત્રી બાળકોને હિંદમાં મોકલી દીધાં અને પોતે પાછળ રહી ધંધોરોજગાર સંકેલી–અગર સંકેલ્યા વગર હિંદ આવવાની યોજના કરી.

પરંતુ એ યોજના સફળ થાય તે પહેલાં તો જાપાની વિમાનોએ બર્મા સર કર્યું. અને મોટા ભાગના હિંદવાસીઓ ફાવે તેમ અસ્તવ્યસ્ત કાળેધોળે રસ્તે, પગે ચાલીને પણ નાસી છૂટ્યા.

નિરુપમા વહાણમાં ગઈ નહિ. સહુનો અને મારો આગ્રહ પણ તેને સ્પર્શી શક્યો નહિ. જ્યાં હું ત્યાં એ એવો પ્રતિકૂળ નિશ્ચય કરી બેઠેલી એ જિદ્દી સ્ત્રી મારી પાસેથી જરા ય ખસી નહિ. એનો સાથ મને જરૂર ગમતો હતો, પરંતુ અજાણ્યા રસ્તામાં આવતી અનેક આફતો સહન કરવાનો એને વારંવાર પ્રસંગ આવતો ત્યારે મને એની હઠીલાઈ ઉપર રીસ ચઢતી અને આખી સ્ત્રીજાત હઠીલી છે એવા ફિલસૂફોએ બાંધેલા સિદ્ધાંતને હું માન્ય કરતો. તોય ઉઘાડે પગે ચાલી મુશ્કેલીમાં પણ હસતું મુખ રાખી સહુને હસાવી શકતી નિરુપમા મારા શારીરિક અને માનસિક થાકનું નિવારણ કરતી હતી એનો સતત પરચો મને થતાં નિરુપમા પ્રત્યેના મારા પ્રેમમાં માનને પણ સ્થાન મળ્યું. પત્ની પ્રત્યે પ્રેમની લાગણી હોય એ શક્ય છે; પરંતુ પ્રેમ સાથે માનની પણ ભાવના હોઈ શકે એવો કાંઈક નવીન અનુભવ મને આ કષ્ટસાધ્ય મુસાફરીમાં થયો. નિરૂપમાની મોહિની હતી તે કરતાં વધી. સાથે સિનેમા જોતાં જે સુંવાળો ભાવ જાગતો એના કરતાં કોઈ વધારે તીવ્ર અને જીવંત ભાવ ડુંગરના ઢોળાવ ચઢાવ સાથે ઊતરતાં ચઢતાં જાગતો. સિનેમાં જોતાં નિરૂપમાના સુવાળા હાથને હું છૂપો છૂપો સ્પર્શ કરતો; ખીણમાં ઊતરતાં કે શિખર ઉપર ચઢતાં કદાચ હું તેને સ્પર્શતો તો ય સંકોચ સહ પૂજ્ય પ્રતિમાને ભક્તિ અને ભયથી સ્પર્શતો હોઉં એમ મને લાગતું. એ મોહિની માત્ર ગળે હાથ નાખી સ્મિત કરવા યોગ્ય પૂતળી ન હતી; પૂર્ણ આધાર સહ એનો આશ્રય લેવાય, વિશ્વાસપૂર્વક એનો હાથ ઝલાય તો વૈતરણી પણ પાર કરાવી દે એવી એ તારિણી લાગતી હતી.

