કાંચન અને ગેરુ/સત્યના ઊંડાણમાં

વિકિસ્રોતમાંથી
← ઝેરનો કટોરો કાંચન અને ગેરુ
સત્યનાં ઊંડાણમાં
રમણલાલ દેસાઈ
નિશ્ચય →




સત્યના ઊંડાણમાં



જ્ઞાનની સીમા એક પાસ વધતી જાય છે અને બીજી પાસ અજ્ઞાનના કિનારા પણ એટલા જ આગળ ધસી આવે છે.

વિજ્ઞાનની પકડમાં જે ન આવે એને ન માનવું એ સારુ છે, સાચું છે, પણ તે અમુક હદ સુધી જ. વિજ્ઞાન પણ માનવીનું જ ને ? માનવી કરતાં માનવીનું વિજ્ઞાન હજારગણું, લાખગણું દોડે, અને માનવીને એટલું દોડાવે. પણ એથી યે વધારે દોડવાળા ચમત્કારો નિત્ય થતા જ હોય ત્યાં માનવીનું વિજ્ઞાન પણ જૂઠું પડી જાય છે. એક સેકંડમાં એક લાખ એંસી હજાર માઈલ દોડતા તેજકિરણની વાત લોકો માને પણ નહિ. છતાં વૈજ્ઞાનિકો કહે છે કે બ્રહ્માંડમાં હજી એવાં તેજ ઘૂમી રહ્યાં છે કે જે આટઆટલું દોડવા છતાં હજી પૃથ્વી સુધી પહોંચ્યાં જ નથી ! માની શકાય છે?

એવી ને એવી સૃષ્ટિઓની લીલા ! અનંત કોટી બ્રહ્માંડો, ને પ્રત્યેક બ્રહ્માંડની નિરનિરાળી સૃષ્ટિ !—સજીવ અને નિર્જીવ ! હું ઘણું જાણું છું, સર્વસ્વ જાણું છું એવો કોઈનો ધમંડ રહે એમ નથી. હું એક વખતનો વહેમને તિરસ્કારનારો માણસ ! આજ વહેમ સામે પણ ઝૂકીને ચાલું છું ! ઈશ્વર નથી એમ બાંગ પુકારનારો હું પ્રગતિશીલ ! આજ ઈશ્વર છે કે નથી એ બેમાંથી એકે વાદ સામે ઝઘડતો નથી. ઈશ્વર છે એમ પણ કહેવા હું આતુર નથી; ઈશ્વર નથી એમ પણ હવે હું બૂમ પાડતો નથી.

'કારણ? કહું? મને વહેમી તો નહિ ગણી કાઢો ?

કદાચ ગણશો તો ય શું ? મને કે તમને એમાં ફાયદો કે ગેરફાયદો થોડો જ થવાનો છે? ફાયદો કદાચ એ થાય કે તમને એક વિચિત્ર પ્રસંગ સાંભળવાનો મળે.

કુમાર અને કુસુમની એક જોડલી મારા જ મકાનમાં ભાડે રહેવા આવી. તે સમયે પાઘડીનો પવન આજ જેવો ફૂંકાતો ન હતો. ઘરને રહેવાના સાધન તરીકે સહુ ગણતા; કમાણીના સાધન તરીકે નહિ. ઘરમાલિક તથા ભાડુઆતના સંબંધો ગાળાગાળીના, મારામારીના, છેતરપિંડીના અને અદાલતના સંબંધ બની ગયા ન હતા. ધરમાલિક ભાડુઆતની બનતી સગવડ સાચવતા, અને ભાડુઆતોને પોતાને જ રસોડે પહેલે દિવસે જમાડી પછી ઘર સોપતાં. ભાડુઆત પણ ઓરડામાંથી ઓરડી અને તેમાંથી પણ ઓરડી કાઢી બીજા ભાડુઆતોને ઘુસાડી ઘરમાલિકની જિંદગી ઝેર કરી નાખવાની આવડત કેળવતો નહિ. ટૂંકમાં કહીએ તો ઘરમાલિક અને ભાડુઆતના સંબંધો કંઈક માણસાઈભર્યા રહેતા; આજની માફક બન્ને વચ્ચે દુશ્મનાવટના મોરચા રચાયેલા નહિ.

