કાંચન અને ગેરુ/બાલહત્યા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← રખવાળ કાંચન અને ગેરુ
બાલહત્યા
રમણલાલ દેસાઈ
ઝેરનો કટોરો →બાલહત્યા


દવાખાનામાં ભારે ઉશ્કેરાટ ફેલાઈ ગયો. નર્સો રૂપાળી રૂપાળી દેખાવાનો પ્રયત્ન ચાલુ રાખીને પણ દોડધામ કરતી હતી. સ્ત્રી ડૉક્ટરો સાથે પુરુષો ડૉક્ટરો પણ આવતા જતા અને ગંભીરતાપૂર્વક ચર્ચા કરતા દેખાતા હતા. દર્દીઓનાં ટોળાં પણ, પાટાપટ્ટી બાંધેલાં હોવા છતાં અવરજવર કરી ટોળે વળતાં હતાં. દવાખાનામાં આવેલા અલગ પ્રસૂતિવિભાગમાં કોઈ અણકલ્પ્યો બનાવ બની ગયો હોય એમ લાગતું હતું. બાલજન્મનો પ્રસંગ નિત્ય પ્રસંગ ગણાય. બાલમરણ પણ છેક અજાણ્યું તો નહિ જ. કદી નૂતન માતાની ગંભીર સ્થિતિ કે મૃત્યુ માણસોને આકર્ષે એ સાચું. પરંતુ કોઈ દેવ કે દાનવના જન્મની જાહેરાત થઈ હોય એવો દેખાવ ત્યાં થઈ રહ્યો તેમ પણ નહિ ! દેવજન્મમાં આવી ગંભીરતા ન હોય; એમાં ઉત્સાહ હોય !

થોડી વારે પોલીસ અમલદાર અને સિપાઈઓ પણ આવી પહોંચ્યા.

કોઈ બાળકની ફેરબદલી થઈ ? કોઈ ધનિકનું બાળક ચોરાઈ ગયું ?

દ્વાર પાસે જ દવાખાનાના મુખ્ય ડૉકટર અને પ્રસૂતિવિભાગનાં સ્ત્રી ડોકટર પોલીસ અમલદારને મળ્યાં. ટોળાબંધ ભેગાં થતાં માણસને તેમણે દૂર ખસેડ્યાં અને ત્રણે અંદરના એક ઓરડામાં ગયાં. તરતનું જન્મેલું પરંતુ નિર્જીવ બનેલું એક બાળક એક સ્થળે મૂકેલું દેખાયું. એક યુવતી ખાટલામાં પડી રહી હતી. એની નિર્બળતાનો પાર ન હતો, છતાં એનું મુખ અને એની આંખ કાઈ ભયંકરતાથી ભરેલાં દેખાતાં હતાં. પોલીસ અમલદારને પણ પાસે જતાં સહજ વિચાર આવ્યો. સુંદર સ્ત્રી ભયંકર બને છે ત્યારે ભલભલા યોદ્ધાઓ પણ સંભાળપૂર્વક તેની પાસે જાય છે. યુવતીએ બન્ને ડોકટર તથા પોલીસ અમલદાર તરફ અશક્તિભરી આંખે જોયું અને તે ફિક્કું હસી. એ હાસ્યમાં પણ ભયાનકતા હતી !

'બાઈ ! આ પોલીસ અમલદાર તમને મળવા આવ્યા છે.' સ્ત્રી ડોકટરે અત્યંત નરમાશથી કહ્યું.

'મારે કોઈનું કામ નથી... હવે તમારું પણ નહિ.' સ્ત્રીએ સૂતે સૂતે જવાબ આપ્યો.

'આ બાળક...'

પરંતુ પોલીસ અમલદારને આગળ બોલતો અટકાવી પેલી સ્ત્રીએ શરીર સહન ન કરે એવા બળથી કહ્યું : 'હજી એ બાળકને અહીં રાખ્યું છે? લઈ જાઓ. લઈ જાઓ. નહિ તો...' અશક્ત સ્ત્રીથી આગળ બોલાયું નહિ.

