લખાણ પર જાઓ

કાંચન અને ગેરુ/નિશ્ચય

વિકિસ્રોતમાંથી
← સત્યનાં ઊંડાણમાં કાંચન અને ગેરુ
નિશ્ચય
રમણલાલ દેસાઈ
નવલિકામાંથી એક પાન →





નિશ્ચય



હજી સાધન અનુસાર કુટુંબ રચવાની જવાબદારી હિંદ સમજ્યું નથી.

રમાનો જન્મ ઠીક ઠીક મોટા કુટુંબમાં થયો હતો. તેને બે મોટી બહેનો હતી અને બે નાના ભાઈઓ હતા. પિતામાતા હતાં અને કેટલાંક સગાંવહાલાંનાં બાળકો એક જ ઘરમાં ભણવા માટે રહેતાં હતાં. હિંદની કુટુંબવત્સલતા ત્યારે એટલી ઘસાઈ ગઈ ન હતી કે ઘરમાં ચોખ્ખા નિજકુટુંબ સિવાય બીજા કોઈનો સમાસ ન જ થાય.

રમાની બન્ને મોટી બહેનો પરણી ગઈ હતી. છોકરીઓ, દીકરીઓ ઠીક ઠીક જગાએ જોગવાઈ જાય એ સ્વાભાવિક રીતે જ વડીલો ઈચ્છે; અને એ જોગવાઈ બે બહેનો પૂરતી થઈ ચૂકી હતી. પરંતુ રમાની જોગવાઈનો પ્રશ્ન આવતાં માબાપને લાગ્યું કે દુનિયા પલટાઈ ગઈ છે. ને લગ્ન વિષેના વિચારમાં ક્રાંતિકારી બની ગઈ છે.

વાગ્દાન ભલે નક્કી થાય, પણ લગ્ન તો મોડું જ થવું જોઈએ ! એવો એક મત સમાજમાં ઘૂમી રહ્યો.

છોકરીઓ પણ કેળવાયેલી, ભણેલી – બને તો અંગ્રેજી ભાષાથી વિભૂષિત – હોવી જ જોઈએ, તે સિવાય લગ્ન સુખી ન જ નીવડે ! એવો બીજો મતપ્રવાહ સમાજમાં વ્યાપી રહ્યો હતો.

અભણ, અર્ધ ભણેલી છોકરીઓ ભાવિ પતિને ગમે કે નહિ એ પ્રશ્ન પણ પતિ પાસે આવતાં પહેલાં સુધરેલાં માબાપને જ તે કોરવા લાગ્યો.

બાળલગ્ન તો જોતજોતામાં અદ્રશ્ય થઈ ગયું – ઊંચી કહેવાતી કોમોમાંથી. 'બાળ' શબ્દની વ્યાખ્યા પણ ઝડપથી ફરવા માંડી – જૂની ઢબનાં માબાપને ભય ઉપજાવે એવી ઢબે.

એટલે બે મોટી બહેનોએ અંગ્રેજી ચોથીમાંથી શિક્ષણ મૂકી સંસાર માંડ્યો હતો, તેવી તક રમાને મળે એમ ન હતું. એને માટે જ્ઞાતિમાં જ સારું ભણતા એકબે છોકરાઓ માબાપની નજરમાં હતા જ, પરંતુ સારું ભણતા છોકરાઓનાં માબાપ પણ સારી સંપત્તિવાળાઓ કરતાં વિવાહની બાબતમાં વધારે ઉદ્ધતાઈ સેવે છે.

'છોકરી સારી છે... પણ જરા ભણવા દો. પછી જોઈશું.' એ છોકરાના માબાપનો જવાબ હવે જાણીતો બન્યો છે.

છોકરાઓ માટે ભણતર લગ્નબજારની એક ઠીક ઠીક થાપણ ગણાતું – જો ધન ન હોય તો. પરંતુ છોકરીઓને તો બે થાપણની જવાબદારી સહ લગ્નબજારમાં પ્રવેશ કરવો પડે એવી સ્થિતિ હવે ઉત્પન્ન થવા માંડી હતી : એક રૂપ અને બીજું ભણતર !