કુમાર ભાવનાશાળી યુવક હતો. ભણેલોગણેલો અને ધનિક કુટુંબમાં જન્મેલો એ યુવક. એને નોકરી કરવાની જરૂર ન હતી. પરંતુ નોકરી કરવાની જેમને જરૂર હોતી નથી એવા યુવકોને ભાવનાશીલ બનવાની અને ભાવના પ્રમાણે વર્તવાની પૂરી ફુરસદ હોય છે. કવિઓ અને લેખકોની માફક આપણા નેતાઓ પણ ઠીક ઠીક સુખી કુટુંબોમાંથી જ આગળ આવ્યા છે ને ? એમાં ખોટું પણ શું છે ? સગવડ માનવીને કાં તો એશઆરામી અને વ્યસની બનાવે છે અગર કવિ લેખક કે નેતા બનાવી દે છે. વ્યસની બનવા કરતાં કવિ બનવું શું ખોટું ? જો કે ઘણી વાર સગવડ એક જ માનવીને વ્યસની અને કવિ બન્ને સ્વરૂપે ઘડે છે, ને ત્યારે આફત ઘાટી બની જાય છે એ સાચું !

કુમારની ભાવનાએ તેને કુસુમ નામની આકર્ષક યુવતી તરફ પ્રેર્યો માબાપની ઈચ્છા જુદી જ હતી. માબાપે એક સઘન ઓળખાતી કુટુંબની કન્યા પસંદ કરી હતી. એ કન્યા પણ ઓછી આકર્ષક ન હતી. છતાં આજકાલ સ્વયંવર કે ગાંધર્વ લગ્ન, અને અંતે કન્યા કે વર-હરણનું વાતાવરણ ઊપજે નહિ ત્યાં લગી લગ્નમાં જોમ, કંપ કે સચ્ચાઈ આવે જ નહિ એમ યુવક યુવતીનો મોટો સમૂહ માનતો થઈ ગયો છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો સ્ત્રી એ સ્ત્રી છે અને પુરુષ એ પુરુષ છે. એક એકનાં આવર્તન છે. પ્રતિબિંધ છે; અને જોતજોતામાં તેમને ખાતરી થઈ જાય છે. કે બહુ કવિતાઓ લખી પ્રાપ્ત કરેલી પત્ની બીજી કોઈ પણ પત્નીના પલ્લામાં તોળાય એમ છે, અને બહુ અશ્રુ પાડી નિસાસા નાખી મેળવેલો ઈચ્છાવર બીજા કોઈ પણ સામાન્ય ઢબે પરણેલા વરના છબીચોકઠામાં મૂકી શકાય એવો જ હોય છે.

કેટલાંક માબાપ પુત્રપુત્રીની ઈચ્છાને અધીન બની જાય છે. પરંતુ કેટલાંક માતાપિતાને સ્નેહલગ્નમાંથી સંતાનો પ્રત્યે દુશમનાવટ ઊભી થઈ જાય છે. કુમારનાં માતાપિતા કડક હતાં. તેમણે કુમારને કહી દીધું : 'કુસુમ સાથે તેં લગ્ન કર્યું એમ સાંભળીશ તે દિવસથી તું મારો પુત્ર મટી ગયો હોઈશ.' છતાં કુમારે તો કુસુમ સાથે લગ્ન કર્યું અને બની ગયેલી વાતને કબૂલ રાખવા સરખી કૂમળાશ માતાપિતા દર્શાવશે એમ માની અને વરવહુ સજોડે માતાપિતાને પગે લાગવા ગયાં. પિતાના એકના એક પુત્રને કડક માતાપિતાએ કહ્યું : 'જીવતાં જીવત તમારું મુખ બતાવશો નહિ. જાઓ ! '

આજનાં લગ્ન આટલી બધી ઉગ્રતા દર્શાવવા સરખાં છે કે નહિ એ જુદો પ્રશ્ન છે. માબાપે તો ઉગ્રતા દર્શાવી અને કુમાર તથા કુસુમ બન્ને માતાપિતાનું ઘર છોડી ચાલી નીકળ્યાં. એ પણ ઉગ્ર માબાપનાં જ સંતાન હતાં.

બંને ભણેલાં હતાં. શિક્ષકની નોકરી ત્યારે સહુને સરળતાપૂર્વક મળે એવી ગણાતી હતી. અમારા શહેરમાં બંનેને નોકરી મળી અને મેં તેમને રહેવા માટે ઘર પણ આપ્યું. તેમનો આછો ઇતિહાસ મેં સાંભળ્યો, અને મને તેમના પ્રત્યે સહાનુભૂતિ ઊપજી. માબાપની મરજી વિરુદ્ધ લગ્ન કરનાર પ્રત્યે માબાપ સિવાય સહુને સહાનુભૂતિ ઊપજે છે. ગાંધર્વ લગ્નમાં માબાપ જ દુષ્ટ, ખલ, ત્તિરસ્કારપાત્ર ભાગ ભજવનાર બની રહે છે !