પરંતુ એક રાત્રે મારી એ તારિણીથી હું દૂર હડસેલાયો ! અમારાથી આગળ ગયેલી એક હિંદવાસી ટોળી એક ટેકરાની પડખે આરામ લેતી હતી, ત્યાં સમીસાંજ થવાથી અમે પણ આરામ લેવાનો વિચાર કર્યો. રસ્તો બહુ ભયભર્યો ન હતો. ગુજરાતીઓને લૂંટવામાં લાભ હોય, એમને પકડવામાં કાંઈ જ લાભ થાય નહિ; ઊલટું એ માથે પડે એવી એ પ્રજા મનાતી. એવી પ્રજા ઉપર ગોળીઓ ફેંકવી એ પણ દારૂગોળાનો મિથ્યા વ્યય ગણાય; એટલે લૂંટાવા સિવાય અમને બીજો કાંઈ ભય ન હતો, છતાં રાત્રે પુરુષવર્ગે પહેરો ભરવાની બહાદુરી બતાવી અને અમે જરા ટેકરાની આસપાસ ફરી નીચે ને ઉપર ચઢી ઊતરી સૈનિકની રમત રમવા લાગ્યા. પરંતુ એ રમત રમત રહી નહિ. જાપાનીઓની એક ટુકડીએ કોણ જાણે ક્યાંથી અંધારામાં આવી અમને ઘેરી લીધા. બીકથી નાસવા મથતા પુરુષો ઉપર તેમણે ગોળીઓ છોડવા માંડી; કોલાહલ મચી રહ્યો. શું થયું તે સમજાય તે પહેલાં અમારામાંથી ત્રણચાર પુરુષોને પકડી જાપાની સૈનિકો ટેકરાની નીચે ઊતરી ગયા અને અમે દુશ્મનકેદી બની ગયા ! નિરુપમાની મૂર્તિ મારી આંખ સામે જ ઊઘડતી; પરંતુ એ સાચી નિરુપમા ન હતી ! એ કલ્પનાનું ધુમ્મસ હતું. નિરુપમા અને હું વિખૂટાં પડ્યાં ! દેહ અને પ્રાણ અલગ અલગ ઊડવા લાગ્યા ! એ પ્રિયપ્રાણ ક્યાં હશે, એનું શું થયું હશે, એ વિચારની ભયંકરતાએ મારા રોમેરોમમાં આગ લગાડી.

અને થોડા જ વખતમાં આઝાદ ફોજ સાથે જોડાઈ જાપાની બંધનથી મુક્તિ મેળવવાને યોગ ઊભો થયો. જાપાનીઓના શરણાગત બનીને નહિ, પરંતુ તેમને સમોવડિયા રહી તેમની સામે ઊભી શસ્ત્ર ધારણ કરી હિંદ ઉપર, બ્રિટનબંધન ધારી હિંદ ઉપર આક્રમણ કરી તેનાં બંધન તોડવા આગેકદમ ભરવાની યોજનામાં હું સામેલ થયો. એ તરવરાટ, એ થરકાટ, એ ઉત્સાહ, એ ઉન્માદ અકથ્ય હતાં. એ ઉન્માદમાં અમે શું શું કર્યું એનો ઈતિહાસ જ્યારે લખાય ત્યારે ખરો. એમાંથી બે સિદ્ધિઓ મને તો મળી : એક શસ્ત્રસજ્જતા અને બીજી સિદ્ધિ તે સંપૂર્ણ અભય. ગોળી, સંગીન ભાલા કે તલવારથી શત્રુને વીંધી નાખતાં મને જરા ય અરેકારો થતો નહિ; એ જ સામગ્રી સાથે દુશ્મન મારી સામે આવી મને વીંધી નાખે એનો સહેજ પણ ભય મને રહ્યો નહિ. મૃત્યુને હું તુચ્છકારી શક્યો. ગુજરાતી તરીકે મને એ મોટી સિદ્ધિ મળી.

હિંદમૈયાની આઝાદમૂર્તિ અમારા સહુના હૃદયમાં ઊડવા લાગી. પરંતુ એ મૂર્તિ સાથે સાથે નિરુપમાની મૂર્તિ મારા હૃદયમાં ઊગડતી હતી એ કેમ ભુલાય? જાપાનીઓએ મને નિરુપમાથી વિખૂટો પાડ્યો હતો; પરંતુ હિંદ અને જાપાન કાંઈ વેર હતું જ નહિ. બ્રિટન પ્રત્યે જાપાનીઓને વેર હતું, અને બ્રિટનના મહોરા તરીકે વાપરવા માટે જાપાને હિંદ ઉપર આક્રમણ ઈચ્છ્યું હતું, એમ વિચારતાં મારી વેરભાવના જાપાનીઓને બદલે બ્રિટિશ સત્તા પ્રત્યે દોરાઈ અને આમ હિંદની આઝાદી અને નિરુપમાનું મિલન બન્ને આદર્શો મારે મન એક બની ગયા.

