લખાણ પર જાઓ

કાંચન અને ગેરુ/ઝેરનો કટોરો

વિકિસ્રોતમાંથી
← બાલહત્યા કાંચન અને ગેરુ
ઝેરનો કટોરો
રમણલાલ દેસાઈ
સત્યનાં ઊંડાણમાં →







ઝેરનો કટોરો

પૂનમચંદ હતો ગામડાના નિવાસી. પરંતુ તેના પિતાએ શહેરમાં મોકલી તેને ભણાવ્યો. તેના પિતા પાસે ઠીક ઠીક પ્રમાણમાં જમીન હતી, અને એવી જમીન ધારણ કરનાર ખેડૂત ગામડામાં જમીનદાર ગણાઈ સહુનું માન પામે છે. પૂનમચંદના કુટુંબ પ્રત્યે ગામમાં અને આસપાસના પ્રદેશમાં માન અને સદ્દભાવની લાગણી વ્યાપક હતી. ખેડૂતો પ્રત્યેની મમતા પણ એમાં કારણરૂપ હતી. પૂનમચંદના પિતા ખેડૂતો પાસે ઠીક ઠીક કામ તો લેતા; પરંતુ તેઓ જાતે પણ કોઈ પણ મજુર જેટલું જ કામ કરતા હતા, અને ખેડૂતના કુટુંબની બહુ કાળજી રાખતા હતા. ખેડૂતોને કેટલાક ભાગ મુસ્લિમોના હતા. પરંતુ સેંકડો વર્ષથી, વંશપરંપરાથી સાથે સાથે મજૂરી-મહેનત કરતા હિંદુ મુસલમાન વચ્ચે ધર્મભેદ ગ્રામ જીવનને જરા યે હલાવી શકતો નહિ. હિંદુ હોય તે પૂજાપાઠ કરે અને મુસ્લિમ હોય તો તે નમાજ પઢે, એ સ્વાભાવિક ગણાતું. પોતપોતાનો ધર્મ પાળવામાં કોઈને કશી હરકત આવતી નહિ. એકબીજાના તહેવારો પણ સર્વસામાન્ય બની ગયા હતા. દિવાળીના ધનપૂજન કે શારદાપૂજનમાં મુસ્લિમ ખેડૂતો ખુશીથી પ્રસાદ લઈ શકતા હતા, અને ઈદના દિવસે પૂનમચંદના પિતા મુસ્લિમોને ઝૂંપડે જઈ 'ઈદમુબારક' કરી આવતા.

પૂનમચંદ ભણતો હતો અને તેનું લગ્ન બહુ ધામધૂમથી કરવામાં આવ્યું. અસલ ગામડાના પરંતુ શહેરમાં જઈ ધંધામાં કમાણી કરી લાવેલા એક ધનિક કુટુંબની કન્યા પૂનમચંદને મળી. સઘળાં લગ્ન પ્રેમલગ્ન હોતાં નથી. પ્રેમ વિષેની ઘણી કવિતાઓ પૂનમચંદે મુખપાઠ કરી હતી. છતાં એણે લગ્નમાં કાંઈ વાંધો લીધો નહિ. લજજાવતીને તેણે કદીક જોઈ હતી. શહેરનો ઓપ તેનામાં હતો. તે થોડું અંગ્રેજી શીખી હતી, અને તેનો દેખાવ આંખને ગમે એવો હતો. લગ્ન કરી લેનાર કૈંક વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂરો કરી શક્યા છે એવા દાખલા દલીલને વશ થઈ અભ્યાસમાં લગ્ન વિઘ્નરૂપ છે એવી માન્યતાને બાજુએ મૂકી પૂનમચદે લજ્જાવતી સાથે પોતાનાં લગ્ન થવા દીધાં, અને પોતાનો બાકી રહેલો અભ્યાસ ચાલુ રાખ્યો. મુખપાઠ કરેલી પ્રેમની કવિતાઓ તેને હવે કામ પણ લાગી. પરણેલી પત્નીને તે ચાહવા પણ લાગ્યો અને પ્રેમપત્રો ય લખવા લાગ્યો - જેના પ્રેમભર્યા જવાબ પણ તેને મળવા લાગ્યા.

વિદ્યાર્થી અવસ્થા અનેક રીતે નાજુક કહી શકાય. અભ્યાસ એક પાસ ખેંચે; બીજી પાસ યૌવન, ત્રીજી પાસ ભાવિ ઉત્કર્ષની યોજનાઓ અને ચોથી પાસ સ્વદેશભક્તિ. બીજા દેશોમાં સ્વદેશભક્તિ શ્વાસ જેટલી સ્વાભાવિક હેાય છે; કારકિર્દીની વચ્ચે સ્વદેશભક્તિ આવતી નથી. પરંતુ પરતંત્ર હિંદના વિદ્યાર્થીઓની સ્વદેશ ભક્તિમાં સ્વાતંત્ર્યની લડત એક મહત્ત્વનું સ્થાન લે છે, અને કારકિર્દી સામે ઘર્ષણ પણ ઊભાં કરે છે. પરદેશી સરકારની નોકરી કરવી કે દેશસ્વાતંત્ર્યની લડતમાં ઝંપલાવવું ? એ મહાપ્રશ્નો પ્રેમ સરખુ જ મંથન વિદ્યાર્થીને કરાવ્યે જાય છે. એ મંથન પૂનમચંદના મનને પણ ચગડોળે ચઢાવતું હતું. દેશનો ઉદ્ધાર જરૂર કરવો જોઈએ. પરંતુ ગાંધીવાદી અસહકારની ઢબે કરવો કે ક્રાન્તિવાદી છૂપાંષડૂયન્ત્રો રચીને કરવો? હિંદુસ્તાનનો ઉદ્ધાર હિંદુ તરીકે કરવો અને હિંદુઓનું એક મહારાજ્ય સ્થાપવું કે ઈસ્લામીઓ સહ અન્ય ધર્મીઓને પણ લડતમાં સાથે રાખી સર્વમાન્ય મોરચો સ્થાપવો ?