કુમાર અને કુસુમ બન્નેએ પ્રેમલગ્ન કર્યા હતાં છતાં પ્રેમલગ્ન કરવામાં કલ્પાતી અમર્યાદા, ઉદ્ધતાઈ, કે પ્રદર્શનશોખ તેમનામાં સહજ પણ દેખાયાં નહિ. 'અમે પ્રેમલગ્ન કર્યા છે ! એ ખાતર અમે દુ:ખ સહન કર્યું છે ! અમને નિહાળી અમને માન આપો ! અમને સલામ કરો !' એવી કોઈ અબોલ વાણી તેમના વર્તનમાં કે વાતચીતમાં સંભળાતી નહિ. ઊલટી એક પ્રકારની કુલીન લજ્જા બન્નેના વર્તનમાં સ્પષ્ટ થતી હતી. હાથ ઝાલીને ફરવું. એકબીજાનાં નામ દઈ સગર્વ પરસ્પર સંબોધન કરવું, ઉછાંછળાં લગ્ન કર્યા માટે પોશાક પહેરવેશમાં પણ વિચિત્ર સ્વાતંત્ર્ય દાખલ કરવું મોટેથી હસવું. ઘડી ઘડી મનાવા માટે રિસાવું. એવા એવા મુક્ત પ્રેમી ઓના પ્રેમપ્રયોગો પણ તેમના જીવનમાં દેખાયા નહિ. ઊલટી જૂની ઢબનાં યુગલને અદેખાઈ આવે એવી સાદાઈ અને સભ્યતાથી રહેતાં કુમાર અને કુસુમે શાળામાં જ માત્ર નહિ, પરંતુ આખા પડોશમાં સહુનો સદ્દભાવ જીતી લીધો. મારા ઘર સાથે તો એક કુટુંબની માફક તેઓ ભળી ગયાં. બે ત્રણ દિવસે હું તેમને મારી સાથે જમવા બોલાવતો; અને કુમાર તથા કુસુમ પણ સામેથી મારા ઘરનાં બાળકોને બોલાવી જમાડતાં, રમાડતાં, ભણાવતાં પણ ખરાં. છતાં તેમની અવરજવર એવી ન હતી કે જેથી આપણને અણગમો આવે. સમય જોઈ, અનુકૂળતા વિચારી, એક કરતાં વધારે વાર બોલાવીએ ત્યારે જ તેઓ અમારી બાજુએ આવતાં; અને આવતાં ત્યારે પણ જાણે ઘરનાં જ કુટુંબી હોય એમ સરળતાપૂર્વક વર્તતાં.

અમારા ઘરમાં એ ત્રણેક વર્ષ રહ્યાં. કુસુમ એક બાળકની માતા પણ બની; અને ત્યારે અમે એની તથા કુમારની બહુ કાળજી લીધી. કુમાર તો વારંવાર મને કહે : 'મોટાભાઈ ! તમે ન હોત તો અમારું શું થાત ? ' અમારી સહાયને હું હસી કાઢતો, અને કહેતો : ‘કુમાર ! તું મને “મોટાભાઈ” કહે છે, નહિ ? '

'હા જી. આપે એક સગા અને મોટાભાઈ તરીકેનું જ વર્તન અમારી સાથે રાખ્યું છે.'

'તો તારે અને તારા પિતાને હવે મેળ થવામાં વાર નહિ લાગે. એ દિવસ આવે ત્યારે મને ભાગીદાર ગણજે.'

‘જરૂર. હું મારો ભાગ ગણીશ જ નહિ; પણ બધું જ તમને સોંપીશ.'

'નહિ નહિ, મિલકતમાં ભાગ નહિ. તારા આનંદમાં...'

એ દિવસ જલદી આવી પહોંચ્યો છે એમ મને લાગ્યું. કુમારના એક વડીલ સગાએ આવી કુમારને કહ્યું : 'તારી શાળાની રજામાં તું નર્મદા કિનારે આવે તો કેવું?'

'મને શી હરકત છે ! હું તો રજામાં રખડું જ છું.'

'તારા માતાપિતા ત્યાં આવવાનાં છે.'

'પણ એ તો મારું મુખ જોવા માગતાં નથી– મારું જીવતું મુખ.'

'માની લે કે કદાચ તેમ હોય, પણ તારા પુત્રને જોવાની તો તેમને બહુ જ ઈચ્છા થઈ છે.'

