કાંચન અને ગેરુ/રખવાળ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ઘુવડ કાંચન અને ગેરુ
રખવાળ
રમણલાલ દેસાઈ
બાલહત્યા →


રખવાળ


'એકોહં બહુસ્યામ્' એ ઈશ્વરસંકલ્પની જાણે સાબિતી મળતી હોય એમ એક વ્યક્તિ યુદ્ધ અને યુદ્ધ પછીના યુગમાં 'જુજવે રૂપે અનંત' સ્વરૂપ ધારણ કરી ડગલે ને પગલે આપણી નજર સામે આવ્યા કરે છે.

કઈ વ્યક્તિ?

કાંઈ પણ મિલકત હતી નહિ; એમાંથી નહિ નહિ તો ય બે પાંચ લાખની માલિકી એ વ્યક્તિની થાય જ થાય એ સહેજ વાત છે ! અને એકાદ લાખ હોય તેમાંથી પંદર-પચીસ લાખ કરનાર વ્યક્તિ મળવી એ પણ એટલું જ સહજ ! એ વ્યક્તિને ઓળખી? યુદ્ધે દુનિયાનું જે સારું બૂરું કર્યું હોય એ યુદ્ધ જાણે. એણે હિંદના વ્યાપારીને તો ફાલ્યોફૂલ્યો રાખ્યો છે. 'મરી ગયો, મરી ગયો'ની બૂમ મારતો મારતે એણે કૈંક ડૂબતા ધંધાઓને તાર્યા, તળિયાં દેખાતી કૈંક તિજોરીઓને છલોછલ ભરી દીધી અને કૈંક ઘરના બંગલા જ માત્ર નહિ, પણ મહેલ બનાવી દીધા ! ચીજભાવ નહોતી મળતી એમ સારી આલમમાં ઢંઢેરો પિટાયા છતાં ! એ વ્યક્તિને નામ શું આપી શકાય ? અણગમતાં થઈ પડેલાં જૂનાં નામ પણ એને આપી શકાય અને નવી નક્કર નવલકથાના નાયકને શોભે એવું નામ પણ આપી શકાય. જૂના નવા બન્ને તફાને ઘટતું, ગમે એવું નામ આપણે એને આપી શકીએ અને એ મારવાડી સ્વાંગ ધારણ કરે તો આપણે એને કિશોરીમલ કહીએ, એ ગુજરાતી સ્વાંગ ધારણ કરે તો કિશોરલાલ કહીએ અને એ મદ્રાસી બની જાય તો એને કિશોરીરંગમ ચેટ્ટી કહીએ ! નરસિંહ મહેતાની ભાષામાં એ ત્રણેને “એક તું ! એક તું ! એમ કહેવું !'

આપણે માટે ગુજરાતી કિશોરલાલ બસ થઈ પડશે. એ વ્યક્તિનું શુભ નામ કિશોરલાલ. યુદ્ધ પહેલાં એમને કિશોર કાંધિયો કે કિશોર ખાંધિયો સહુ કહેતાં. કાંધા કરવાના શોખને લીધે કે કોઈના પણ ઉપયોગી ખાંધિયા થઈ પડવાને લીધે એ અટક પડી ગઈ હોય ! એમની જાત મહેનતનાં વખાણ તરીકે પણ તેમને ખાંધિયા કહેતા હોય એવો પણ એક મત છે. ખાંધે ગાંસડી ઉપાડતાં એમને જરા ય શરમ આવતી નહિ – એક વખતે !