અલબત્ત, માબાપની સાંપત્તિક સ્થિતિને ત્રીજું તત્ત્વ માની શકાય.

એટલે રમાને આગળ ભણવું પડ્યું. ભણતરનું ખર્ચ પણ માબાપને ઉઠાવવું પડ્યું. સારો સોદો કરવો હોય ત્યારે ખર્ચ સામે કેમ જોવાય ?

રમાનું ભણતર પણ યશસ્વી નીવડતું ચાલ્યું. સ્ત્રીજાત સરખી સ્થિતિસ્થાપક જાત પ્રભુએ બીજી સર્જી જ નથી. જે સ્થિતિમાં મુકાય એ સ્થિતિ સ્ત્રી કબૂલ કરી લે છે. કદાચ આછી આનાકાની કરે, સહજ બંડ ઉઠાવે કે છેવટે આપઘાત કરે, એ ખરું ! પરંતુ એવી આનાકાની કે બંડના પ્રસંગો બહુ જ જૂજ આવવાના–અપવાદ રૂપે. મોટે ભાગે તો વડીલો અને વડીલો દ્વારા રચાતો સમાજ જે કહે, જે કરે, તે પુત્રીને સ્ત્રીને કબૂલ જ હોય છે.

માબાપ કહે: આ તારો પતિ !

દીકરીના મુખ ઉપર કબૂલાત લખાયલી જ હોય : કબૂલ ! જન્મોજન્મ એ પતિ !

સમાજ કહે : વિધવાથી લગ્ન ન થાય !

સ્ત્રી એક ડગલું આગળ વધી કહે : માન્ય, બધી રીતે માન્ય ! બાળવિધવાને પણ લગ્ન નહિ !

સમાજ સ્ત્રીને કહે : તને આઠ વર્ષે પરણાવવી જ જોઈએ, નહિ તો...ધર્મ રસાતાળ પહોંચી જશે !

સમાજને પગે લાગી સ્ત્રી કહે: આઠ વર્ષે લગ્ન ? અરે, એથી ઓછાં ! છ વર્ષે, ચાર વર્ષે, બે વર્ષે.આજ્ઞા કરો ! મારા જન્મ પહેલાં જ મારું ભલે ને લગ્ન થઈ જાય !

કવિ કહે : હે સ્ત્રી ! તું પરી બની જા !

કબૂલ કવિરાજ ! સ્ત્રી કહે છે, અને પરી જેવાં વસ્ત્રાભૂષણ પહેરી, પરી સરખા ઊડતા ભાવ પ્રગટાવી, પ્રત્યેક પુરુષઆંખમાં કવિતા આંજતી સ્ત્રી પરી બની જાય છે.

તારે પતિના શબ સાથે જીવતાં બળી મરવું પડશે: પ્રતિષ્ઠાવિધાયક પુરુષોની બાંગ સભળાય છે.

કબૂલ, પ્રતિષ્ઠાદેવી ! મને સતીનું બિરદ આપ આપો છો એ ઓછો બદલો છે? સ્ત્રી કહે છે.

સ્ત્રીઓને કહેવામાં આવ્યું તમે ભણો, નહિ તો સારો વર તમને મળશે નહિ,

સ્ત્રીઓએ તે કબૂલ કરી ભણવા માંડ્યું. એટલું સારું ભણવા માંડ્યું કે પુરુષોને શરમ આવે ! રમા પણ આગળ ભણીને પુરુષો માટે સામાજિક અનુકૂળતા સાધતી હતી. જ્ઞાતિના જે બે છોકરાઓ પ્રત્યે રમાના પિતાની અને માતાની દૃષ્ટિ ખેંચાઈ હતી તેમાંના એક યુવકની દૃષ્ટિ પણ રમા તરફ ખેંચાઈ; અને રમાને અંતે પરણવાનું તો હતું જ ને ! એટલે એ યુવકની ખેંચાયેલી આંખને રમાએ તરછોડી નહિ, ઊલટું આવકારી ભણતર અને પ્રેમના બન્ને પ્રવાહો સાથે વહે એવી આજના બ્રહ્મચર્યાશ્રમમાં સગવડ થઈ છે !