'મારી કે મારી પત્નીની હાજરી વગર એ કેમ બની શકે ?'

'હું કહું તેમ કરજે ! વગર સમજ્યે તો હું અહીં આવ્યો નહિ હોઉં ! તું ત્યાં ચાલ. જગા નક્કી કરી રાખી છે. તારા પુત્રને જોવા તારાં માબાપ તમે ન બોલાવે તે મને ફટ્ કહેજે. અકસ્માત મેળાપ જેવો બીજો આનંદ નથી. અને...તારા વગર એ કેટલાં ઝૂરે છે એ હું તને શું કહું?'

કુમારની આંખમાં આંસુ આવ્યાં. પિતાને પગે લાગવાની તેની તૈયારી સતત હતી જ; માત્ર તે કુસુમની જોડે જ. એણે પ્રતિજ્ઞા લીધી ન હતી. એટલે તે કુસુમ અને પોતાના પુત્રને સાથે લઈ જવા તૈયાર થયો. મારી સલાહ પણ એણે પૂછી. પિતા, માતા અને પુત્રનું શુભમિલન થતું હોય તો તે થવા દેવાની કોણ અભાગી ના પાડે ? મેં તેના વડીલ સગાંની સલાહને બહુ પુષ્ટિ આપી.

રજા પડી અને કુમાર તથા કુસુમ નદીકિનારે જવા નીકળ્યાં. મેં તેમને વળાવ્યાં. સાથે ખૂબ કાચુંકોરું પણ આપ્યું. માનવીનાં હૃદયો સાંકડાં બની જાય એવી મોંઘવારી પણ ત્યારે ન હતી. નાના બાળકને સાચવવાની શિખામણ આપી અને ગુસ્સાવાળાં માતાપિતા કદી તોછડાં બને, તો ય તે ન ગણકારી માતાપિતા સાથે મેળ કરી લેવાની આગ્રહભરી સલાહ આપી.

'હું તો સાસુસસરાના પગ ઉપરથી માથું ખસેડીશ જ નહિ; પછી?' કુસુમે કહ્યું.

'પણ કુસુમબહેન ! મેળ થાય ત્યારે આ ઘરને ભૂલશો નહિ.' પ્રેમલગ્ન વગર મને પરણેલી મારી પત્નીએ કહ્યું.

કુસુમની આંખ આંસુથી ઊભરાઈ ગઈ. તેણે કહ્યું : 'ખરે વખતે જે ઘરમાં મને આશ્રમ મળે એ ઘર અને એ કુટુંબને જીવતાં સુધી કેમ ભુલાય ?'

'શું શું બન્યું તે મને રોજ લખતો રહેજે, કુમાર !'

'જરૂર, મોટાભાઈ !'

'મોટાભાઈનો ભાગ ન ભુલાય, હો!'.

અને કુમાર, કુસુમ તથા તેમનું બાળક રિસાયલાં માતાપિતાને મનાવવા નર્મદાકિનારે ગયાં. અમને સહુને ભારે અણગમો આવ્યો. ત્રણ ત્રણ વર્ષથી કુટુંબી બની ચૂકેલાં પતિપત્નીને જવા દીધા પછી અમને કોઈને ઘરમાં ફાવ્યું નહિ. તેમના કાયમ ભણકારા વાગ્યા જ કરતા હતા.

ત્રણચાર દિવસે એક કાગળ કુમાર તરફથી આવ્યો. તેમાં લખ્યું હતું કે તેનાં માતાપિતા આવી ગયાં હતાં. 'બાબા'ને દાદા-દાદી પાસે મોકલ્યો હતો. અશ્રુભીની આંખે તેમણે તેને નિહાળ્યો અને રમાડ્યો હતો, અને જ્યાં સુધી તે ત્યાં હોય ત્યાં સુધી નિત્ય તેને પાસે લાવવાનું ફરમાન હતું. હજી કુમાર અને કુસુમ ઉપર તેમનો રોષ ઘટ્યો હતો કે નહિ તે સમજાતું ન હતું. પરંતુ બાળક દ્વારા અંતિમ સમાધાન થઈ જશે એવી તેને આશા હતી'

બીજે જ દિવસે પાછો પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું કે કુમાર, કુસુમ તથા બાબા એમ ત્રણે જણને માતાપિતા પાસે જવાનું આમંત્રણ મળી ચૂકયું હતું. કાગળ પહોંચવાને દિવસે જ બધાં ભેગાં મળી સાથે જમશે અને મરજી વિરુદ્ધ કરેલા લગ્નની માતાપિતા તરફથી ક્ષમા મળી જશે !