તો હવે એમને કિશોરલાલ 'કસુમ્બી' તરીકે સંબોધવામાં આવે છે. કસુમ્બો પીવાનો ચાલ હવે લગભગ બંધ થઈ ગયો છે. એટલે અફીણના વ્યસનને અને એ અટકને કશો સંબંધ ન જ હોય એમ ન્યાયને ખાતર આપણે કહેવું જોઈએ. છતાં આંખનો કસુમ્બી રંગ આપવા માટે કસુમ્બો જ પીવો એવો કાંઈ નિયમ નથી. જેમ જેમ કિશોરલાલે ધનિકતામાં આગળ પગલાં ભરવા માંડ્યાં, તેમ તેમ તેમની આંખે કસુમ્બલ રંગ ધારણ કરવા માંડ્યો એમ પણ એક અભિપ્રાય છે. હડહડતા વૈષ્ણવ તરીકે પોતાને ઓળખાવી ચૂકેલા કિશોરલાલ કેટલા ય ગૃહસ્થોને 'બાર' અને 'હોટેલ'માં મળેલા એમ એક કથની છે પણ ખરી. નૂતન ધનને, સંસ્કારને અને નૂતન વિદ્યાને મદ્યમાંસ સાથે ગાઢ સંપર્ક બંધાતો જાય છે એ સત્યને હવે પુરાવાની જરૂર નથી જ. નૂતન ધન એવા કોઈ સંપર્કદ્વારા કિશોરલાલની આંખને રતાશ આપે એમાં કાંઈ નવાઈ નથી. વધારામાં એકાદ જૂના ગીતનો પણ ઉલ્લેખ એમની અટક સંબંધમાં થતો :

કહાં જગે સારી રેન ?
નયનાં કસુમ્બી રંગ હો ગયે !

કિશોરલાલને ઘણાં જાગરણ થતાં હતાં માટે એમની આંખે કસુમ્બી રંગ ધારણ કર્યો હોય ! ક્યાં અને શા માટે જાગરણ થતાં એ હવે ક્લબમાં જઈ નાચતી ગુજરાતણોના યુગમાં પૂછવાની જરૂર નથી. ક્લબ સિવાય, દેવમંદિર સિવાય પણ ઉજાગરા માટે સર્જનજૂનાં સ્થાન નિર્માણ થઈ ચૂકેલાં છે. કિશોરલાલના ઉજાગરાનું કારણ કોઈએ ચોક્કસ કર્યું નથી. પરંતુ નવિન ધન ધનિકોને જાગરણ માટે ઠીકઠીક સ્થાનો આપે છે એની ના પડાય એમ નથી – એકેએક શહેરમાં !

સાચામાં સાચું કારણ તેમનો રંગવ્યાપાર પણ હોય. અનેક ધંધાઓમાં રંગનો અને તે રાતા રંગનો ધંધો પણ કરતા હતા એ કારણે તેમને કસુમ્બી અટક મળી હોય એમ પણ બની શકે. કિશોરલાલ પોતે પણ પોતાને 'કિશોર કસુમ્બી' તરીકે જ ઓળખાવતા. પોતાનાં વિઝિટિંગ કાર્ડ ઉપર પણ એ જ નામ છપાવતા અને પોતાના મકાન-બંગલાને દરવાજે પણ 'કિશોર કસુમ્બી'નું જ નાનકડું, રૂપાળું પાટિયું લગાડી એ નામ તેમણે ક્યારનું સ્વીકારી લીધું હતું. ધનિક જગતમાં કિશોર કસુમ્બીનું નામ સુપ્રસિદ્ધ હતું; ઘણી કંપનીઓના ડાયરેક્ટર તરીકે તેમના નામની માગણી થતી; ઘણી ઘણી સભાઓમાં તેમને આમંત્રણ મળતાં; અને ગરીબ જનતાનાં દુઃખ ટાળવા માટેની સરકારી બિનસરકારી મંત્રણાઓમાં આ તવંગરની સલાહ બહુ ઉપયોગી ગણાતી હતી. ગરીબો માટે બે આંસુ ટપકાવી ગદ્દગદ કંઠે તેમનાં દુઃખે દુઃખી થવાની ગાંધીદીધી લઢણ તેમને હાથ ચઢી ગઈ હતી. આમ યુદ્ધયુગે દીધેલી વ્યક્તિ તે આ કિશોરલાલ કુસુમ્બી.