પરંતુ છેલ્લે છેલ્લે દેશની લડતમાં ઇસ્લામીઓ તરફથી થતી અડચણો દેશનેતાઓની માફક વિદ્યાર્થીઓને પણ મૂંઝવી રહી હતી. મુસલમાનોનું – આગેવાનોનું વલણ ન સમજાય એવું ગૂંચવણ ભરેલું અને લડતને વિઘ્નરૂપ નીવડતું હતું અને પ્રતિદિન એ વલણ પ્રબળ બન્યે જતું હતું. હિંદને સ્વાતંત્ર્ય મળવું જોઈએ? એ પ્રશ્નનો ઇસ્લામીઓનો જવાબ 'હા' હતો; પરંતુ હિંદમાં હિંદુઓની વસતી વધારે હોવાથી હિંદુઓની બહુમતીવાળું સ્વાતંત્ર્ય તેમને ન ખપે. અલગ મતાધિકાર, હિંદુઓ જેટલાં જ પ્રધાનપદ, હિંદુઓ કરતાં પણ વધારે પ્રમાણમાં નોકરીની સગવડ–પછી લાયકાત હોય કે નહિ તોપણ. આ ઉપરાંત કૈંક નમૂનેદાર સગવડો હિંદી ઇસ્લામ માગતો હતો. એ બધી સગવડ મળે તો ય ખ્રિસ્તી, શીખ અને બાકી રહેલી કોમો હિંદુઓ સાથે ભળી જાય તો અમારો ઈસ્લામ ખતરામાં આવી પડે એવી બૂમ મારી બેફામ બનતો હિંદી ઈસ્લામ મારકણો બનતો જતો હતો.

ઈસ્લામને બાંહેધરી આપવામાં આવી ! પણ તે ખપી નહિ. હિંદી રાષ્ટ્રીયતાને વગોવી, તેનાથી અલગ ચીલો પાડી, હિંદના ઈસ્લામીઓની જાત, ધર્મ અને સંસ્કાર ભિન્ન છે એવાં ઢોલ-ત્રાંસાં પિટાવી આખા હિંદુસ્તાનમાં કોમવાદનું ઝેર ફેલાવી ધર્મને વટાવી જરાય મહેનત કર્યા વિના પાકિસ્તાન મેળવી ઈસ્લામી નેતાઓએ હિંદ:સ્વાતંત્ર્યના પ્રભાતે હિંદને ચીરી તેના બે ભાગ કરાવ્યા. એ ઝેરસીંચ્યાં. અગ્નિની હોળી પ્રગટી અને ક્રુરમાં ક્રુર મુસ્લિમ બાદશાહે કલ્પ્યું પણ નહિ હોય એવું માનસિક દોજખ હિંદને ગામડે ગામડે, શહેરે શહેરમાં અને લતા-લતામાં પ્રગટી ઊઠ્યું. હિંદુમુસલમાન દોસ્ત મટી કટ્ટર વેરને તીરે ઊભા.

પૂનમચંદ લજ્જાવતી સાથે એક સુભગ રાત્રિ ગાળી સ્વાતંત્ર્યદિનનો ઉત્સવ માણવા શહેરમાં આવ્યો. એ જ વર્ષે તેણે અભ્યાસ પણ પૂરો કર્યો હતો. પરીક્ષા આપી દેવાની તૈયારી હતી, અને સ્વરાજ્યમાં પોતે કર્યું સ્થાન મેળવી લેવું તેનો પણ ઝાંખો અસ્પષ્ટ વિચાર તે કરતો હતો. હિંદુ-મુસ્લિમ ઐક્ય માટે જીવન સમર્પણ કરવાની ભાવના તેને ગમી હતી, કારણ બાળપણથી તેણે પોતાના ગ્રામવિભાગમાં હિંદુ મુસલમાનને ઝઘડતાં જોયાં જ ન હતાં. સ્વાતંત્ર્ય દિનનાં અપૂર્વ દ્રશ્યો એણે જોયાં, લોકનેતાઓને મંચ ઉપરથી અને નભોવાણીમાં સાંભળ્યા, ગીતોમાં અને સરઘસમાં તેણે સાથ આપ્યો. છતાં એના હૃદયનો ઉત્સાહ ખંડિત હતો – ખંડિત હિંદ સરખો : આખા હિંદનું એ પ્રતિબિંબ !

વિશ્વયુદ્ધના ઘાવ હજી જેવા અને તેવા જ હતા. અનાજ, કાપડ, કોલસાની મોંઘવારી વધ્યે જતી હતી. નેતાઓએ રાજ્યલગામ હાથમાં લીધી, પરંતુ એકે કષ્ટનું નિવારણ તેઓ કરી શક્યા નહિ. ભાષણોનો અને અરસપરસ વખાણનો પાતાળ ઝરો ફૂટી નીકળ્યો. પ્રજાજીવનમાં વ્યાપેલા વિષાદનું નિવારણ હજી શક્ય બન્યું ન હતું. પ્રજાએ સહુ ભાષણખોર નેતાઓને પૂછવા માંડ્યું હતું કે : 'ભાઈ ! તમે આવીને અમારું શું વધારે ધોળ્યું ?'

અને એક વર્તમાનપત્ર વેચતા ફેરિયાએ બૂમ મારી :

હિંદુઓની કતલ !

જમીનદારના આખા કુટુંબનો નાશ !

સ્ત્રીઓનાં અપહરણ !

પૂનમચંદે વર્તમાનપત્રની નકલ લીધી, તેમાં નજર ફેરવી અને તેનું દિલ ધડકી ઊઠ્યું. ફેરિયાની બૂમ તેના અને તેની પાડોશના ગામ માટે જ હતી. તેને દોડવાનું મન થયું; તેને બેસી જવાની વૃત્તિ થઈ આવી. તેની આંખે દેખાતી સૃષ્ટી ફરવા માંડી. જમીનદાર તરીકે એટલામાં તેના પિતા જ ઓળખાતા હતા. તેના પિતા, તેની માતા, તેનો ભાઈ, તેની પ્રિય પત્ની લજજા, સહુ તેની આંખ આગળ તરવરી રહ્યાં. તેમનું શું થયું હશે એનો સ્પષ્ટ વિચાર કરવા જેટલી પણ સ્થિરતા તેના મનમાં રહી નહિ. અંતે દોડીને તે સ્ટેશન ઉપર આવ્યો. સ્ટેશને ખબર પડી કે એ બાજુની ગાડી જ બંધ છે – અને જે ગાડી જાય છે તેમાં માત્ર સૈનિકો જ જાય છે. તેણે સ્ટેશન અધિકારીને વર્તમાનપત્ર બતાવી કહ્યું : 'મારા કુટુંબ ઉપર આફત છે. મને જવા દો !'