મને બહુ જ આનંદ થયો. અમારા ઘરનાં માણસોને પણ આનંદ થયો, સુખી થવાને પાત્ર જેડલું હવે કુટુંબભેગું થઈ વધારે સુખી થશે; માત્ર અમારો સારો સહવાસ તૂટશે એટલું મનને લાગ્યું. પરંતુ આપણા એવા ટૂંકા સ્વાર્થ સામે આખા કુટુંબના સુખને ભૂલી અમે બહુ સંતોષ અનુભવ્યો.

બીજે દિવસે વર્તમાનપત્ર વાંચતાં જ મારાં ગાત્ર ગળી જતાં હોય એમ મને લાગ્યું. મારી આંખ આગળ દેખાતી આખી સૃષ્ટિ ફરવા લાગી. મારા પગમાંથી કૌવત જતું રહ્યું. હાથમાંથી છાપું પડી ગયું અને હું આંખો મીંચી જમીન ઉપર બેસી ગયો.

'શું થયું ? ફેર આવ્યા ?' મારી પત્નીએ પૂછ્યું.

મારાથી જવાબ અપાયો નહિ. મેં વર્તમાનપત્ર તરફ આંગળી ચીંધી. મારી પત્ની પણ સમાચાર વાંચી સ્થિર, જડ બની ગઈ. નાના ભાઈ-ભોજાઈ તરીકે સાથે રાખેલાં કુમાર તથા કુસુમ બન્ને નદીમાં ડૂબી મરણ પામ્યાં, અને એ અસહ્ય દુઃખ નજરે જોનાર તેના પિતાનું પણ હૈયું ફાટી જતાં તેમણે પણ નદીકિનારે પોતાનો દેહ છોડ્યો, એવા સમાચાર વર્તમાનપત્રે આપ્યા હતા !

આ સમાચાર ખોટા પડે એવી આશામાં મનને કઠણ કરી બીજું વર્તમાનપત્ર ખોલ્યું. એમાં પણ સમાચાર એના એ જ ! એ બને કોઈ મારાં સગાં ન હતાં એટલે કાગળ આવવાનો સંભવ ન હતો. એમની પાસે સામાન પણ એવો ન હતો કે જે લેવા આવવાની કોઈ દરકાર કરે. આમ જોતાં તો ઘરમાલિક અને ભાડુઆતનો અમારો સંબંધ છતાં અમારો આત્મા કકળી ઊઠ્યો. આખું વર્ષ જાણે હૃદયમાં શૂળ ભોંકાયેલી રહેતી હોય એમ લાગ્યા કર્યું. એક દિલગીરી પ્રદર્શિત કરતો કાગળ લખી સરસામાન લઈને એક માણસને કુમારના પિતૃગૃહે મોકલ્યો. એટલી જ ખબર પડી કે કુમારની માતા કુમારના પુત્રને મોટો કરવા માટે જીવી રહી હતી !

પછી તો વર્ષો વીતી ગયાં. ઘર મેં ફરીથી કોઈને ભાડે આપ્યું નહિ. કુમાર અને કુસુમ ભુલાયાં તો નહિ, પરંતુ સમયના પટ ઉપર એ ભૂતકાળ બની ગયાં. જ્યારે જ્યારે એ યાદ આવે ત્યારે દુઃખ થતું; પરંતુ એ દુઃખ પણ જીવનમાં વ્યવસ્થાસર ગોઠવાઈ ગયું ! માનવી દુઃખ ભૂલતો નથી; દુઃખ માનવીને રીઢો બનાવે છે ! એ બન્નેનાં સ્મરણ પણ પાતળાં અને ઝાંખાં પડવા લાગ્યાં હતાં. દુઃખનાં સ્મરણોને ભૂલવાનું જ માનવી મંથન કરે છે !

વર્ષો પછી મારા કુટુંબમાંથી પણ સહુની ઈચ્છા થઈ કે હવાફેર માટે સહકુટુંબ નદીકિનારે જવું. નર્મદાકિનારો જ ગુજરાતમાં તો પાસે અને અનુકૂળ પડે. એટલે સહુએ ત્યાં જવાનો નિશ્ચય કર્યો, જોકે મને કુમાર અને કુસુમનો પ્રસંગ પાછો યાદ આવ્યો ! સગાં નહિ એવા ઓળખીતાનાં વર્ષો ઉપર થયેલા મૃત્યુને યાદ કરી સારે સ્થળે ન જ જવું એ કોઈને પણ યોગ્ય ન જ લાગે. મેં આછો અણગમો દર્શાવી સહુ સાથે જવાનું કબૂલ કર્યું, અને અમે ગયાં.