આઝાદ ફોજનો અંતિમ અંક સહુ કોઈ જાણે છે. અમેરિકાના ઍટમ બૉમ્બે જાપાનની જડ ઉખાડી નાખવાને ભય ઉપજાવ્યો, અને આખા પૂર્વ એશિયામાંથી જાપાની સત્તા ઓટની માફક ઊતરી ગઈ. આઝાદ ફોજ અને એનાં શસ્ત્ર નિરર્થક બન્યાં.સુભાષબાબુનો દેહ અલોપ થઈ ગયો; અને અમે સૈનિકો બંદીવાન બન્યા – અને છૂટ્યા પણ ખરા. આઝાદી તો ન આવી; આઝાદીની આશા હતી એના કરતાં જ્વલંત બની. ગુજરાતી તરીકે મને એક સિદ્ધિ હાથ લાગી : યુદ્ધની આવડત, કહો કે શસ્ત્રની આવડત. શસ્ત્રથી વેગળા નાસતા ગુજરાતે શસ્ત્ર મેળવ્યું અને બીજી પ્રજા જેટલી જ યશસ્વી ઢબે વાપર્યું એટલું ભાન મને થયું.

એ સર્વ સંજોગોમાં એક મુખ મારી આંખ આગળથી દૂર થતું નહિ. હું ધસતો હોઉં કે નાસતો હોઉં, હું મારતો હોઉં કે મરવાની અણી ઉપર હોઉં, વૃક્ષ ઉપર ચઢ્યો હોઉં, ખોમાં બેઠો હોઉં કે પર્વતના શૃંગે ચોકી કરતો હોઉં, વિજાયોન્માદમાં સૈનિકો સાથે 'જયહિંદ' પોકારતો હોઉં કે કોઈ ગુફામાં એકલો સંતાયો હોઉં : એક મુખ મારી આંખ આગળ તર્યા જ કરતું હતું - એ નિરુપમાનું મુખ.

શા માટે એમ થતું હશે એ કોઈ પૂછશો નહિ. અને સામાન્ય સૈન્યોની માફક સૈનિકોની સ્ત્રીભૂખ પૂરી પાડવા માટે આઝાદ ફોજમાં વ્યવસ્થિત સાધન ન હતું; આવા વ્યક્તિગત પ્રયત્ન પ્રત્યે તિરસ્કારની ભાવના અમે કેળવી હતી. અને – એવાં વ્યવસ્થિત સાધનો હોત તો પણ એ મુખનો મોહ ઘટ્યો ન હોત એની આજ પણ મને ખાતરી છે.

કેદખાને મને એક ખબર મળી કે નિરુપમાં જીવે છે અને મારી રાહ જુએ છે ! જે સંજોગોમાં અમે છૂટ્યાં પડ્યાં હતાં એ સંજોગોએ નિરુપમાના જીવનની આસપાસ ભયંકર અનિશ્ચિત વાતાવરણ ઊભું કર્યું હતું. એને જાપાનીઝ સૈનિકોએ કેદ પકડી હશે? અને ...યુદ્ધમાં સ્ત્રીજાતિનું શું થાય છે એ હું જાણતો હતો. સતત સ્ત્રીને શોધતી સૈનિકોની બાવરી આંખોનો મને પરિચય હતો. યુદ્ધવીરો તરીકે પુજાતો એકેએક શસ્ત્રધારી નવરાશમાં કામાંધતાની જીવંત મૂર્તિ બની જતો. અને નિરુપમા જીવતી ન હોય તો? બંને વિચારો મને કંપાવી મૂકતા હતા !

એટલે નિરુપમાના સમાચાર હિંદની આઝાદીના સમાચાર સરખા જ મને પ્રિય લાગ્યા. અમને સહુને એમ લાગતું કે અમને કાં તો ફાંસી કે ગોળીબારથી દેહાંતદંડ મળશે. દેહાંતદંડમાં એક સુખ છે : અપરાધીની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવામાં આવે છે. મને જરૂર પૂછશે કે મારી છેલ્લી ઈચ્છા શી ? બેશક, નિરુપમાના મુખદર્શનની જ મને અંતિમ ઈચ્છા હોય ! નિરુપમાને નિહાળ્યા પછી હું સંપૂર્ણ સંતોષથી ફાંસીએ ચઢીશ કે ગોળીથી વધેરાઈશ ! બંદીખાનાનું જીવન આમ ઉત્સાહપ્રેરક નીવડ્યું.