કિશોરલાલનાં પહેલાં પત્ની ગુજરી ગયાં હતાં. ગુજરાતી ગૃહિણીઓને પહેલી પત્ની કરી કે ગુજરી જવાની ભારે આદત લાગે છે. કદાચ એવા કોઈ વહેમને વશ થઈને જ આજની ભણેલી યુવતીઓ બહુ પત્નીત્વ, અરે, લગ્ન વિરુદ્ધનાં લાંબાં સંભાષણો કરી બીજી પત્ની તરીકે બહુ સરળતાપૂર્વક કોઈ પતિને ઘેર પેસી જાય છે – પહેલી પત્નીના ગુજરવાની રાહ પણ જોયા વગર. પરંતુ કિશોરલાલ પોતાની પહેલી પત્ની ગુજરી ગયા પછી જ – તે બદલ પોતાનું દુઃખ પ્રદર્શિત કર્યા પછી જ – બીજાઓના આગ્રહને વશ થઈ – ફરી વાર પરણ્યા હતા. તેમનાં નવીન પત્ની રૂપાળાં હતાં. પુરુષને ઘણું ખરું સ્ત્રી રૂપાળી જ લાગે છે ! પત્નીનું નામ મહાકોર હતું તે બદલી કિશોરલાલે એ નામ મહાશ્વેતા બનાવી દીધું –મહાશ્વેતા કાદંબરીનું નાટક જોયા પછી એ નામ કે એ પાત્ર ગમી ગયું હોય એ કારણે !

રૂપાળાં મહાશ્વેતા ધનિક કિશોરલાલનાં પત્ની બની ગયાં એટલે રૂપમાં વધારો કરવાના સાધનો પણ તેમને સારા પ્રમાણમાં મળી રહ્યાં. રૂપ વધારવાનું જ્ઞાન પણ ક્રમે ક્રમે વધે છે. અને જેમ જેમ વય વધતી આવે છે તેમ તેમ એ જ્ઞાનનો ઉપયોગ પણ વધતો જ ચાલે છે. મહાશ્વેતા સહુનું ધ્યાન ખેંચાય એવા રૂપાળાં બનતાં ગયાં. તેમનો પહેરવેશ, તેમનાં આભૂષણ, તેમનું ચાપલ્ય અને તેમની છટા એવાં તો આંખે ઊડીને વળગે એવાં બની ગયાં કે બે 'બાબા' અને બે 'બેબી' નું માતૃત્વ અત્યંત ઝડપથી પ્રાપ્ત કર્યા પછી પણ તેઓ મેઘધનુષ્યવીંટી ચંદ્રિ સરખાં જ ઘરમાં તેમ જ બહાર લાગ્યા કરતાં. અલબત્ત તેમને સાદાઈ માટે ભારે પક્ષપાત હતો, અને તેથી તેઓ પોતે અત્યંત સાદા રહે છે એમ સર્વદા જાહેર કરતાં. કિશોરલાલ અને મહાશ્વેતા સુખી જીવન ગાળતાં હતાં. મહાશ્વેતાને કિશોરલાલ સરખા સફળ ધનિક પતિ પ્રત્યે ઘણું ભારે માન હતું. મહાશ્વેતા સરખી રૂપવંતી પત્ની માટે કિશોરલાલના હૃદયમાં ઘણો પ્રેમ હોવા છતાં સમયના વહન સાથે એના પ્રદર્શનનું સ્વરૂપ બદલાયા કરે એ સાહજિક છે. શેઠ લાખ રૂપિયાની ધાપ જ્યારે જ્યારે મારી લાવે ત્યારે ત્યારે પત્નીએ તેમને માનપત્ર આપવું જ આપવું એમ કાંઈ બને નહિ. પત્ની જ્યારે જયારે નવરંગ વસ્ત્ર કે નવરત્નનાં આભૂષણ ધારણ કરે ત્યારે આખી સૃષ્ટિની ગતિ બંધ રાખી પતિ વસ્ત્રાભૂષણ નિહાળ્યા જ કરે એમ કાંઈ બને નહિ.