'આફત ભલે હોય. કોઈને જવા દેવાનો હુકમ નથી.'

સ્વાતંત્ર્ય સાથે સભ્યતા આવી પૂનમચંદને દેખાઈ નહિ; આગગાડીના વહીવટમાં તો નહિ જ. યોગ્ય પુરસ્કાર આપતાં હિંદમાં હુકમ વગર પણ ગાડી મળી શકે છે એની પૂનમચંદને હજી ખબર ન હતી.

તેણે મોટરકાર અને ઘોડાગાડી માટે પૃચ્છા કરી. એ બાજુએ કોઈથી જઈ શકાય એમ હતું નહિ. કાર અગર ગાડી તેને મળી નહિ; તેણે પગે ચાલવા માંડ્યું. પલ્લો લાંબે હતો. દિવસરાતનું તેને ભાન રહ્યું નહિ. રસ્તામાં તેને રોકવામાં આવ્યો, ટોકવામાં આવ્યો, છતાં તેણે આગળ ચાલવા જ માંડ્યું. રસ્તામાં ત્રાહિ ત્રાહિ પોકારી ગયેલાં સ્ત્રી-પુરુષ-બાળકનાં ટોળાં તેને મળ્યાં; તેમણે તેને આગળ વધવાની ના કહી. કોઈ ઓળખીતું પણ તેને મળ્યું હશે. પરંતુ તેને કશું જ ભાન રહ્યું ન હતું, કોણે શી વાત કરી, કોણ શા માટે રોકતું હતું, એ કશાની તેને ગમ પડી નહિ. એને હૃદયનું ખેંચાણ એનું કુટુંબ અને એનું ઘર હતું. અત્યારે એ બીજી કોઈ સૃષ્ટિમાં જીવતો જ હતો.

ટોળાં અને ટોળાં તેને મળ્યે જતાં હતાં. એ બધાં ભાગી આવતાં હતાં એનું જરા ય ભાન એને ન રહેવા છતાં એને આછી આછી સમજ તો પડી જ કે આસપાસ કાંઈ ભયંકર ઉત્પાત ચાલી રહ્યો છે. એ સમજે તેના પગને વધારે વેગ આપ્યો, અને થાકનું વિસ્મરણ કરાવી દીધું. તે ચાલતે ચલતે પોતાને ગામ આવ્યો.

ગામ જાણે અજાણ્યું હોય એવો તેને ભાસ થયો. થોડાં દૂબળાં ઢોર ફરતાં હતાં; કૂતરાં ભસતાં હતાં, લઢતાં હતાં અને હાડકાં ચાટતાં હતાં. સમડી એકાંત આકાશમાં ઉડી નીચે ઝંડપ મારી પાછી આકાશમાં ઊડી જતી હતી. ઝુંપડાં કેટલાં ય બળી ગયાં દેખાયાં. થોડાં જ મકાનો મોટાં કહી શકાય. તેમાંથી પણ ધુમાડા નીકળતા હતા. કોઈ માનવી દેખાતું ન હતું.

ગામમાં કોઈ હિંદુ પણ નથી અને મુસલમાન પણ નથી. પૂનમના મનમાં વિચાર આવ્યો. તેણે પોતાના મકાનનો માર્ગ લીધો અને મકાન પાસે આવતાં જ તેના હૃદયે એક ધબકારો ગુમાવ્યો. કદાચ બીજો ધબકાર હૃદયમાં જાગત પણ નહિ ! છતાં ઘર જોવા માટે હૃદય પાછું ધબક્યું.

એ શું તેનું જ ઘર હતું ?

એનાં મોટાં દ્વાર ક્યાં ગયાં ? હા, એક દ્વાર દૂર કુહાડાના ઘાની સાક્ષી આપતું પડ્યું હતું, અને બીજું દ્વાર અડધું બળી આપોઆપ હોલાઈ ગયું હતું ! ઘર બળ્યાની અને લૂંટાયાની એંધાણીઓ હવે એણે ચારે પાસ દીઠી. ઉપર, નીચે, ચારે પાસ તેણે નજર નાખી. એને ખાતરી થઈ કે હિંદના મુસ્લિમોએ મેળવેલા સ્વરાજ્યનો તે જરૂર ભોગ બન્યો છે ! તેનાં ઘરબાર અને તેની મિલકત લુંટાઈ ગયાં હતાં.

પરંતુ ઘરબાર અને મિલકત કરતાં પણ વધારે મોંઘાં તેનાં માતા પિતા, તેનો નાનો ભાઈ અને તેની પત્ની ક્યાં હતાં ? પૂનમે ઘરમાં પ્રવેશ કર્યો. અસ્તવ્યસ્ત બનેલા ઘરની ભીંત ઉપર, પથ્થર ઉપર, તેણે રૂધિરના છાંટા જ નહિં—એકબે સ્થળે તો રૂધિરના રેલા સુકાતા નિહાળ્યા. શું સહુને કાપી નાખ્યાં? તેમના દેહ ક્યાં ? એક ઓરડામાં પ્રવેશ કરતાં તેણે એક સ્ત્રીનું શબ જોયું. એ શબ જમીન ઉપર પડયું હતું. એ શબનો એક હાથ હજી એક કટારના હાથા ઉપર પડ્યો હતો, અને એ કટાર શબની છાતીમાં ઊંડી ઊતરી ગઈ હતી. રુધિર જાણે અત્યારે પણ વહેતું હોય એમ જમીન ઉપર પડેલી રૂધિરધાર જોતાં તેને લાગ્યું. એ શબ તેની માતાનું હતું !