પરંતુ મહાસભાની લડતને અંગે કે બ્રિટિશરોની ઉદારતાને પરિણામે ફાંસી કે ગોળીબારને સ્થાને અમને બંધનમુક્તિ મળી. પહેલામાં પહેલી ગાડી પકડી હું મારે ગામ અને મારે ઘેર પહોંચ્યો એ કહેવાની જરૂર ન જ હોય. અને પહેલી જ તકે હું નિરુપમાનું મુખ નિહાળીશ એ આશા અને ઉત્સાહમાં મારી લાંબી મુસાફરી સરળતાથી કપાઈ. સ્ટેશન આવતાં જ નિરુપમાને બદલે મેં એક વિરાટ ટોળું નિહાળ્યું : જેમાં મારા વડીલો, મિત્રો, ઓળખીતાઓ, બિનઓળખીતાઓ હું જોઈ શક્યો. હું એક વિજયી સેનાપતિનું માન પામતો હતો – વિજય મેળવ્યા વગર ! સંખ્યાબંધ ફૂલહાર મને થયાં; મારો જય પોકારાયો; મને નિહાળવા માટે ગજબ ભીડ જામી; છોકરીઓએ કંકુના ચાંદલા મને કર્યા અને સ્વયંસેવકોએ મને સલામી આપી; છબી પાડનારાઓએ ચારે પાસેથી મારી સામે કેમેરા તાક્યા, અને ભણતર ભૂલી વિદ્યાથીવિદ્યાર્થિનીનાં ટોળાંએ મારા હસ્તાક્ષર મેળવવા મોરચા રચ્યા. મને નવાઈ લાગી કે આ બધું મને શા માટે? મારા સરખા પરાજિતને આવું માન ન હોય. અને મને માન મળતું હોય તો માનની કિંમત અતિ સોંઘી ગણાય ! નેતાઓને મળતાં માનની પોકળતાનો મને ખ્યાલ આવ્યો, અને મને અપાતા માનથી દિલગીરી થઈ.

દિલગીરી થાય કે ન થાય; લોકભાવનાને વશ થવું જ જોઈએ ! સાથે સાથે એ પણ વિચાર આવ્યો કે આજે ફૂલહારથી ગળાને ભરી દેતી જનતા એટલી જ સહેલાઈથી ડોક ઉપર છરી પણ ફેરવે ખરી !

પરંતુ નિરુપમા ક્યાં? ઘેર ગયો ત્યાં પણ વધારે ઓળખીતાઓ અને નજીકનાં સગાંવહાલાંએ મને ઘેરી લીધો ! વાત પુછાય, સુખદુઃખના અનુભવના વર્ણનની માગણી થાય, એની એ વાત પુનરાવર્તિત બને અને છતાં મારી આંખ નિરુપમાને શોધતી જ રહે. ક્ષણભર નિરુપમાની રૂપવીજળી મારી આંખ સામે ઝબકી અદૃશ્ય થઈ. નિરુપમાએ પોતાનું માત્ર અસ્તિત્વ દર્શાવવા પૂરતો એ ઇશારો કરી લીધો, અને હું આખો દિવસ અને મધ્યરાત્રિ પર્યંત મારા હિતસ્વીઓ અને વખાણનારાઓની વચ્ચે બંદીવાન બની રહ્યો !

મને લાગ્યું કે મારે આજ ને આજ નિરુપમાને લઈ કોઈ અંગત જંગલ કે પહાડમાં ભાગી જવું જોઈએ !


રાતના એકનો ટકોરો થયો અને કોઈ ડાહ્યા વડીલે ભેગા થયેલા ટોળાને વિખેરી નાખ્યું. સ્નેહીઓનું ટોળું વિખરાતાં પણ કલાક કાઢી નાખે ! મને સહેજ એકાંત મળ્યું અને હું નાસીને મારા શયનગૃહમાં પહોંચી ગયો. મારું હૃદય ધબકી રહ્યું હતું. સસ્મિત નિરુપમા હિંચકે બેઠી હતી હતી. હું વર્ષો પછી નવીન દુનિયામાં આવ્યો હોઉં. નવીન જન્મ પામ્યો હોઉં, એવી લાગણી અનુભવતો અવાફ બેસી રહ્યો. અમે બંને શબ્દવિહીન ક્ષણો વિતાવતાં હતાં અને નિરુપમાનો રૂપેરી કંઠ રણક્યો : 'ફુરસદ મળી?'