સામાન્ય સ્થિતિના હિંદવાસીને એક આફત સામે ઝૂઝવાનું હોતું નથી; એને આફતોનો સામનો કરવો પડે છે. રમાના પિતાની સ્થિતિ કાંઈ સારી કહેવાય નહિ. મધ્યમ સ્થિતિની પણ એટલે શું એ સહુ કોઈ જાણે છે; તેમાં યે મધ્યમ સ્થિતિની પણ મધ્યમ એટલે ગરીબીની વાસ્તવિકતા તથા ઉચ્ચ રહેણીના ખર્ચાળપણ વચ્ચે સતત ઘસાયા-ઘવાયા કરવું ! રમા પિતૃગૃહની આ પરિસ્થિતિ સારી રીતે સમજી ગઈ હતી. મોટી બહેનો પરણી ગઈ હતી; છતાં તે અને વધારામાં તેમનાં બાળકોની અવરજવર હિંદુ ગૃહમાં જરૂર હોય જ. નાનાં ભાંડુ તો હતાં જ. પોતાનું ભણવાનું ભારણ તે હતું જ. છતાં સ્ત્રીજાત જ સહન કરી શકે એવી સુશીલતાપૂર્વક તે ભણતી. માતાને ઘરકામમાં અને રસોડામાં સહાય કરતી બહેનોની અવરજવર હોય ત્યારે બહેનો તેમ જ જેમનાં બાળકોને સાચવતી, અને નાના ભાઈઓની પણ કાળજી રાખતી.

બહેનો પિતૃગૃહે આરામ માટે આવતી; નાના ભાઈઓ નાના હતા. એટલે ઘરનું ઘણું ભારણ રમાને માથે જ રહેતું. માતાના દેહને લાગેલો ઘસારો પુરાય એવી કૌટુંબિક પરિસ્થિતિ જ ન હતી. પગે ચાલીને દેવદર્શન કરવું અગર હાડ મારી સહીને જાત્રા કરવી, એ સિવાય હિંદુ જીવનમાં ઘસારા પૂરવાનું બીજું સાધન શું? પૌષ્ટિક ખોરાક, આરામનાં સાધનો, આનંદ પ્રસંગ પર્વટન, એકાંત: એ બધી મધ્યમ વર્ગથી ન પહોંચાય એવી સામગ્રી ધનિક અને ઉચ્ચ કક્ષાના તવંગરો સિવાય બીજાને શક્ય ન જ હોય. રમાનાં માબાપને, ભાઈભાંડુને કે રમાને એ સગવડ ન જ હોય. રમા ઘરકામ પણ કરતી, ભણતી અને સ્થિતપ્રજ્ઞ સરખી જે માથે પડતું તે ઉઠાવી લેતી. જૂની ઢબનું ઘરકામ અને નવી ઢબનું ભણતર જે સ્થિતિ ઉપજાવે છે, તે સ્થિતિ તે સહી લેતી.