'તમે જરા શાંત થાઓ... ' સ્ત્રી ડૉક્ટરે કહ્યું.

'હું શાન્ત થાઉં?...હા...હા..!; નિર્બળ શરીર હસી શકે એટલું ખડખડાટ હસી સ્ત્રીએ સામે પૂછ્યું.

'અશાંતિમાં તો તમે ન કરવાનું કરી બેઠાં.' ડૉક્ટરે જરા દમામથી કહ્યું.

'ન કરવાનું મેં શું કર્યું?' સૂતેલી સ્ત્રીએ સહેજ વિસ્મય પામી પૂછ્યું.

'આ બાળકને મારનાર...'

'હા, હા, એ બાળકને મેં જ માર્યું ! એને ગળે તમારા દેખતાં જ મેં આંગળીઓ દાબી હતી. હજી એ જીવે છે ?’ કહી ઊઠવાનો પ્રયત્ન કરતી એ સ્ત્રી ખાટલામાં પછડાઈ પડી અને એના આખા શરીરને ખેંચતું તાણ એના દેહમાં વ્યાપી ગયું. ત્રણે જણ એકબીજ સામે જોતાં ઊભાં રહ્યાં.

વ્યક્તિગત વિટંબણા રોજની સામાન્ય વ્યવસ્થાને બહુ અવરોધે નહિ જ. યુવતીની સારવાર કરવામાં આવી ખરી, પરંતુ કાયદાએ પણ પોતાનો માર્ગ લીધો.

પોલીસ અમલદારે સ્થળ સ્થિતિનો પંચક્યાસ કર્યો. જાણકાર વ્યક્તિઓના જવાબ લીધા અને કાગળ ઉપરથી પ્રથમ દર્શનીય સાબિતી થઈ ચૂકી કે એક અજાણી યુવતીએ દવાખાનામાં એક બાળકને જન્મ આપ્યો, અને બાળકને તેની સોડમાં મૂકતાં બરોબર અકલ્પ્ય બળપૂર્વક તેણે બાળકનું ગળું દાબી તેને અત્યંત ક્રૂરતાપૂર્વક મારી નાખ્યું.

અશક્ત માનતા દેહમાં આટલું બળ ક્યાંથી આવ્યું ? બાળકને મારવાની નિર્દયતા કયાંથી આવી ? બાળકને માર્યાનો અપરાધ કબૂલ કરવાની ધૃષ્ટતા તેણે કેમ દર્શાવી ? સ્ત્રી ડોકટર સ્તબ્ધ બની ગઈ. એણે મુખ્ય ડૉકટરને બોલાવ્યા અને જોતજોતામાં આખા દવાખાનાનું વાતાવરણ કુતુહલ અને આશ્ચર્યથી તંગ બની ગયું. બાળકને મારનાર માતા હોય તો ય તે ગુનેગાર જ ગણાય - ભયંકર ગુનેગાર ગણાય. પોલીસનો પ્રવેશ જરૂરી બની ગયો અને ગુના બદલ પોલીસને ખાતરી થતાં એ પ્રસંગ અદાલતને લાયક બની ગયો.

માતાએ બાળકનું ખૂન કેમ કર્યું એનો જવાબ માતાએ ન ડૉક્ટરને આપ્યો, ન પોલીસને. માતાએ અસ્થિર માનસને પરિણામે આમ કર્યું હોય એવો બચાવ કદાચ થઈ શકે. પરંતુ જેમ જેમ તેનામાં શક્તિ આવતી ગઈ તેમ તેમ તેની વાત જાણવા, મંથન કરતા સહુ કોઈને ખાતરી થઈ ગઈ કે બીજું તો જે કાંઈ હોય તે ખરું પણ સ્ત્રીનું માનસ અસ્થિર હતું જ નહિ, ને બાળકનું ખૂન જાણી વિચારીને તેણે કર્યું હતું. આવી નિર્દય સ્ત્રી ગમે એટલી દેખાવડી હોય કે કુમળી દેખાતી સ્ત્રીજાતિની હોય, છતાં તેને ન્યાયની અદાલતમાં જરૂર ખડી કરવી જોઈએ ! વર્તમાનપત્રોમાં એ બાઈ વિષે કાંઈ કાંઈ પતંગો ચગી ચૂક્યા. એની તબિયત સુધરી એ હરી ફરી શકે એવી સ્થિતિમાં આવી; એનું મન 'ખેંચાણ' વેઠી શકશે એવી ડૉકટરોએ ખાતરી આપી: એટલે પોલીસે એ બાઈનો હવાલો લીધો. ફાંસીને લાયક દેહ બનાવીને પછી જ ફાંસી આપી શકાય એવી આપણી ન્યાયયોજના જાણીતી છે. પોલીસે એ બાઈને અદાલત આગળ અંતે ઊભી કરી.