'શું કરું ? લોકોને ખ્યાલ પણ આવતો નથી કે એકાંત ઝૂંટવી લેવામાં પાપ છે.' મેં કહ્યું.

'નેતાઓને એકાંત હોઈ શકે નહિ!' નિરુપમાએ કહ્યું.

'હું નેતા છું?'

'સમજાયું નહિ ? તે સિવાય આટલું માન મળે ?'

‘પણ મે કર્યું છે શું ?'

'દેશની આઝાદી માટે જીવનસમર્પણ કર્યું ને ?'

'કોણે કહ્યું?'

'બધાં વર્તમાનપત્રો કહે છે ને ! લોકો પણ કહે છે !'

'એ બધું હું ભૂલી જાઉં અને તું પણ ભૂલી જા. આપણે બન્ને સાદાં માનવી બની રહીએ.'

અને નિરુપમાની આંખ સહેજે ચમકી.

'શું હશે?' મને નિરુપમા સિવાય બીજું કાંઈ જ દેખાતું નહિ. મારી સૃષ્ટિ નિરુપમામય બની ગઈ હતી.

'કાંઈ નહિ.' નિરુપમાએ અચાનક કહ્યું અને એ હસી.

'પણ તું ચમકી કેમ?'

'તમારા જેવા મહાન સૈનિકની પાસે બેસતાં ગમે તેને ચમક થાય.’

'મહાન સૈનિક ! હું કેમ સૈનિક બન્યો એ...'

ફરી નિરુપમાં સહેજ ચમકી અને મને પણ તત્કાળ એની ચમકનું કારણ જડી આવ્યું. ઘુવડનો અપશુકનિયાળ બોલ ક્યાંકથી સંભળાતો હતો ! છાપરાને કોઈ ટોડલેથી એ ઘુઘવાટભર્યો ઉચ્ચાર આવવા લાગ્યો. મને પણ સહેજ અણગમો આવ્યો.

'એ તો ઘુવડ છે.' મેં કહ્યું.

'કેટલાય દિવસથી એ બોલે છે.'

'તને વહેમ આવે છે?'

'આવતો હતો — હવે નહિ.'

'શો વહેમ આવતો હતો ? '

'તમે પાસે ન હો ત્યારે તમારી જ ચિંતા થાય ને?'

'ઘુવડના બોલને ન ગણકારી હું આવ્યો...અરે ! એ બોલ્યા જ કરે છે શું? ' બહાદુરી બતાવવા હું જતો હતો એટલામાં ફરી ઘુવડ બોલ્યું.

આખો દિવસ ગામે હેરાન કર્યો; વર્ષો સુધી યુદ્ધે હેરાન કર્યો; થોડી ક્ષણો આજે મળી તેમાં હવે ઘુવડ જંપ લેવા દેતું નથી ! પરંતુ મારા જેવા મૃત્યુપ્રેમીને કોઈનો પણ ભય શા માટે ? ભારેમાં ભારે જોખમો સહી પાર ઊતરેલા મારા જેવાને ઘુવડનો ભય હોય જ નહિ, પરંતુ કંટાળો તો જરૂર લાગે !

'બોલવા દો એને. આપણે શું ? શરીર જરા સુકાયું, નહિ ?' નિરુપમાએ કહ્યું.

‘હવે તને જોઈશ, જોયા કરીશ એટલે મારું શરીર – ડૅમ ઈટ —આ ઘુવડને શું થયું છે? શા માટે એ બોલ્યા કરે છે? '

'છો બોલે ! આ દોરો રાખો. સાત વખત બોલે અને દર બોલે એક એક ગાંઠ વાળવી; પછી એ દોરો પાસે રાખે તેને કશા ય અપશુકન નડે નહિ.' નિરુપમાએ ઘુવડની બોલીમાં રહેલા અપશુકનનું નિવારણ બતાવ્યું.

'મને એવો વહેમ નથી. છતાં આજે તારું જ કહ્યું કરવું છે.' કહી મેં દોરો હાથમાં લીધો અને ઘુવડના બોલે બોલે એક એક ગ્રંથિ દોરા ઉપર વાળવા માંડી. વાતમાં અમે પરોવાયાં, છતાં મારું મન ઘુવડના ઉચ્ચારને ગણતું હતું અને ઉચ્ચારે ઉચ્ચારે એક એક ગ્રંથિ વધતી હતી. પાંચ સુધી ગણતરી થઈ અને ઘુવડનો ઉચ્ચાર લાંબા સમય સુધી સંભળાયો નહિ. દોરો અંતે આઘો મૂક્યો અને નિરુપામાનો હાથ મેં મારા હાથમાં લીધો.