તેની પાછળ કોઈનો પડછાયો ફરતો તેને ભાસ્યો. તેના હૃદયમાંથી ભય જેવો ભાવ અદશ્ય થઈ ગયા હતો, અને આખી દુનિયા શુન્ય બની ગઈ હતી. તેના હૃદયતારો લગભગ તૂટી ગયા હતા.પાછળ જોતાં તેણે પોતાને ઘેર નિત્ય આવતા, ઘરનું કામકાજ કરતા, સંબંધી સરખા એક મુસ્લિમ ખેડૂતને ઓળખ્યો,

'ઈબ્રાહીમ !' પૂનમચંદે સંબોધન કર્યું.

'હા ઈબ્રાહીમ !' પેલાએ જવાબ આપ્યો. ઇબ્રાહીમની આંખો પણ અસ્થિર હતી.

'આ શું થયું બધું ?'

'જેહાદ જાગી છે. કાફરોને મુસ્લિમ બનાવવા અગર તેમની કતલ કરવી.

'મારા કુટુંબીઓની કતલ થઈ ?'

'ઈસ્લામ ન સ્વીકાર્યો એટલે બીજું શું થાય ?'

'માનું શબ અહીં છે. બીજાં શબ ક્યાં ?'

'તમારા પિતા અને ભાઈનાં શબ ઉપર કબર રચાઈ ગઈ...!'

'મુસલમાન બન્યા હતા ?'

'ના. માટે તો તેમની કતલ થઈ !'

'અને લજ્જાનું શબ ?'

'ખબર નથી. એના ઉપર પણ કબર રચાઈ હશે.'

'કબર બતાવીશ?' 'અરે, એમ પણ સાંભળ્યું કે લજ્જાને કદાચ ઉઠાવી પણ ગયા હોય.'

'તું અહીં કેમ છે?'

'તમારી માતાનું શબ દાટવું રહી ગયું છે. એમણે તો આપઘાત કર્યો, અને.... અને... પૂનમચંદ ! તમે પણ પયગંબર સાહેબનું નામ લઈ ઈસ્લામી બની જાઓ. નહિ તો...!' નમ્ર, વિવેકી, આંખ પણ ઊંચી ન કરનાર ઈબ્રાહીમે એક ચકચકતી કટાર મ્યાનમાંની બહાર કાઢી, અને ઘેલછા ભરી આંખે તેણે પૂનમચંદને આવરી લીધો. માનવ આંખમાં આવી અને આટલી ક્રૂરતા આવી શકતી હશે કે કેમ તેની શંકામાં પડેલા પૂનમચંદે કહ્યું: “વારૂ; હું ઈસ્લામ સ્વીકારી લઉં છું. તું જાણે છે કે હું નાનપણમાં તારી જ પાસેથી ગઝલ – કવાલી શીખ્યો છું. પણ માના શબને જોવાતું નથી. એને જરા ઠેકાણે કરીએ.' પુનમચંદે કહ્યું.

'હા, હા. અહીં વાડામાં જ દાટી એના ઉપર કબર કરી દઈએ.' ઈબ્રાહીમની ધર્મઘેલછા સંતોષાવાનો પ્રસંગ આવતો હોવાથી ઈબ્રાહીમના હૃદયમાં જરા સુંવાળપ આવી. તેણે કટાર મ્યાન કરી, અને પૂનમચંદની માતાના શબને ઉપાડવાની તૈયારી કરી. પૂનમચંદે માતાની છાતીમાંથી રુધિરભીની કટાર કાઢી લીધી, અસાવધ બનેલા ઈબ્રાહીમ ઉપર પસાર કરી તેને જમીન ઉપર પટક્યો, અને તેની છાતી સામે કટાર્ ધરી.

‘સરકાર ! છોડો. હું હિંદુ બનું છું !' મોત નજીક આવતું નિહાળી ઈબ્રાહીમ બોલ્યો.

'અહીંના હિંદુઓ ક્યાં ?' પૂનમચંદે પૂછ્યું.

'બધાની કતલ થઈ. મુસ્લિમ બન્યા એ બચ્યા...!'

'ક્યાં છે એ બધા ?'

'લૂંટ કરી પાકિસ્તાનમાં ચાલ્યા ગયા.'

'તું કેમ અહીં રહ્યો ?' 'હજી મકાનમાંથી કાંઈ મળી આવે છે તે લેવા રહ્યો છું !' તમને જોયા એટલે...!

'મને મુસલમાન બનાવવા તું મારી પાછળ આવ્યો; નહિ ?'

'માફ કરો. મને જનોઈ આપો...'

'લો, આ જનોઈ !'

પૂનમચંદે ઈબ્રાહીમની છાતીમાં અત્યંત બળપૂર્વક કટાર ખોસી દીધી અને તરફડતા તેના દેહને નિહાળી તેણે એક ભયંકર અટ્ટહાસ્ય કર્યું. તેના હૃદયબંધન તૂટી ગયાં. શૂન્ય પડી ગયેલા તેના મસ્તિષ્કમાં એકાએક જીવન જાગ્યું, એ જીવનમાંથી દયા-નમ્રતા ઊડી ગયાં. એને એક જ ધ્યેય દેખાયું : દુનિયાભરને અમુસ્લિમ બનાવવી !

ઝગમગી રહેલા એ આદર્શે તેને યુક્તિ સુઝાડી. લુચ્ચાઈનો પરિચય કરાવ્યો. પ્રતિજ્ઞાભંગને સાહજિક બનાવ્યો અને પોતાની આસપાસ હિંદુઓનું એક ગુપ્ત સંગઠ્ઠન પણ શક્ય બનાવ્યું— જે સંગઠ્ઠન દ્વારા તે ઈસ્લામી વિભાગોમાં જઈ ઇસ્લામીઓની કતલ કરવા લાગ્યો, અને ઇસ્લામી સ્ત્રીઓનાં અપહરણ કરી શૂન્ય બની ગયેલા ગામમાં લાવી તેમને પોતાનાં હિંદુ સંગઠ્ઠન સાથીઓમાં વહેંચવા લાગ્યો.