દવાખાના જેટલો જ ઉશ્કેરાટ ન્યાયની કચેરીમાં ફેલાઈ ગયો. બાઈને કોઈ વકીલની જરૂર ન હતી, છતાં આપણી ન્યાયપદ્ધતિ આ ભાડૂતી યોદ્ધાઓ વગર કોઈનો ન્યાયપ્રવેશ સ્વીકારતી જ નથી. સરકારખર્ચે એક વકીલની તેને મદદ મળી. પરંતુ પોલીસે બનાવેલા કાગળો સિવાય વકીલને પણ એ બાઈએ કશી હકીક્ત કહી નહિ. ગુનાની કબૂલાત તો તે કરતી જ હતી. પરંતુ ગુનાનું કારણ આપવાની તેણે ઘસીને ના પાડી. બહુ આગ્રહ થતાં તેણે કહ્યું કે એ પ્રશ્નનો જવાબ પોતે છેલ્લે આપશે. ન્યાયાધીશ ના ઇલાજે કામ આગળ ચલાવ્યું. શાંતિથી પિંજરામાં ઊભાં ઊભાં તે સાક્ષીઓની હકીકત સાંભળતી હતી. એ હકીકતમાંથી એટલું તત્ત્વ પ્રગટ થયું કે એ બાઈ પરદેશી હતી; કોઈ ભલો માણસ તેને દવાખાને ઉતારી ચાલતો થયો; તત્કાળ સારવારની એ બાઈને બહુ જરૂર હતી; એકાદ દયાળુ પરિચારિકાની નજરે તે ચડી ગઈ; એણે એને ઊંચકી ખાટલે સુવાડી અને સ્ત્રી ડૉક્ટરને તત્કાળ આવવાની વિનતિ કરી; સ્ત્રી ડૉક્ટર પણ લાંબા વૈદકીય વ્યવસાયથી રીઢી બનેલી ન હોવાથી માયા અને મીઠાશ હજી સુધી સાચવી શકી હતી; તેણે તુરત આવી પરિચારિકાઓની મદદથી બાળકનો પ્રસવ કરાવ્યો; અતિ કષ્ટ સહન કરી રહેલી એ સ્ત્રીએ એક અરેકારો પણ ન કર્યો; અને બાળકને સાફ કરી હોંશપૂર્વક માતા પાસે મુકતાં બરોબર એક વાઘણની ક્રૂરતા મૂખ ઉપર લાવી એ બાઈએ પોતાનો દેહ ઊંચકી બાળકને ગળે આંગળીઓ દબાવી તેને મારી નાખ્યું ! બાઈ ખાટલામાં પાછી પડી; એના દેહે તાણનો અનુભવ કર્યો; મુખ્ય ડૉક્ટરને ખબર મોકલાવતાં તેઓ આવ્યા, અને પોલીસને ખબર આપી; પોલીસે આવીને તપાસ કરતાં એ બાઈ ફરી મૂર્છિત બની. સહુની આગળ એ બાઈ ગુનો કબૂલી લેતી હતી; પોતાની ઓળખાણ કે પોતાના બચાવ માટે એ તદ્દન ઉદાસીન હતી. આ બધી જુદી જુદી વ્યક્તિઓ દ્વારા અપાયલી હકીક્ત તેણે દૃઢતાપૂર્વક સાંભળી બાળકનું ગળું દાબી મારી નાખ્યાનું વર્ણન આપતાં પરિચારિકા અને સ્ત્રી ડૉક્ટર બન્ને અશ્રુભીનાં બન્યાં, પરંતુ બાળકના ખૂન માટે માતાને દૂષિત કરાવવા જે ન્યાય પ્રયોગ ચાલતો હતો તેમાં માતાએ એકે ક્ષણે આંસુનું એકે બિંદુ પણ ટપકવા ન દીધું. એની તરફેણના વકીલને લાગ્યું કે ભાનસાન વગરની આ બાઈ ગુનો કબૂલ કરતી હોય છતાં પોતાના કૃત્ય માટે જવાબદાર નથી એમ પુરવાર કરવું સહેલું થઈ પડશે.