'આજે તેજીને સિતારો ચઢતો હતો.' કિશોરલાલ જમતાં જમતાં કદી મહાશ્વેતાને કહેતા.

નવી વીંટીના હીરાની ચમક નિહાળતાં મહાશ્વેતા પતિ સામે જોયા વગર કહેતાં : 'એમ કે ?'

'પણ તું સમજી ખરી કે તેજીએ આપણને શું આપ્યું તે?'

'શું આપ્યું ?' નવાં લૂગડાંઘરેણાં માટે નવું સાધન ઊભું થયાના ઉત્સાહમાં મહાશ્વેતાએ પતિ સામે જોયું.

'પચાસ હજાર રોકડા.'

'એમ? તો હું નવું બ્લાઉઝ પહેરું અને આપણે સિનેમા જોઈ આવીએ.' રસપૂર્વક મહાશ્વેતાએ કહ્યું.

'શું તને પણ સિનેમા જોવાનો શોખ છે? આજ તો એકે સારું ચિત્ર નથી.' કિશોરલાલે કંટાળીને કહ્યું. તેમને સિનેમા જેવી ચળ વસ્તુ કરતાં વધારે ધન કાર્ય કરવાનું હતું.

'જેવું હોય તેવું ખરું...' પત્નીનો ઉત્સાહ વધ્યે જતો હતો.

'અરે, મારામારીનાં ચિત્ર જ બધે છે.' પતિએ ઉત્સાહ ઠંડો પાડવા કહ્યું.

'તમને ખબર નથી ! તો મારામારીનાં ચિત્રો સિવાય બીજાં ચિત્રો ગમતાં જ નથી ! બહુ મઝા આવે છે...' 'શી નાનાં છોકરાં જેવી વાત કરે છે?'

‘હું સાચું કહું છું.'

'તો તું એકલી જા ને આજે? મારે છેલ્લી ટપાલ લખવી છે.'

પત્ની એકલી જતી પણ ખરી અને કિશોરલાલ ટપાલ લખતા પણ ખરા. પરંતુ ટપાલ લખ્યા પછી તેઓ પણ બહાર નીકળી જતા–ક્યાં તે કહેવાની જરૂર નથી ! બન્ને રાત્રે પાછા આવી સૂતાં ત્યારે તેઓ એકમેકને ઓળખતાં પણ ન હતાં ! મહાશ્વેતાની કલ્પનામાં મારામારી કરતાં મજબૂત ગુંડાઓ અને વીરો રમ્યા કરતા; કિશોરલાલની કલ્પનામાં દારૂ પી મસ્તીએ ચઢેલી ગોરીકાળી વારાંગના અને ટેલીફોનમાં ‘આપ્યા લીધા’ના ઉચ્ચારણની ભ્રમણા, રમ્યા કરતાં.

સવારમાં ચા પીતાં પીતાં કિશોરલાલ હસતાં હસતાં સિનેમાની કથાની વિગત મહાશ્વેતા પાસે માગતા.

'શી ઘોડેસવારની ઝડપ ! પેલીને ઊંચકી. બદમાશો સંતાડે તે પહેલાં તો મારતે ઘોડે આવી એણે એને બચાવી...પછી બન્ને વચ્ચે પ્રેમ થાય જ ને?... હાં તમને ઘોડે બેસતાં આવડે ખરું કે ?' મહાશ્વેતા પૂછતી.

'આ મોટરકારના યુગમાં તે કોઈ ઘોડે બેસે ખરું? ' કિશોરલાલ પ્રશ્નની હાંસી કરતા.

'કેમ? શરતના ઘોડા માટે તો આપણે કૈંક વાર ગયાં છીએ ! કેવું સરસ પેલા જોકી બેસે છે !'

'એ તો ધંધાદારી.'

'ક્યો ધંધો સારો ?'