પાછો ઘુવડનો સાદ સંભળાયો. એટલું જ નહિ, દૂરથી બીજી ઘુવડવાણીનો પડઘો પણ પડ્યો — જેનો જવાબ અમારી અગાશીમાંથી પાછો ઘુવડે આપ્યો.

મને ખૂબ રીસ ચઢી. કમબખ્ત ઘુવડ શા માટે અમારા એકાન્ત આનંદની વચ્ચે આવતું હતું ? સમગ્ર જગત શાન્ત બની અમારી ઊર્મિઓના મિલનની અનુકૂળતા કરી આપતું હતું તે વખતે એ શાન્તિને હલાવી નાખવાનો ઘુવડને શો હક્ક હતો?

આવી રીસ પાછળ ન્યાય હતો કે નહિ એ જુદી વાત છે. ઘુવડના બોલથી બીતો હતો કે કેમ એનો નિર્ણય જે થાય તે ખરો. પરંતુ ખરેખર મને એ પક્ષી ઉપર ક્રોધ ચઢ્યો ! કુદરતનાં તત્વો ઉપર આપણું સામ્રાજ્ય નથી જ. પંખીસૃષ્ટએ માનવીની આણ સ્વીકારી ગુલામીખત લખી આપ્યું નથી. છતાં માનવીનો રોષ માનવસૃષ્ટિ આગળ જ અટકતો નથી એ વિચિત્રતા હોવા છતાં સાચું છે !

'લાવ, અગાશીમાં જઈ હું એને ઉડાડી મૂકું.' કહી નિરુપમાનો હાથ મેં મૂકી દીધો. પરંતુ નિરુપમાએ મારો હાથ પકડી લીધો અને મને કહ્યું : ;આજે તો તમે મારું કહ્યું કરવાનું વચન આપ્યું છે, નહિ?'

'જરૂર' 'તો ઘુવડને કાંકરો કે પથરો મારશો નહિ.'

'કારણ ?'

'એમ કહેવાય છે કે એ કાંકરો ઘુવડ ચાંચમાં લઈ કૂવા કે તળાવમાં નાખે અને કાંકરો ગળતો જાય તેમ કાંકરો મારનારનું શરીર પણ ગળવા માંડે.'

અગાશીમાં જોરથી પાંખો ફફડી. હિંસક ઘુવડ બનતાં સુધી પાંખ ઉઘાડતાં જરા ય અવાજ થવા દેતું નથી. યુદ્ધસમયે જંગલોમાં દિવસે બાજ અને રાત્રે ઘુવડની ચર્યા ઘણી અનુભવી હતી; છતાં મને લાગ્યું કે ઘુવડ હવે ઊડી ગયું. નિરુપમાના હાથમાં મારો એક હાથ રહેવા દઈ બીજે હાથે મેં તેના સુંવાળા વાળને સ્પર્શ કર્યો, અને વેણીમાંથી નીચે પડેલા એક ફૂલને મેં ફરી વેણીમાં ગોઠવવા માંડ્યું. પ્રિયતમાની વેણીમાં ફૂલ ગૂંથવાની કલા મને સાધ્ય ન હતી. હું પ્રયત્ન કરતો હતો એવામાં જ ફરી ઘુવડનો ઘુઘવાટ સંભળાયો. મારા હાથમાનું ફૂલ પડી ગયું, અને એકાએક નિરુપમાનો હાથ છોડાવી હું ઊભો થયો, ખીંટીએ મૂકેલી મારા યુદ્ધજીવનના સ્મરણ–અવશેષ સમી બંદૂક મેં મારા હાથમાં લીધી અને કોઈ અપરિહાર્ય હિંસક ઊર્મિના મોજાથી ઘસડાઈ હું અગાશીમાં દોડી ગયો.