પરંતુ બાઈની જુબાની...જવાબ લેવાનો પ્રસંગ છેક છેલ્લે આવ્યો અને વકીલની એ શ્રદ્ધા ધટી ગઈ. ગુનાની કબૂલાત કરતી વખતે તેણે કારણ છેલ્લે કહેવા જણાવ્યું હતું એટલે ગુનેગારની ઈચ્છાનુસાર તેને કારણ જણાવવાનું કહેવામાં આવ્યું. નામદાર ન્યાયાધીશે જવાબની નોંધ લેતાં પૂછયું : 'બાઈ ! તમારું નામ શું ?' 'મારું મુસ્લિમ નામ ખદીજા અને હિંદુ નામ પાર્વતી... એક પયગંબરની પત્નીનું નામ, એક મહાદેવની પત્નીનું નામ.' બહુ સ્પષ્ટતાપૂર્વક સહુને ચમકાવતો જવાબ બાઈએ આપ્યો.

'બાપનું નામ?' પ્રશ્ન આગળ વધ્યો.

'બાપનું નામ બોળાઈ ગયું.'

આખો સમુદાય શાંત તો હતો, પરંતુ હવે હતો એથી યે વધારે શાંત બની ગયો. અદાલતના અમલદારે જરા મૂંઝવણ અનુભવી અને ન્યાય સરળ બને એ અર્થે કરડાકીમાં પૂછયું: 'બાઈ ! એમ નહિ ચાલે. પ્રશ્નોના સીધા જવાબ આપવા એ તમારા લાભની વાત છે.'

'હુ જરૂર જવાબ આપીશ.’

'ઉડાઉ જવાબ નહિ આપો તો ચાલશે.'

'હું જવાબ આપું તે લખી લો. પછી મને કહેજો કે મેં જવાબ ઉડાઉ આપ્યા.

'તમારી ઉંમર કેટલી ?'

'પચીસેક વર્ષ થયાં.'

'સહુને લાગ્યું કે બાઈ હવે સીધા જવાબ આપશે. '

'તમારો ધર્મ કયો !'

'હું ધર્મમાં માનતી નથી.'

'કારણ?'

'માનવીનો એકેએક ધર્મ અધર્મ બની ગયો છે માટે.'

'ક્યાંના રહેવાસી ? '

'કલકત્તાથી શરૂ કરો. પછી નોઆખલી, ગઢમુકતેશ્વર, પંજાબ અને સરહદ; બધે હું રહી છું.'

'અત્યારે ક્યાં રહો છો?'

'તમારું રાજ્ય રાખે ત્યાં.'

'બોલો, ઈશ્વરને માથે રાખી સાચું જ કહીશ...જોકે સોગન ઉપર કાંઈ પણ કહેવાની તમારે માથે ફરજ નથી.' 'ઈશ્વર અદશ્ય થઈ ગયો છે. હોય તો એ શયતાન હોવો જોઈએ. એને માથે રાખ્યા વગર પણ હું સાચું જ કહીશ.'