'કોઈ ધનવાન શ્રેષ્ઠીની પત્ની બનવાનો !' કિશોરલાલ કોઈ કોઈ વાર ચબરાકીભરી મશ્કરી કરી શકતા હતા. મહાશ્વેતાનું સ્ત્રીહૃદય ઘવાયું. એમણે કશો ય જવાબ ન આપ્યો. પોતે પતિને પૈસે સુખ-સગવડ ભોગવે છે એનું પોતાની જાતને ઉતારી પાડતું ભાન પણે તેમને થઈ આવ્યું. બદલામાં તેમના ગૃહને તેઓ શોભાવતાં હતાં... પણ એ તો ગમે તે સ્ત્રી કિશોરલાલની પત્ની થઈને આવી હોત તો શોભાવી શકત !

અને... કિશોરલાલે પણ આ બાહ્ય સુખસગવડ સિવાય મહાશ્વેતાના કયા હૃદયવિભાગને પૂર્ણ સંતોષ આપ્યો હતો? તેના સ્ત્રીત્વને સંતુષ્ટ કરે એવું કિશોરલાલમાં શું હતું? બળ? વીરત્વ? સંસ્કાર...?

'ખોટું લાગ્યું ?' કિશોરલાલે મહાશ્વેતાને મનાવવા માંડ્યાં.

'ના, ના, તમારી ઉપર ખોટું લગાડાય ?' પત્ની તરીકેનું સતીત્વ અને અન્નદાતા પ્રત્યેના ઉપકારને પ્રગટ કરતાં મહાશ્વેતાએ જવાબ વાળ્યો. પરંતુ તેમની નજર બહાર બંદૂક સાથે ઉભેલા ઊંચા પડછંદ રખવાળ ઉપર પડી. આખી સૃષ્ઠિનો એ માલિક હોય એવા રૂઆબથી ઊભેલા એ પરદેશીમાં કાંઈક એવું હતું જે કિશોરલાલની આખી ધનદોલતમાં કે એના દેહમાં ન હતું. ખાતરી કરવા મહાશ્વેતાએ કિશોરલાલ તરફ જોયું.

મહાશ્વેતા મનાઈ એમ ધારી કિશોરલાલ હસ્યા. એમના હાસ્યમાં મહાશ્વેતાને કમકમી આવે એવું કાંઈ લાગ્યું. કિશોરલાલ ધનિક હતા; પરંતુ એમનું પુરુષત્વ ધનના ઢગલા નીચે કચરાઈ છુંદાઈ ગયેલું લાગ્યું. પહેલાં કિશોરલાલ મોડા વહેલા આવે, ભાન સહિત કે ભાન રહિત આવે, પોતાની સાથે બોલે અગર ને બોલે એનું ભારે મહત્ત્વ મહાશ્વેતાને હતું. આજથી – પ્રચંડ રખવાળનો દેહ દીઠા પછી – મહાશ્વેતાને લાગ્યું કે કિશોરલાલ જેવો પુરુષ એના જીવનમાં હવે નિરર્થક ઉપસ્કર જેવો છે ! પતિ હોય તોપણ !

એને પૌરુષ પોશાકનાં સ્વપ્ન આવવા લાગ્યાં – જાગતાં અને સૂતાં. પોલિસ, સૈનિક, ગાર્ડ, શૉફર, સ્વયંસેવક : આંખે ઊડીને વળગે એવા પોશાક પહેરનાર તરફ તેની આંખ ખેંચાયા કરતી હતી. કિશોરલાલને એણે પોતાનો અણગમો જરા ય જણાવા દીધો નહિ. કિશોરલાલને પણ એનું ધન અને ધનમાંથી મળતો શોખ એટલા પૂરતાં થઈ પડતાં કે પત્નીના હૃદયમાં ઊપજેલ અણગમો ઓળખવાની તેમને ફુરસદ પણ ન હતી. એક દિવસ તેમણે આવી મહાશ્વેતાને એક પાકીટ, આપ્યું.