નર્મદાકિનારો ! તેમાં અજવાળી રાત ! પછી પૂછવું શુ ? આખા કુટુંબને નહાવાની, રહેવાની, રમવાની ભારે મજા પડી. હું પણ કુટુંબના આનંદનો ભાગીદાર બની રહ્યો હતો. છતાં કુમાર અને કુસુમ વારંવાર યાદ આવી જતાં. લોક તો એ વાત ભૂલી પણ ગયાં હતાં. અકસ્માત કોઈ ને કોઈ નદીમાં વષોવર્ષ ડૂબે. ગામલોકો એવાં કેટલાં ડૂબતાંને યાદ કરે ? કુમાર અને કુસુમ કેમ અને ક્યાં ડૂબ્યાં તેની માહિતી હવે કોઈ આપી શક્યું નહિ. મારે બીજું કાંઈ કરવું ન હતું; માત્ર એ સ્થળે બે ફૂલ ચઢાવવાં હતાં. પરંતુ મને કોણ એ સ્થળ બતાવે? જેને પૂછીએ તે જવાબ આપે: 'હાં ! કઈ બેત્રણ માનવી ડૂબેલાં ખરાં. પણ હવે વર્ષો વીતી ગયાં. નદીનો પટ પણ જરા ફર્યો છે. કઈ જગાએ એ ડૂબ્યાં તે યાદ આવતું નથી.'

'તેમનાં નામ યાદ છે ?' મેં પૂછ્યું.

'નારે ના; આટલે વર્ષે કોણ યાદ રાખે?'

'સારાં ખોટાં માનવીને યાદ રાખવાની જગતને ફુરસદ નથી ! નદીનાં પાણી વહ્યે જ જાય છે. ગઈ સાલ આ જ સ્થળ ઉપરનું મોજું સમુદ્રમાં પહોંચી ગયું હશે ! આજ મારા પગ નીચે ઊછળતું મોજુ આવતી કાલ કેટલા એ ગાઉ મારાથી દૂર નીકળી ગયું હશે ! પાણી તો વહ્યા જ કરે છે. સહુ એ પાણીસમૂહને નર્મદાનું નામ આપે છે. પરંતુ આજ અહીં વહેતી નર્મદા આવતી કાલની અહીંની નર્મદા નહિ જ હોય ને?

એમ માનવજાત તો વહ્યા જ કરે છે. માનવમોજાં વ્યક્તિગત રીતે ઊંચાં ઊછળે, પાછાં પડે, અદૃશ્ય થાય, બીજાં તેમની ઉપર રચાય, તે પણ એ જ માર્ગે જાય, ભુલાય. અને આ ભુલાતાં, નવાં જમતાં, જરા ઊછળતાં કે કદી તોફાને ચઢી આકાશને અડકવા મથતાં માનવમોજાં ને પોતામાં સમાવતી માનવનર્મદા વહ્યા જ કરે છે. માનવી અને પાણીનાં મોજાને સરખાવતો હું કિનારે કિનારે આગળ વધ્યો. પૂનમની રાત વિચારપ્રેરક બને અને વિકારપ્રેરક પણ બને ! એ વિકાર પણ એક મોજું જ છે ને ? વ્યક્તિગત માનવીનું જીવન પણ એક નદીનો જ પ્રવાહ છે ને ? પરંતુ નદી સજીવન રહે છે; વ્યકિત સજીવન રહેતી નથી જ. વ્યક્તિ સાથે જ એનો સર્વસંગ્રહ લુપ્ત થઈ જાય છે. પાર્થિવસંગ્રહ રહે. એનાં ઘરબાર રહે. એના વ્યક્તિત્વથી વિખૂટાં પડી અનોખું વ્યક્તિત્વ ધરાવતાં એના સંતાનો રહે. પણ એનો તો નાશ જ ને ? વ્યક્તિના વિચાર, વ્યક્તિની કલ્પના, વ્યક્તિનાં સ્વપ્ન, વ્યક્તિના ગુણ, વ્યક્તિના દોશ, એ સર્વસંચય વ્યક્તિના દેહ સાથે જ–અરે, દેહનીયે પહેલાં શું લુપ્ત થઈ જવાનાં? વ્યક્તિનો પડછાયો પણ ન જીવે ?

'મોટાભાઈ!'