સોગન ઉપર લેવાના અગર ન લેવાના જવાબ આ રીતે લેવાય કે કેમ એ બદલ બન્ને પક્ષના વકીલો વચ્ચે લાંબી તકરાર જામી, અને એક ગુણ ભરાય એટલી ચોપડીઓના ઉલ્લેખ વંચાયા. અંતે એમ ઠર્યું કે નાસ્તિકને પણ ન્યાય તો મળવો જ જોઈએ. પ્રતિજ્ઞા ઉપર કહે અગર ન કહે એ લેખી શકાય; પછી ભલે તે ઈશ્વરમાં ન માને ! અને ઈશ્વર પણ પ્રત્યેક ધર્મમાં જુદા જુદા જ હોય છે ને? માનવીનો ઈશ્વર પણ ક્યાં એક છે? છતાં ગુનેગારને અન્યાય ન થાય એ અર્થે ન્યાયાધીશે પણ કાયદેસર સમજ બાઈને આપી.

'જુઓ, બાઈ ! હવે તમે જે જવાબ આપશો તે તમારી વિરુદ્ધ વપરાશે. કાયદો કહેતો નથી કે તમારે ગુનો કબૂલ કરવો જોઈએ. છતાં તમારી વાણીનો લાભ સામો પક્ષ જરૂર લેશે.'

'જી.'

'તમારા વિરુદ્ધ બાળહત્યા...મનુષ્યવધનો આરોપ મુકાયો છે, એ તમને કબૂલ છે?'

‘હા જી.'

'તમે ફરી વિચારા કરો. ખૂનની શિક્ષા ફાંસી સુધીની છે એ જાણો છો?' ન્યાયાધીશે ચેતવણી આપી.

'હા જી; હું જાણું છું.'

'તમે બાળકને કેવી રીતે માર્યું?'

'સાક્ષીઓએ જે હકીકત કહી છે એ બરાબર છે.'

'બાઈ ! તમે ભાનમાં છો ખરાં ?' જરા ચમકીને ન્યાયાધીશે પૂછ્યું. કદાચ એ બાઈની આંખમાં કશી વિચિત્રતા પ્રવેશેલી તેમણે નિહાળી હશે.

'જી !'

'શા માટે બાળકને માર્યું ?—તમારું જ બાળક? ' સાહેબ ! એ વાત ન પૂછો તો નહિ ચાલે?'

'કારણ જાણવું જોઈએ; તે સિવાય ન્યાય આપી શકાય નહિ.'

'તમે ન્યાય આપવાના છો?' યુવતીએ ઝીણી આંખ કરી પૂછ્યું.

'અદાલતો એટલા માટે જ છે.' ન્યાયાધીશે ભાર મૂકી કહ્યું.

'એમ કે? કારણ શું બતાવું ?... હા..એ બાળક મારે જોઈતું ન હતું.'

'ન જોઈતાં હોય એ માનવીઓને મારી નાખી શકાય નહિ.'

'મેં ન જોઈતાં બધાં માનવી માર્યા નથી. મેં એક મારુ જ બાળક માર્યું છે.'

'બાળક જન્મતાં બરોબર સામાજિક મિલકત બની જાય છે. તમારી ફરજ તેને માતા તરીકે ઉછેરવાની છે, નહિ કે મારવાની.' ન્યાયાધીશે માતાને માતૃત્વનો બોધ આપ્યો.

'ન્યાયાધીશ સાહેબ ! એ કાયદો કોઈ એવા સમાજમાં ફેલાવો કે જ્યાં માતાને વણમાગ્યાં બાળકો આપવાનો ગુનો પુરુષો કરે નહિ.'

'એટલે ?'

'તમારા સમાજમાં દંભી અદાલત સ્થાપી તમે કાયદો તોળવા બેઠા છો ! તમે જાણો છો ?...હિંદ જેવા કમનસીબ દેશમાં જન્મેલી સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરી ધર્મભક્ત અને દેશભકત તરીકેનું અભિમાન લેતા પશુથી યે બદત્તર પુરુષસમાજમાં ગુના સિવાય બીજું બને છે શું ?'

'એ જુદો પ્રશ્ન છે. એ ગુનો કરનારનાં નામ આપો. હું તેમને પકડીશ. પરંતુ આ ગુના માટે તો...'