'ધાર, શું હશે?' કિશોરલાલે પૂછ્યું.

બન્ને મળતાં ત્યારે પ્રેમી બનવા મથતાં ખરાં !

'શેર સર્ટિફિકેટનો થોકડો.' મહાશ્વેતાએ કહ્યું.

'તું એમ જ ધારે છે કે મને વ્યાપાર વગર બીજો રસ જ નથી, ખરું ?'

'એમ નહિ. ક્લબનો તમને ક્યાં શોખ નથી ? સંગીત પણ..'

'મને કલાનો પણ શોખ છે.'

'તો કોઈનાં ચિત્ર ખરીદી લાવ્યા હશો.?'

'જો તો ખરી, કોનું ચિત્ર છે તે !'

મહાશ્વેતાએ પાકીટ ખોલી નાખ્યું. એણે ધાર્યું હતું કે કોઈ પૂર્વ— પશ્ચિમના ચિત્રકારની એ કલ્પનાપ્રેરક કૃતિ હશે — અલબત્ત, અર્ધનગ્ન યુવતીની આસપાસ દોરેલી ! તેને બદલે એણે કિશોરલાલની આછા સ્મિતવાળી છબી નિહાળી.

તેની આંખ છબી નિહાળી ઘેલી ન બની. સ્મિતભર્યા કિશોરલાલના મુખ ઉપર વેવલાશ છવાયેલી દેખાઈ !

'આ છબી સારી છે... પણ...તમે લશ્કરી પોશાકમાં છબી ન પડાવો ? ' મહાશ્વેતાએ પૂછ્યું. 'લશ્કરી પોશાકમાં? તને આ ઉંમરે આવી ઘેલછા ક્યાંથી ઊપડી છે?' કિશોરલાલનાં બીજાં પત્ની તરીકે પણ મહાશ્વેતાની ઉંમર હવે છેક નાની ન હતી; જો કે પચાસ ઉપર પહોંચી ગયેલા દેખાતા ગુજરાતી ધનિકને લશ્કરી પોશાક પહેરવા કહેવું એમાં જરૂર ઘેલછા રહેલી છે ખરી ! ગુજરાતી ધનિક નેતાને તો પચીસ વર્ષે પણ લશ્કરી લેબાસ ભારે જ પડે !

'હું પણ છબી પાડતાં શીખું.' મહાશ્વેતાએ કહ્યું.

નાનાં બાળકોની વિચિત્ર માગણી સાંભળી ઠરેલ પુરુષોને હસવું આવે એમ મહાશ્વેતાની માગણી સાંભળી કિશોરલાલ હસ્યા. પરંતુ જોતજોતામાં એક સારો કૅમેરા અને શીખવનારો ફોટોગ્રાફર આવી પહોંચ્યા.

એટલું જ નહિ, બુશકોટ અને પાટલૂન સાથેની કિશોરલાલની એક છબી પણ આવી પહોંચી. પરંતુ બુશકોટમાંથી ઠેકઠેકાણે બહાર પડી આવતી કિશોરલાલની સ્થૂળતાને છબી પાડનાર કલાકાર બહુ ઢાંકી શક્યો નહિ.

છબીઓનો ખર્ચ વધવા માંડ્યો. બાળકોની, ઘરની, બગીચાની, ઓરડાની, નોકરોની એમ સારી ખોટી છબીઓના ઢગલા મહાશ્વેતાના મેજ ઉપર થવા લાગ્યા. પરંતુ એ ઢગલામાંથી ચૂંટાયલી આલ્બમ લાયક બની આલ્બમમાં ગોઠવાયેલી છબીઓમાં સૈનિક સરખો પહેરવેશ ધારણ કરતા ઘરના રખવાળની છબી પણ હતી !