પૂનમચંદનું ભણતર, પૂનમચંદની દેશસેવા, પૂનમચંદની માણસાઈ અદ્રશ્ય બની ગયાં. તેના નામનો ત્રાસ આસપાસની ઈસ્લામી વસ્તીમાં ફેલાઈ ગયેા. પોલીસ અને મિલિટરીને મેળવી લેવાની અગર તેમને પણ ધાકમાં રાખવાની કળા તેને સહજ આવડી ગઈ. તેની ક્રૂરતાએ એવો કાંઈ પલટો લીધો કે મુસ્લિમ સ્ત્રીઓનાં અપહરણમાં તેને પોતાના આદર્શની વિશેષ સિદ્ધિ થતી લાગી. તેણે પોતાના ગામને ફરી હિંદુઓથી વસાવ્યું, આસપાસ ગામો પણ વસાવ્યાં, સારું સંગઠ્ઠન ઊભું કર્યું અને પાસેના પ્રદેશમાંથી ઈસ્લામી સ્ત્રીઓનાં હરણ કરવા માંડ્યાં. પછી તો તેના ધસારા આઘેના પ્રદેશ સુધી પહોંચ્યા. ભોળવીને, ફોસલાવીને, લાલચ આપીને, ધમકાવીને, બળજબરી કરીને પૂનમચંદની ટોળી ઈસ્લામી સ્ત્રીઓને ગુપ્ત રીતે લાવી તેમને વગે કરી દઈ બહુ આનંદિત બનતી. અપહરણ થયેલી કોઈ હિંદુ સ્ત્રીઓ એમાં પાછી આવતી ત્યારે ટોળીને સ્ત્રીઉદ્ધારનો સંતોષ થતો. પરંતુ ખાસ કરીને અનિચ્છાએ ખેંચાઈ લવાયેલી ઈસ્લામી સ્ત્રીઓનાં આક્રંદ, ટળવળાટ અને નિ:સહાયતા જોઈ તેમને જે આનંદ થતો તે બ્રહ્માનંદ સરખો લાગતો. તેમાં યે નાસી જવાની યોજના કરી તેને અમલમાં મૂકવા મથતી સ્ત્રીઓની યોજના નિષ્ફળ બનાવી, તેમને અડધેથી પકડી ફરી પાછી સાંડસામાં જકડતી વખતે તેને જે આનંદ થતો તેની પાસે બ્રહ્માનંદ પણ મોળો લાગતો ! ક્રૂરતાની પડી જતી ટેવમાં ક્રૂરતા પણ કલા બની જાય છે; અને સ્ત્રીઓ પ્રત્યે અત્યાચાર કરવાની પશુતાએ પહોંચતો માનવી અત્યારાચારને પણ શણગારે છે વધ્ય પશુને ચાંલ્લા કરી, માળા પહેરાવી, ઉપર કિમતી વસ્ત્ર નાખીને તેની પૂજા કરી ધીમે ધીમે ઈશ્વરને નામે તેનું ગળું કાપવામાં આવતી મોજ સાધારણ ઝટકાથી વધેરતાં આવતી મોજ કરતાં વધારે તીવ્ર હોય છે. પૂનમચંદ અંતે એવી કક્ષાએ પહોંચી ગયો કે જેમાં તે લાવેલી સ્ત્રીઓને ભાગવાની જાણીબૂજીને સરળતા કરી આપતો, ને અધવચથી તેમને પકડી પાછી લાવી તેમના આક્રંદમાં મનનું પરમ સુખ માણતો.

ધર્મ જ્યારે નારકી બને છે ત્યારે તે સચ્ચાઈનો સ્વાંગ ધારણ કરે છે. મુસ્લિમો હિંદુ સ્ત્રીઓ ઉપર બળાત્કાર કરી તેમને મુસ્લિમ બનાવે તો હિંદુઓએ પણ મુસ્લિમ સ્ત્રીઓ ઉપર બળાત્કાર કરી તેમને હિંદુ કેમ ન બનાવવી, એવા ધર્મ—હીંચોળે માનવી હીંચે છે. આવાં કાર્ય ધર્મ કાર્ય બની જાય છે. અને વાસનાને બહેકાવી દઈ ક્રૂરતાને રંગત અપાય ત્યારે એ ધર્મ બહુમાન્ય બની જાય છે. પૂનમચંદ સ્ત્રીઓ હરી લાવી તેમને હિંદુ બનાવી જરૂરવાળા પુરુષોને વળગાડી દેતો. આમ તે હિંદુ ધર્મના સ્તંભ તરીકે મનાવા લાગ્યો અલબત્ત છૂપી રીતે. પોતે પકડાય નહિ; પકડાય તો પુરાવો પોતાના વિરુદ્ધ થાય નહિ; પકડાયલી સ્ત્રીઓ સત્ય કહી શકે નહિ; એવી એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવાની તેનામાં ભયંકર આવડત આવી ગઈ. ધર્મરક્ષા સાથે આ કાર્યમાં એણે પણ ધન દેખવા માંડ્યું. ધન લાવે એવું કાર્ય ઝડપથી ધર્મકાર્ય બની જાય છે.