'શું કહ્યું, સાહેબ ? ગુનો પકડશો ? ગુનેગારને પકડશો ? હા... હા... હા...! સહુથી પહેલાં પકડો એ ગુંડાઓને કે જેમણે ધર્મને નામે પાકિસ્તાન માગ્યું ! પછીથી પકડો પેલા હિંદુ નિર્માલ્ય નેતાઓને કે જેમણે પાકિસ્તાન અપાવા દીધું ! છે તાકાત ? તમારી કે તમારા ન્યાયશાસનની ?' 'બાઈ! મને સમજાતું નથી કે તમારા ગુનાને અને રાજકારણને સંબંધ છે?'

'હું સંબંધ બતાવું..' કહી પેલી સ્ત્રીએ પોતાની કથની ટુંકાણમાં કહી. તેના મુખ ઉપર ક્ષોભ ન હતો, ઘેલછા ન હતી; એના મુખ ઉપર તિરસ્કાર વરસી રહ્યો હતો – જેમાં ઈશ્વર, પાકિસ્તાન, હિંદુસ્તાન ઈસ્લામ, આર્યતા, ન્યાય અને અદાલત ઉપર એણે અગ્નિભર્યા વાકબાણ ફેંક્યાં.

પતિની એ પ્રિય પત્ની હતી. એને બે બાળકો હતાં. ભર્યા કુટુંબમાં એ રહેતી હતી. અને એકાએક ધર્મ-કોમનો રાક્ષસી ઝગડો સળગી ઊઠ્યો, એના ઘરને ગુંડાઓએ ભસ્મ કરી નાખ્યું. બચવા મથતાં બે બાળકોને ભડભડ બળતા ઘરમાં ફેંકી તેની નજર આગળ બાળી નાખ્યાં. ઘરને અને પત્નીને બચાવવા મથતા તેના પતિને તેની આંખ આગળ કાપી નાખ્યો. પછી ગુંડાઓએ તેને ઉપાડી તેના ઉપર અત્યાચાર આદર્યો, અને તેને ધર્માંતરનું નામ આપ્યું! — એમાં ધર્મ જેવી કશી વસ્તુ રહી હોય તો ! ધર્માંતરમાંથી સ્થળાંતર કર્યું. સ્ત્રીઓનાં બક્ષિસ વેચાણ થયાં, જેમાં તેનું પોતાનું નામ વેચાણ થયું.

જે સ્થળે બળજબરીનો ધર્મપલટો કરી તેને માથે નવો સંસાર લાદ્યો હતો એ સ્થળે અન્ય ધર્મીઓએ–એટલે હવે બાઈના મૂળ ધર્મવાળાઓએ બદલો લીધો. જે ઘરમાં એને રાખી હતી એ ઘર એ ધર્મનિષ્ઠોએ બાળ્યું, ઘરનાં માણસોને બાળ્યાં, અને બદલાયેલા પહેરવેશને અંગે તેના મૂળ સ્વધર્મીઓએ તેના ઉપર ફરી અત્યાચાર આદરી એમ માન્યું કે તેનું ધર્માન્તર કરી નાખ્યું, અને પરધર્મ ઉપર વિજય મેળવ્યો !

આમ હિંદુ સ્ત્રી ઉપર અત્યાચાર કરી ઈસ્લામે માન્યું કે તે ખૂબ ખીલ્યો ! ઇસ્લામી સ્ત્રી ઉપર અત્યાચાર કરી આર્યધર્મે માન્યું કે, તેનો દિગ્‌વિજય થયો.

અત્યાચારની આ પરંપરાએ તેને બાળક આપ્યું ! પશુતા, શયતાનિયત, હેવાનિયતના પરિણામે પ્રાપ્ત થયેલું બાળક કેમ કરીને જીવતું રખાય? કોને માટે જીવતું રખાય ? એને જીવંત રાખી શું શું યાદ કરવાનું ! ખરું જોતાં એ બાળકની ગરદન મરડી એ બાઈએ સર્વ અત્યાચારીઓની ગરદન મરડી નાખ્યાનો ક્રૂર સંતોષ મેળવ્યો હતો.