કિનારા ઉપર દૂરથી મેં એક બૂમ સાંભળી. હું ચમક્યો. આખા વાતાવરણમાં કોઈ માનવી હતું જ નહિ..મારા સિવાય. ઓળખાય એવો કંઠ લાગ્યો. મેં તે બાજુએ જોયું. ઝડપથી એક વ્યક્તિ મારી પાસે આવતી મેં નિહાળી. મારી ચમક કરતાં મારું આશ્ચર્ય વધી ગયું. મારી સામે વર્ષોથી મૃત્યુ પામેલો કુમાર આવતા હતો ! કુમારનો પુત્ર આવડો મોટો આટલાં વર્ષોમાં ન જ થાય. એનો બીજો ભાઈ પણ ન હતો, જે તેના સરખી મુખરેખા ધરાવતો હોવાનું કારણ બને !

‘કુમાર ! તું ?' આશ્ચર્યમાં ગૂંગળાતાં મેં પૂછ્યું.

'હા, હું જ. મને ન ઓળખ્યો?' કુમારે સામે પૂછ્યું.

'ઓળખ્યો તો બરાબર... પણ?'

'આપણે મળે ઘણો સમય થઈ ગયો, ઝટ ઓળખાણ ન પણ પડે. બધાં કેમ છે? ભાભી શું કરે છે?'

મને પૂછવાનું ભારે મન થઈ આવ્યું કે 'કુમાર, તું જીવતો છે?' પરંતુ એને આમ મારી સામે જ જીવંત ઊભેલો નિહાળી હું એ પ્રશ્ન કેમ કરી શકું? એટલે એ પ્રશ્નને મુલતવી રાખી મેં બીજો સૂચક પ્રશ્ન કર્યો: 'કુમાર ! તું અહીં ક્યાંથી?'

'કેમ ? હું તો અહીં આ પૂનમે દર વર્ષે આવું છું. તમે મળ્યા એ બહુ સારું થયું. કેટલાં વર્ષ વીતી ગયાં?' કુમારે કહ્યું.

'પણ... પણ...કુસુમબહેન ક્યાં?' ડગમગતે હૈયે મેં પૂછ્યું.

'અહીં જ છે... પાસે...પેલી આરા ઉપર નહાય છે તે.'

ખરેખર, એક યુવતીને મેં સ્નાન માટે પાણીમાં ઊતરતી જોઈ. આખી દેહછટામાં મેં કુસુમને ઓળખી.

'ત્યારે ત્યારે...તો એમને મળાશે. મને બહુ સારું લાગ્યું.. હં...બાબો ક્યાં હશે?' મેં પૂછયું.

'એ તો મારી મા પાસે હવે રહે છે. તમને મેં પત્ર લખ્યો હતો, તે પ્રમાણે મારે તો માતાપિતા સાથે સમાધાન થઈ ગયું. આ પૂનમની જ રાત હતી. કિનારો નિર્જન બની ગયો હતો. આનંદમાં હું અને કુસુમ એકલાં અહી ફરવા આવ્યાં. કુસુમને નહાવાનું મન થયું; મને પણ સાથે નહાવા આમંત્રણ આપ્યું. પત્ની સાથે સ્નાન કરવું કોને ન ગમે ? પણ બીજા બદલવાનાં વસ્ત્ર નહતાં. કુસુમે કહ્યું : "આવો ને? આપણે અરધે વસ્ત્રે નાહીશું નળદમયંતી માફક." કહેતાં બરાબર સાડી કિનારે ફેંકી ચણિયા કબજા સાથે તે પાણીમાં ઊતરી...જુઓ ! ઊતરે જ છે, ઊંડે જાય છે...અરે!”

વાતાવરણને ભેદતી એક ચીસ પડી. કારમી ચીસ સાંભળતાં બરોબર કુમાર દોડ્યો અને પાણીમાં પડ્યો. હું પણ પાછળ દોડ્યો.

મધ્ય નદીમાંથી બૂમ પડી: 'હરકત નથી. મગરની ચૂડ છૂટી ગઈ.' કુમારનો એ સાદ હતો. જોતજોતામાં કુસુમને ખેંચી કુમાર કિનારે આવી પહોંચ્યો. કુસુમને આરા ઉપર સુવાડી અને કુમારની આંખો ફાટી ગઈ.

'કુસુમ, કુસુમ !' કુમારે બૂમ પાડી. ન કુસુમે જવાબ આપ્યો; ન કુસુમે આંખ ઉઘાડી. કુમારે કુસુમના દેહને હલાવ્યો; હાથ હલાવ્યા; પગ હલાવ્યા, તે હાલ્યા. પણ જડતાપૂર્વક !