એક રાતે તેને બાતમી મળી કે પરહદના એક ગામની મોટી મુસ્લિમ ટોળી એક હિંદુ ગામ ઉપર ધસી જઈ ત્યાંની સ્ત્રીઓને ઉપાડી જવા નીકળી ચૂકી છે. એણે પોતાની વીર ટોળી તૈયાર કરી. હિંદુ ગામના રહીશોને સલામત જગાએ સ્ત્રીઓ મૂકી આવવા ખબર મોકલી અને પોતાની ટોળી લઈ, તે મુસ્લિમ ગામ ઉપર છૂપો હલ્લો લઈ ગયો. એ ગામના યુવાન અને સશક્ત મુસ્લિમ અપહરણ માટે હિંદુ ગામ ઉપર ધસારો લઈ ગયા હોવાથી ગામમાં હિંદુ વર્ગનો સામનો કરે એવો પુરુષવર્ગ હતો જ નહિ. સામે થનાર વૃદ્ધો કે કિશોરોને ઝબ્બે કરી શકાય એમ હતું. એટલે તલવારની ધારે અને બંદૂકની ગોળીએ ગામની બધી જ સ્ત્રીઓને મોટરોમાં ભરી અત્યંત ઝડપથી બિનજરૂરી સ્થળોએ જઈ રાત્રિ રહ્યાની ખોટી સાહેદી ઊભી કરી પૂનમચંદ પ્રભાત થતાં પહેલાં તો પોતાને ગામ આવી ગયો. આજની જેટલી સહેલાઈથી આટલી બધી જ સ્ત્રીઓ અત્યાર સુધી તેને હાથ લાગી ન હતી. આજે તેના હૈયામાં આનંદ હતો. પોતાને કુટુંબના ખૂનનો તે આજ બરાબર બદલો લઈ શક્યો હતો એવો સંતોષ તેના મનને હળવું બનાવતો હતો. બુરખાવાળી સ્ત્રીઓના બુરખા ખોલાવી બધાંયને પવિત્ર ગંગાજળ પાઈ તેમને ચાંલ્લો કરી હિંદુ ઢબનાં કપડાં અપાય, અને પુરુષોની પસંદગી પ્રમાણે સ્ત્રીઓને પરણાવી દેવાય, એવી ઝડપી સગવડ તેણે રાખી હતી. આ કાર્ય કરવા અર્થે તેણે બ્રાહ્મણો પૂરતા પ્રમાણમાં મળી ગયા હતા; ને ઇસ્લામ ધર્મ પેઠે ચાર સ્ત્રીઓ પરણવાની મર્યાદા હિન્દુ ધર્મ સ્વીકારેલી ન હોવાથી સ્ત્રીઓને ફાવે ત્યાં ફાવે તેટલી સંખ્યામાં પરણાવી દેવામાં કશી હરકત આવે એમ હતું જ નહિ. બૂરું કૃત્ય કરવામાં આપણે જરૂર મહાપુરુષોનો આધાર લઈ શકીએ છીએ. કૃષ્ણની સોળ હજાર એક સો ને આઠ રાણીઓની વાત બહુ લગ્નપ્રિય પુરુષોને અનુકૂળ પડે છે.

સંખ્યાબંધ સ્ત્રીઓમાંથી એક બુરખાવાળી સ્ત્રીની હિલચાલ તરફ પૂનમચંદની નજર ગઈ. એ ત્યાંથી ખસી ગયો, પરંતુ ખસતાં ખસતાં કહેતો ગયો કે 'આ બાઈઓ હિંદુ ધર્મ સ્વીકારે એટલું જ આપણે જોઈએ. એક વખત હિંદુ બન્યા પછી તેની મરજી હશે તો તેમને ગામ તેમને ઘેર પાછી મૂકી આવીશું. કશો જ જુલમ ન થાય એની કાળજી રાખવી અને બધી બાઈઓને સવાર સુધી આરામ લેવા દેવો.'

પૂનમચંદે ઉદાર ભાવના વ્યકત કરી, પરંતુ તેના હૃદયમાં ભયંકરતા ભરી હતી. પેલી બુરખાવાળી ચબરાક સ્ત્રી જરૂર નાસી જવાનો પ્રયત્ન કરશે, અને તેનો પીછો પકડી તેને પાછી ઘસડી લાવી સહુના ખડખડાટ હાસ્ય વચ્ચે તેને કોઈ કદરૂપા જડ હિંદુને ગળે વળગાડી દેવામાં બહુ મઝા આવશે, એવો ખ્યાલ તેની બાહ્ય ઉદારતાને વધારે દેખાવડી બનાવતો હતો.

બધી સ્ત્રીઓ ક્રૂર ખૂની પૂનમચંદના ખસવાથી રાહત અનુભવી રહી, અને ટોળીના સર્વ પુરુષ દૂર જતાં આછો આરામ લેવા પ્રવૃત્ત થઈ. અને ખરે, એ શાંતિમાંથી એક સ્ત્રીએ ખસવા માંડ્યું. મકાન જાણે તેની આગળ ખૂલી જતું હોય એમ તે છુપાતી ઘર બહાર નીકળી ગઈ.

અંધારું ઘર હતું. પ્રભાતનું સામિપ્ય અંધકારને ગાઢ બનાવે છે; તેમાં યે ગામડાંનો અંધકાર ! એમાં કેટલી યે હલચાલ થાય તો ય ખબર પડે જ નહિ. આમ તો એક સ્ત્રી કોઈનું યે ધ્યાન ખેંચ્યા વગર ગામ બહાર ચાલી જતી હતી. પૂનમચંદે હજી પોતાના મકાનનાં બળેલાં અને ઘવાયેલાં દ્વાર સુરક્ષિત બનાવ્યાં ન હતાં. વિરવૃત્તિને જીવંત રાખવા માટે કેટલાક અત્યાચારનાં દ્રશ્યો કાયમ રાખવાની જરૂર હોય છે. એટલે ઘર બહાર નીકળતાં, તેમ જ ગામને રસ્તે ચાલ્યા જતાં પેલી સ્ત્રીને કશી જ હરકત આવી નહિ. સ્ત્રીને પણ નવાઈ લાગી કે પૂનમચંદ સરખા અતિક્રૂર હિંદુએ પકડાયલી સ્ત્રીઓ ઉપર સહેજ પણ ચોકી રાખી ન હતી ! તે આસપાસ જોતી આગળ વધી ગામના તળાવ ઉપર આવી ઊભી. રસ્તાનાં સજાગ શ્વાન પણ અત્યારે શાંત બની ગયાં હતાં.