એક દિવસ આલબમ કિશોરલાલની નજરે ચઢી ગયું ! પહેરાવાળા પઠાણની જુદી જુદી બીજી છબીઓ પણ મોટા પ્રમાણમાં દેખાઈ. મહાશ્વેતા ક્યારે, શા માટે આવી છબીઓ પાડતી હતી ? લશ્કરી પોશાકના આકર્ષણની પાછળ બીજું કાંઈ આકર્ષણ જાગૃત થાય તો?—અરે, થઈ ચૂક્યું હોય તો ?

ગ્રહ અને ગૃહિણી બદલની ગંભીર વિચારણા તેમને તે દિવસથી શરૂ થઈ. પતિ ફાવે તે કરે પરંતુ પત્ની તો સતી તરીકે જ રહે એવી ધનિક પતિઓની શ્રદ્ધા બહુ ઈચ્છનીય હશે, પરંતુ તે સાચી ન પણ પડે એવી શંકા કિશોરલાલને ત્યારથી ઊપજી,

થોડા જ દિવસમાં એક અવનવો બનવા બન્યો. દરવાજા ઉપર એક પહેરાવાળાને સ્થાને બે પહેરાવાળા દેખાયા ! મહાશ્વેતાની બન્ને આંખ ભરાઈ ! હસતાં હસતાં મહાશ્વેતાએ કિશોરલાલને પૂછ્યું; 'પહેરાવાળો બીજો રાખ્યો કે શું?'

'હા, અત્યારના સંજોગો એવા છે.'

'એવા છે એટલે ?' સહજ તીક્ષ્ણ આંખ કરી મહાશ્વેતાએ પૂછ્યું.

'તું વાંચતી નથી આ હિંદુ-મુસલમાનના આટલા ઝઘડા ચાલે છે તે ?'

'ઝઘડો આપણા ભણી નથી, અને ધારો કે ઝઘડો અહીં આવ્યો તો બે પઠાણો શું કરી શકશે?'

'બન્ને પઠાણ નથી. બીજો તો શીખ રાખ્યો છે.'

'એથી લાભ શો ! '

'પઠાણ શીખ ઉપર નજર રાખે અને શીખ પઠાણ ઉપર નજર રાખે. આપણે હિંદુ છીએ એટલે વધારે ડર મુસલમાનોનો.'

'તો પઠાણને રજા આપી દો.'

મહાશ્વેતાને નવો આવેલ શીખ વધારે ગમી ગયો હશે શું ? કિશોરલાલના હૃદયમાં ધબકારો થયો. તેમણે જવાબ આપ્યો: એકદમ તો શું રજા અપાય? વર્ષોનો જાણીતો માણસ છે ! એને અત્યારના સંજોગોમાં છૂટા કરીએ અને વખતે એ જ મુસ્લિમ પઠાણ ગુંડાઓને આ બાજુ દોરે તો શું કરુવું ?'

'આપણા ઘરમાં પુરુષો તો જોઈએ એટલા છે ! નોકર, રસોઈયા, ગુમાસ્તા, કારકુન, તમારા સગાંવહાલાં અને તમે ! પછી ગુંડાઓ શું કરે?'

'એમને કાંઈ ઓછા હથિયાર વાપરતાં આવડે છે? બાપ જન્મારે પણ જેમણે મારામારી જોઈ ન હોય, એ આવે વખતે શું કરી શકે ?'

'વખતે મારા ઉપર જ હુમલો થયો તો?' મહાશ્વેતાએ આછા તિરસ્કારથી પૂછ્યું.

'અરે શી વાત કરે છે ! આખા પંજાબના શીખોને ભાડે લાવી ઊભા કરી દઉં !' કિશોરલાલે બહાદુરી બતાવી.

'હું તો એમ પૂછું છું કે તે વખતે તમે શું કરો ?' વધતા જતા તિરસ્કારથી મહાશ્વેતાએ પૂછ્યું.