ગોળ અંગાર સરખી ચમકતી આંખોની આસપાસ એક જબરદસ્ત પક્ષીનો આકાર ઊઘડવા માંડ્યો. માનવીને જોતાં એ પક્ષીને કશો ભય લાગ્યો દેખાયો નહિ. તેણે ઊડી જવાનો પરિશ્રમ કર્યો નહિ. છાપરાની પાંખ નીચે ગૌરવપૂર્ણ અદાથી બેઠેલા એ પક્ષીએ લાલ આંખ વડે બેપરવાઈથી મારી સામે જોયું.

'હવે તારું આવી બન્યું. બોલજે ફરી ! ' કહી મેં બંદૂક તાકી. ફિલસૂફી શો નિસ્પૃહ અને નીડર પક્ષી ઘૂઘુ શબ્દોચ્ચારથી એ મૃત્યુવાહિની બંદૂકને હસી રહ્યો દેખાયો. ક્ષણમાં ગોળી છૂટી તેના ફૂરચા ઊડી જાત ! પરંતુ નિરુપમાનો કંઠ મારે કર્ણે પડ્યો અને એનો હાથ મારી બંદૂકને ખસેડી રહ્યો.

'રહેવા દો.'

'કેમ ?' મેં પૂછયું.

'બે ઘુવડ છે, એક નહિ.' નિરુપમાએ કહ્યું.

'હું બન્નેને મારીશ.'

'બે હોય તેમને તો મરાય જ નહિ !'

'શા માટે નહિ ?' મારી હિંસા તીવ્ર બનતી જતી હતી.

'પાપ લાગે.'

‘ભલે પાપ લાગે. હું આજે એ બન્નેને વીંધી નાખું છું.'

'રામાયણની શરૂઆત કેમ થઈ તે જાણો છો ?'

'તું એ ઘેલી થઈ કે શું ? રામાયણને અને ઘુવડ મારવાને શો સંબંધ ? '

'બેમાંથી એક ક્રૌંચને પક્ષીને મારતાં એવું રામાયણ રચાયું કે સીતા સદા વિયોગિની જ રહી.'

'પણ તું કહે છે શું ? સમજાય એવું તો બોલ?'

'એકે ક્રૌંચને માર્યું ન હોત તો રામસીતાની કથામાં વિયોગ આવત જ નહિ.'

નિરુપમા ઘેલી બનતી હતી કે કાંઈ ન સમજાય એવી ગૂઢ પયગંબરી વાણી બોલતી હતી તે મારાથી નક્કી થઈ શક્યું નહિ.

'ક્રૌંચને, રામસીતાને અને અપશુકનિયાળ પક્ષીના મૃત્યુને સંબંધ શો ? તારું મન ઠેકાણે છે ને ?'

'હા. તમારા કરતાં વધારે ઠેકાણે.'

'ચાલ, પેલા બે પક્ષીઓને ઠેકાણે કરી હું તને સુવાડી દઉં.'

'હું પક્ષીઓને મારવા નહિ દઉં.' આગળ નિરુપમા બોલી.

મને નિરુપમા ઉપર સહેજ ચીઢ ચઢી. મેં તેને જરા ખસેડી અને કહ્યું: 'શી આ ઘેલછા તને લાગી છે? ક્રૌંચ, ઘુવડ, રામ, સીતા એ બધું છે શું?'

'સમજ ન પડી ?'

'ના, જરા ય નહિ.'

'જોડ ભંગાય નહિ.'

'એટલે ?'

'ઓ મૂરખ ! જોડ શું એની ખબર નથી ? ' હસીને નિરુપમાએ કહ્યું.

'ના.'

'હું અને તું કોણ એ સમજાય છે?'

મારી બંદૂક ઉપરની પકડ હળવી બની ગઈ. હું સમજયો, છતાં નિરૂપમાને ચીડવવા ખાતર પૂછયું : 'હજી ન સમજાયું એમ કહું તો?'

'તો હવે એટલું જ કહેવું' બાકી રહ્યું કે એક ઘુવડ આજે યુદ્ધમાંથી તદ્દન જડ બનીને આવ્યો છે !'

મેં બંદૂક નીચે નાખી દીધી, અને નિરુપમાએ હાથમાં લઈ લીધી.

ઘુવડ પછીથી બોલ્યું જ નહિ; મારી ભરીભરી દ્રષ્ટિમાં એના બોલને માટે સ્થાન રહ્યું જ નહિ.