'મને નથી લાગતું કે મેં કશો ગુનો કર્યો હોય. સાહેબ ! ન્યાયાસને આપ બેઠા છો ! પાકિસ્તાન અને હિંદુસ્તાનનાં રાજરમકડાં બનાવી પ્રધાનો રાજ્યાસને બેસી ગયા છે ! આપને અને એ પ્રધાનોને હું એમ પૂછું છું કે આપની કે એમની સગી બહેન, પત્ની કે પુત્રી હોત તો ?' કથની પૂરી કરતાં પેલી સ્ત્રીએ પૂછ્યું.

અવાક્ બનેલી અદાલતને મરતી મરતી થોડી વારે વાચા આવી. ન્યાયાધીશે મુખ બાજુએ ફેરવી ધીમેથી કહ્યું : 'એવી બહેન, પત્ની કે પુત્રી જીવતી ન રહે એમ હું ઇચ્છું.' ન્યાયાધીશનો નીતિઘમંડ કદી ઊતરતો જ નથી.

'આપે સાચું કહ્યું ! મેં મારા બાળકને કેમ માર્યું એનો આપે જ જવાબ આપ્યો ! હુ પણ કોઈની બહેન, પત્ની કે પુત્રી રહી નથી ! ન્યાયની પણ નહિ અને રાજ્યની પણ નહિ. માટે જ મેં મારું સાચું નામ અદાલતને આપવાની આનાકાની કરી છે. આથી મારા સરખી મા પણ કઈ બાળકને ન હજો ! નહિ ?'

'તો પણ આ તો તમે બાળકને માર્યું ! નિર્દોષ... '

'નિર્દોષ ?...હં...! મારે મરવું જોઈએ, ખરું ને? જે પ્રદેશના પુરુષ સ્ત્રી ઉપરના અત્યાચાર જોઈ, વાંચી–વાંચી, સાંભળી જીવતા રહે અને..વળી પાછા નીતિ ન્યાયની ખુરશી ઉપર બેસી શકે, એ પ્રદેશની સ્ત્રીઓએ જરૂર મરવું જ રહ્યું. આપ હવે મને ઘટતી સજા–ફાંસી આપો, અને સજા આપ્યા પછી મને કહેજો કે મને પુરુષ ક્રરતાં વધારે સારું મરતાં આવડે છે કે નહિ !'

બાઈ પાસે ઝેર હશે? સહુ વિચારમાં પડ્યા. ન્યાયાધીશ પુસ્તકનાં પાનાં ઊથલાવવા લાગ્યા. બંને પક્ષના વકીલો બેસી ગયા. ભેગી થયેલી મેદનીમાં વાતની ચણભણ ચાલી, એકાએક પેલી સ્ત્રી બોલી ઊઠી : 'અને સાહેબ ! મને ફાંસીની સજા નહિ કરો તો હું હજી બીજાં બે ખૂન કરવાની છું. એની પણ આપ નોંધ લો.'

'એટલે ?'

'મારા ઉપર અત્યાચાર કરનાર સર્વને મેં રહેંસી નાખ્યા છે, છતાં હજી એક બાકી રહ્યો છે. સજા નહિ કરો અગર મને જીવતી રાખશો તો હું એને જહન્નમમાંથી શોધી લાવી ઝબ્બે કરીશ.'

'અને બીજું કોણ? જેનું ખૂન કરવા તમે ધારો છો તે ?'

'બીજું ખૂન મારું. પછી મારે શયતાનિસ્તાન કે કાયરસ્તાનમાં જીવવું નથી. એમાં જીવજો તમે પુરુષો !'

તિરસ્કારના તણખા ઉડાડતી એ આંખ સામે થોડી ક્ષણો સુધી કાઈ જઈ શકયું નહિ.

અને હજી બેચાર મુદત પડ્યા છતાં કામનો ફેંસલો આવ્યો નથી.