'જો, બતાવું હું શું કરું તે?' કહી ઉંમરના પ્રમાણમાં વિચિત્ર લાગવા છતાં ઉગ્ર વાસનાએ પ્રેરાઈ કિશોરલાલે મહાશ્વેતાને પાસે ખેચી તેના ગાલ સાથે પોતાના ગાલ અડાડ્યા.

હિમટુકડા સરખી સ્થિર મહાશ્વેતાનું હૃદય તિરસ્કારથી યે પર બની ગયું ! એ ક્ષણથી તેનો દેહ જડ પથ્થરનો બની ગયો - કિશોરલાલ માટે !

એ પથ્થરમાં આગ લાગી હતી, જેણે હૃદયમાંના રહ્યાસહ્યા પતિને બાળી ભમ કરી નાખ્યો !

બળી રહેલા પતિએ એક દિવસ શું નિહાળ્યું ?

મહાશ્વેતા બેમાંથી એક રખવાળની છબી પાડતાં પાડતાં તેની બહુ નજીક આવી ગઈ ! બગીચામાં ઘરને અડીને આવેલા એક ખૂણા ઉપર છબી લેવાની મહાશ્વેતાને ટેવ પડી ગઈ હતી. કિશોરલાલ છુપાઈને તે બાજુએ ધસ્યા.

'બાઈસાહેબ ! આપની બહુ મહેરબા છેની ! આપ બહુ... નજીક... આવી જાઓ છો.’ મર્દાનગીભર્યો પરંતુ વિનયશીલ સાદ કિશોરલાલે સાંભળ્યો.

'એમાં શી હરકત છે?' મહાશ્વેતાનો પ્રશ્ન સંભળાયો. 'કોઈ દેખશે.' નીતિને ભારેમાં ભારે ડર કોઈ દેખે એનો હોય છે !

'કોઈ કોણ?'

'શેઠસાહેબ ઘરમાં છે, અને...'

'અંહ !' કહી મહાશ્વેતાએ મુખ મચકોડ્યું. મહાશ્વેતાનો બેપરવાઈ ભર્યો મુખમચકોડ પણ કિશોરલાલની નજરે ચઢી ગયો. તેઓ ઝડપથી પાછા ફર્યા. મહાશ્વેતા અને રખવાળને કદાચ તેની ખબર પણ પડી હોય !

એ કયો રખવાળ હતો ?

પરંતુ એમાંથી કોઈને પણ આજના સંજોગોમાં કઢાય શી રીતે ?

'બાબાને હું જરૂર અખાડામાં કસરત કરવા મોકલીશ.' ગુસ્સે થયેલા કિશોરલાલ દીવાનખાનામાં આવી બબડ્યા અને તેમણે એક છાપું હાથમાં લીધું. છાપામાં મોટા અક્ષરે તેમણે વાંચ્યું :

[૧]
'કાનમના ખેડૂતોની જેહાદ...

વર્ષોથી સીમની રખવાળી કરતા સિંધીઓને દૂર કરવાની

સરકારની શયતાનિયતભરી તરકીબ'

કિશોરલાલની આંખ થિર બની ગઈ !

ગુજરાતના બે કમાઉ પુત્રો : એક વ્યાપારી અને બીજો ખેડૂત. એકના ઘરમાં પઠાણ અને બીજાના ઘરમાં સિંધી !

એટલેથી બસ ન થયું હોય તેમ શીખ અને ગુરખાની જમાત પણ ગુજરાતના ધનિકો ખેંચી લાવે છે !

જેની રખવાળી એનું રાજ્ય ! રાજ્યકર્તા કયી કયી ભેટ નહિ માગે ? અને....વગર માગ્યે પણ એને કઈ ભેટ નહિ મળે?


  1. પાકની રખેવાળી કરવા સિંધી મુસલમાનો રાખવાનો વહીવટ કાનમ પ્રદેશમાં જાણીતો છે સિંધીઓને રંજાડ વધતાં તેમને દૂર કરવા સરકારે કરેલા પ્રયત્ન ખેડૂતવર્ગને ગમ્યા ન હતા.