'કુસુમ ! મારી કુસુમ !' કહી ઘેલા બનેલા કુમારે કુસુમના શબને ઉપાડી આલિંગન કર્યું. હું રોકવા જાઉં તે પહેલાં તો કુસુમના શબને લઈ કુમાર નદીમાં પડ્યો. પડતાં પડતાં કુમાર બોલ્યો : 'કુસુમ ! આવ, આપણે સહસ્નાન કરીએ.' અને બંને દેહ પ્રવાહમાં ખેંચાવા લાગ્યા !

મને તરતાં આવડતું ન હતું. મેં મોટેથી બૂમ પાડી : 'બચાવો ! બચાવો !'

'હવે નહિ બચે.'

મારી પાછળથી કેાઈએ ઘેરો જવાબ આપ્યો. વૃદ્ધાવસ્થામાં પ્રવેશતા એક પુરુષને મેં એકીટસે આ પ્રસંગને નિહાળતા જોયા.

'આપ કોણ ?'

'હું કુમારનો અભાગી પિતા. સાચો મગર જ હું ! મેં જ એ મારા રામસીતાને મારી નાખ્યાં !'

‘વડીલ ! આપણા હાથની વાત નથી'

'એ મારા જ હાથની વાત હતી. શા માટે મેં એમને કાઢી મૂક્યાં? હું જ એમનો ખૂની !'

'એ ગઈગુજરી...'

'ગઈગુજરી? હજી તો એ મારી આંખ સામે જ ગુજરે છે. હું પકડી પાડી એમની ક્ષમા માગું...'

'પણ એ કેમ બને? હવે ?' મેં પૂછ્યું –દુઃખપૂર્વક.'

વૃદ્ધના મુખ ઉપર પણ ઘેલછા વ્યાપી હતી.

'કહું કેમ બને તે ?' આટલું બોલતાં બરાબર આરાના પથ્થર ઉપર અત્યંત બળપૂર્વક નિર્દય રીતે તેમણે પોતનું માથું પટક્યું. મસ્તક તૂટી ગયું. લોહીના રેલા ચાલ્યા અને નિર્જીવ બની એ વૃદ્ધ પણ આરા ઉપર પડી ગયા.

ત્રણ મૃત્યુ મેં થોડી જ ક્ષણમાં નિહાળ્યાં. હું પગથાર ઉપર બેસી ગયો અને આંખે હાથ દઈ દીધો !

આંખ ઉઘાડતાં જ મારી સામે બેત્રણ માનવીઓને ઊભેલાં મેં જોયાં.

'તમે કોણ છો?' પૂછ્યું.

'ગામના ચોકિયાત. મોડું થયું એટલે તમને શોધવા ઘેરથી અમને મોકલ્યા. ચાલો.'

‘ત્યારે કુમાર, કુસુમ, કુમારના પિતા..!'

'અહીં કોઈ જ નથી.'

'લોહી રેલાયું છે ને?'

'અં હં. અહીં લોહીબોહી કાંઈ નથી.'

મેં જોયું, લોહી ન હતું. માત્ર ચંદ્ર ચાંદનીને બદલે રુધિર વરસાવતો લાગ્યો.

'ત્યારે...મેં એ બધું શું જોયું?'

'સાહેબ ! કાંઈ નહિ. સપનાની માયા ! પણ આ પૂનમે એકલા આ બાજુએ આવવા જેવું નથી.'

'કેમ ?'

'કાંઈ નહિ; પણ કદી કદી કોઈને કાંઈ દેખાઈ જાય.'

'શું દેખાય?'

'એ તો અમારા ગામડિયા લોકના વહેમ. તમે ચાલો.'

મેં ઊઠીને તેમની સાથે ચાલવા માંડ્યું. વાતાવરણમાં અમારા સિવાય અને નદીનાં મોજાં સિવાય કાંઈ જ હાલતું લાગ્યું નહિ.

'હા, હા, પેલા તારા હાલતા હતા. શા માટે? એ પણ કોઈ અધ્ધર ફરતાં થરથરતાં પ્રેત તો નહિ હોય?' કદાચ મને કુમારના વિચારે એકાંત કિનારે સ્વપ્ન પણ આવી ગયું હોય ! છતાં સ્વપ્ન અને સત્ય વચ્ચે કેટલો ફેર ? એક આંખ ખોલવા પૂર; નહિ ?

હવે હું વિજ્ઞાનના સત્ય માટે આગ્રહભર્યો વાદવિવાદ કદી કરતો નથી.