તળાવ ઉપર અંધારું પાતળું બન્યું હતું. આકાશના તારા ઝબક ઝબક ઝબકી રહ્યા હતા. વૃક્ષો પણ જાણે અંધારના જ પુંજમાં અસ્પષ્ટ ઊભાં હતાં. કોઈ પક્ષી ફડફડી જતું હતું -કદાચ બોલી પણ જતું હતું. સ્ત્રીએ તળાવની પાળ ઉપરથી નીચે ઊતરવા માંડ્યું. ઊતરતે ઊતરતે તેણે મુખ ખોલી ચારે પાસ એક વાર દષ્ટિ કરી. ફરી પાછા બુરખો ઓઢી લીધો, અને પાણીમાં પ્રવેશ કર્યો. ધીમે ધીમે, જાણે પાણીને પણ ખબર ન પડે એમ પ્રવેશતી સ્ત્રીનો આખો યે દેહ પાણીમાં અદૃશ્ય થઈ ગયો ત્યાં સુધી અત્યંત ધૈર્યપૂર્વક એ સ્ત્રી ઊંડે, ઊડે અને ઊંડે ડૂબતી જતી હતી. અંતે એ ડૂબી અને એનો આખો દેહ અદૃશ્ય બન્યો. એની સાહેદી આપવા માત્ર એક નિ:શબ્દ વમળ એ સ્થળ ઉપર ફરી વળ્યું.

એકાએક તળાવની પાળમાંથી એક પુરુષ ઊપસી આવ્યો. એણે કૂદકો મારી પાણીમાં પ્રવેશ કર્યો, અને બુરખા સહ ડૂબેલી સ્ત્રીને આખી ખેંચી કાઢી તટ ઉપર ઘસડી લાવ્યો. ખડખડ હાસ્યથી અંધકારને ચીતરવા પૂનમચંદનો કંઠ સંભળાયો: 'ડૂબવાનો રસ્તો નવો જોયો ! બીજી સ્ત્રીઓ તો ભાગી જવા મથે છે ! હા...હા.'

પાણી નીતરતાં વસ્ત્રો સહ ડૂબેલી સ્ત્રી ઊભી થઈ. એક વખત ડૂબવાથી તેણે ભાન ગુમાવ્યું ન હતું – તેના દ્રઢતાભર્યા સંકલ્પે તેને સ્થિર રાખી હતી. હવે ફરી ડુબાય એમ ન હતું એ પણ એ જાણતી હતી. પકડાયા પછી પૂનમચંદની પશુતા સ્ત્રી ઉપર અતિ ઘણી વધી જાય છે એવા સમાચાર પણ તેણે નહોતા સાંભળ્યા એમ નહિ. તેણે પૂનમચંદના હાસ્યનો પડઘો પાડયો : 'હું તો હિંદુ બનવા ચાહતી હતી.'

'હું જાણું છું ! નાહવા માટે ડૂબવાની જરૂર ન હોય.'

'ડૂબીને હું મારા દેહને કાયમી હિંદુત્વ આપત.'

'હવે?' ફરીથી સ્ત્રીની નિ:સહાયતા ઉપર હાસ્ય હસી પૂનમચંદે પૂછ્યું.

'હવે તું જાણે. મને ડૂબવા દીધી હોત તો તને મારો આશીર્વાદ મળત.'

'આશીર્વાદ ? તારો ? મારી માતાનું ખૂન? મારી પત્નીનું ખૂન કે અપહરણ ! અને હું તારો આશીર્વાદ લેવા બેસું ? તને હિંદુ બનાવીશ એ સત્ય ! કોઈક હિંદુને પછી હું તારો દેહ સોંપીશ એ એ પણ સત્ય ! અને તું અહીં નાસી આવી એટલે વધારામાં.. હા.. હા..' ભાવિ ક્રૂરતાના વિચારે પૂનમચંદનું વાક્ય હાસ્યમાં પૂરું થયા વગર ન રહ્યું.

તે હસી રહ્યો એટલે પેલી સ્ત્રીએ પૂછ્યું : 'વધારામાં તું શું કરીશ ?'

પૂનમનું હસતું મુખ ક્રૂર બની ગયું. દાંત પીસી તેણે જવાબ આપ્યો. 'તારા સરખી ભાગી જતી સ્ત્રીના ઈસ્લામને ભ્રષ્ટ કરી પછી જ હું તેને હિંદુ બનાવું છું – અને તે પણ જ્યાં પકડાય તે સ્થળે જ ! જો !'

કહી અત્યંત અશિષ્ટતાપૂર્વક પૂનમે સામે ઊભેલી સ્ત્રીનો બુરખો ફાડી નાખ્યો. બુરખો ફાટતાં બરોબર પૂનમ ચમક્યો; તેના પિસાયલા દાંત ખૂલી ગયા, તેનો પશુતાભર્યો પેંતરો ત્યાં જ સ્થિર બની ગયો. માત્ર તેના કંઠે ચીસ પાડી : 'લજ્જા ! તું ?'

આછું પ્રભાત આવતું હતું; અંધારું પીગળી પ્રકાશને માર્ગ કરી આપતું હતું. 'પૂનમ ! મને ડૂબવા દીધી હોત તો કેવું સારું થાત?'

'લજજાનું મુખ જોતાં જ પૂનમના દેહમાંથી કલિ અદ્રશ્ય બની જતો હતો, અને માનવતા આવતી હતી. 'લજજા, લજજા ! મેં તને ડૂબવા દીધી હોત તો હું તારી પાછળ ડૂબી ગયો હોત.'

'પૂનમ ! તારી લજ્જા હવે લજજા રહી નથી – તારી રહેવાને પાત્ર નથી.'

'લજજા ! તને શોધવા ખાતર તો હું પશુ બન્યો છું. તું ક્યાંકથી મળી આવશે એ આશામાં જ હું કંઈક મુસ્લિમ સ્ત્રીઓને ઘસડી લાવું છું...અને વેરમાં ને વેરમાં હું પણ એવો ભ્રષ્ટ બન્યો છે કે તું મારી પાત્રતા પૂછીશ જ નહિ !'

પૂનમે લજજાનો હાથ પકડ્યો. લજ્જાવતીની આંખમાંથી આંસુની ધાર વહ્યે જતી હતી. આંસુ લૂછતે લૂછતે પૂનમે જરા રહી પૂછ્યું : 'અત્યાર સુધી તેં કહ્યું કેમ નહિ કે તું લજજા છે?'

'મે પત્ર લખી ઘરમાં મૂક્યો છે.'

'ચાલ, એ પત્ર આપણે સાથે જ વાંચીએ.'

'તું વાંચીને પાછો આવ; પછી ઠીક લાગે તો મને લઈ જજે.'

'હું હવે તને આપઘાતની બીજી તક આપું, એમ? લજજા ! આ આખો યે પ્રસંગ સ્વપ્ન નહિ હોય એમ શા ઉપરથી?'

'એ સ્વપ્નને સ્વપ્ન રાખવું હોય તો પેલી સ્ત્રીઓને તેમને ઘેર મેલી દે. એ પણ કેટલાય પૂનમોની લજ્જાવતીઓ છે.'

'વારુ !' કહી તેણે એક સિસોટી વગાડી. એક મજબૂત પુરુષે આવી પૂનમને નમસ્કાર કર્યા. પૂનમે આજ્ઞા કરી : 'બધી જ ઈસ્લામી બહેનોને જ્યાંથી લાવ્યા ત્યાં પહોંચાડી આવો. હમણાં જ. પછી હું ઘરમાં આવું છું.'

લજ્જાનું મુખ નિહાળ્યા કરતા પૂનમે થોડી વારમાં જોયું કે મુસ્લિમ સ્ત્રીઓથી ભરેલી મોટર ગાડીઓ ગામમાં બહાર જતી હતી.

સૂર્યનું એક કિરણ ઝગારા મારી રહ્યું. 'લજજા ! આ આખો યે કિસ્સો હવે સ્વપ્ન બને છે. ચાલ.'

'ના; હજી તારા હૃદયમાં એક પ્રશ્ન ઊભો છે.' લજ્જાએ કહ્યું.

'મારું હૃદય વાંચવું હવે તું બંધ કરી દે. મેં એટલાં પાપ કર્યાં છે કે મારે તારાં નિઃસહાય દશાનાં પાપ સાંભળવા નથી. એ પાપ જ ન કહેવાય.'

પૂનમ અને લજ્જાએ ચાલવા માંડ્યું. લજ્જાનો પહેરવેશ હજી ઈસ્લામી ઢબનો હતો – જોકે બૂરખો ખસી ગયો હતો. લોકોની અવરજવર ચાલુ થઈ હતી.

પૂનમનું ઘર આવ્યું. લજ્જા અટકીને ઊભી, અને બોલી : 'પૂનમ હજી મને જતી કર.'

'એ પછી હું જીવીશ કેમ?' પૂનમે કહ્યું.

‘અત્યાર સુધી તું જીવ્યો તેમ.'

પૂનમે લજ્જાને ખેંચીને ઘરમાં લીધી. તેણે લજ્જાવતીને જવાબ આપ્યો નહિ.

ઘરમાં આવી પૂનમે લજ્જાને સુવાડી દીધી. તેને સહેજ નિદ્રા પણ આપી. નિદ્રામાંથી જાગતાં બરાબર તેણે પૂનમને એક કટાર સાથે રમતાં નિહાળ્યો.

'શું કરે છે, પૂનમ? કટારી તું ખુશીથી મને ભોંકી દે. અગર મને હાથમાં આપ, હું તારી ઈચ્છા પૂર્ણ કરું.' લજ્જાએ કહ્યું.

'મારી ઇચ્છા ? ઘેલી ! તને મેળવ્યા પછી મને કશી જ ઈચ્છા રહી નથી.'

'તું જૂઠું બોલે છે પૂનમ !'

'ઈચ્છા તો નહિ, પણ આ કટાર જોતાં મને એક પ્રશ્ન થાય છે.' સહજ સંકોચાતાં પૂનમે કહ્યું.

'ખોટું તો નહિ લાગે ?'

'ખોટું લાગે તો ય શું? પ્રશ્નનો પડદો રાખી મારે આ ઘરમાં વસવું નથી.'

મને એમ થાય છે... કે આપઘાત કરવા તેં આજે હિંમત કરી. તને ઇસ્લામીઓ ઉપાડી ગયા તે વખતે તે કેમ હિંમત ન કરી ?' ડરતે ડરતે પૂનમે પૂછ્યું.

લજ્જાની આંખમાંથી અગ્નિ વરસ્યો. તે એકદમ બેઠી થઈ ગઈ. તેણે અત્યંત શાંતિથી છતાં બળતાં અને બાળતાં ઉચ્ચારોથી જવાબ આપ્યો. 'કટાર તો મેં મારી પાસે જ રાખી હતી. પરંતુ તારી માતાને એની પહેલી જરૂર પડી ગઈ. એમણે માગી એટલે મારે આપી દેવી પડી. એક જ કટારી હતી–જેને તું હમણાં રમાડે છે તે.’

પૂનમના હાથમાંથી કટાર પડી ગઈ. પરંતુ એ ક્ષણ પછી લજજા પૂનમની સાથે બોલી જ નહિ. પૂનમના ગૃહમાં ન રહેવું એવો તે જ ક્ષણે નિશ્ચય કરી ઘર બહાર ચાલી જતી લજજાવતીને પૂનમે બળજબરીથી રોકી રાખી.

પૂનમની બળજબરી એટલે હવે આંસુનો પ્રવાહ !

અબોલ લજ્જાએ ઘરમાં સ્વપ્નશૂન્યતા ફેલાવી દીધી. અસહાય સ્ત્રીના શીલની શંકા કરતા પુરુષને પિછાનવાનું એણે બંધ કરી દીધું !

અને એક રાત્રીએ તે અદૃશ્ય થઈ ગઈ–આશા આપીને કે તે પૂનમનું ગમતું મુખ જોવા પોતાના મૃત્યુ પહેલાં જરૂર આવશે !

રોજ લજ્જાવતીની ચિઠ્ઠી વાંચી નિ:શ્વાસ નાખ્યે જતા પૂનમે ફરી મુસ્લિમો ઉપર વેર લેવાની યોજના કરી નહિ. હજી પણ અપહરણના કિસ્સાઓ તે વાંચતો, તેના મિત્રો તેને ઉશ્કેરતા અને આગેવાની આપવા આવતા. પણ તેનો એક જ જવાબ હતો : 'વેરનાં ઝેરી વર્તુળમાંથી હું હવે બહાર આવ્યો છું.'