રમા સારું ભણતી એટલે વિદ્યાર્થીઓનું લક્ષ્ય પણ તેના તરફ ઠીકઠીક રહેતું. તેના સુસ્વભાવને લઈને બહેનપણીઓ પણ તેના તરફ આકર્ષાતી અને 'ભાઈઓ' પણ ઠીક પ્રમાણમાં તેની સેાબત શોધતા. ચા પીવા માટે, 'પિકનિક' ઉપર જવા માટે, નાટક-સિનેમા જોવા માટે તેને ઠીકઠીક આમંત્રણ પણ મળતાં; પરંતુ આમંત્રણ સ્વીકારવાની તેને જરા ય વૃત્તિ રહેતી નહિ અને સમય પણ રહેતો નહિ. કૉલેજનું રસવંતું ભણતર અને પ્રોફેસરોની મહિનામાં ત્રણચાર દિવસની અવશ્ય માંદગી જેવાં વિદ્યાર્થીઓને ગમતાં સાધનો મળતાં ન હોત તો કૉલેજના વિદ્યાર્થીઓને હોટેલ તથા સિનેમાની આજની જેટલી ઓળખાણ ભાગ્યે જ થઈ શકી હોત. કોઈ પ્રોફેસર પીરિયડ ન લેવાના હોય, અગર એક 'પીરિયડ' તથા બીજા 'પીરિયડ' વચ્ચે બુદ્ધિમાન કૉલેજ નિયામકો કશો શિક્ષણક્રમ ગોઠવી શક્યા ન હોય, ત્યારે વિદ્યાર્થી-વિદ્યાર્થિની અભ્યાસ ઉપરાંત રેસ્ટોરાંનાં પણ અનુભવ લઈ શકે છે.

રમા કદી કદી એવા અનુભવ લેતી ખરી. એમાં કોઈનું ચાલે એમ હોતું નથી. તેમાં એ જયારે ગૌતમ તેને આગ્રહ કરતો ત્યારે તેનાથી ના પાડી શકાતી નહિ. ગૌતમ એક સુખી કુટુંબનો રમાની જ જ્ઞાતિનો નબીરો હતો. એની જ સાથે રમાનો વિવાહ મેળવવા વર્ષો પહેલાં રમાનાં માબાપે નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. માતાપિતાની સુખી સ્થિતિ હોવા છતાં ગૌતમ ઠીક ઠીક ભણતો હતો, અને સુખી સ્થિતિને પરિણામે આકર્ષક પણ બની રહેતા હતા. જ્ઞાતિની ઘણી છોકરીઓનાં માગાં પાછાં ફેરવ્યાનું અભિમાન ગૌતમ અને તેનાં માતાપિતા લઈ શકે એમ હતું. એ નવીન કુલીનતાના અભિમાની ગૌતમને લાગ્યું કે જ્ઞાતિમાંથી તેમ જ કૉલેજમાંથી રમા કરતાં વધારે સુયોગ્ય યુવતી બીજી જડવી મુશ્કેલ છે ! અલબત્ત સ્થિતિમાં ફેર ખરો ! રમાના પિતાથી રમાને સાઈકલ પણ લાવી અપાતી નથી ! હેરઓઈલ પણ કેવું હલકી જાતનું તે વાપરતી ? – ધુપેલ ! નખ રંગવાની સગવડ પણ તેના પિતા તેને કરી આપતા દેખાતા નહિ ! છતાં સંપત્તિશાળી ગૌતમ હલકો ન હતો; એ આવા સંપત્તિભેદ ચલાવી લે એવો ઉદાર હતો !

અને એની ઉદારતા વ્યક્ત પણ થતી. રમાના ભાઈઓને પણ એ કદી કદી ભેટ આપતો અને તેમની સાથે જ રમાને પણ રૂમાલ, સેન્ટ, સુન્દર છબી, છબીનું પુસ્તક, કલાભરી કોઈ ચીજ કદી કદી મોકલતો. પોતાની પુત્રીઓની આસપાસ ચાલતા વ્યવહારો માબાપની નજર બહાર કદી રહે જ નહિ. પરંતુ કેટલાક વ્યવહાર ઇચ્છનીય અને ગમતા હોય છે. ભણાવીને પણ છોકરીને તો પરણાવવાની જ ને ? આપોઆપ ઈચ્છિત વર તેને મળી જતો હોય તો તેમાં ડાહ્યાં માબાપ કદી વાંધો લેતાં જ નથી. અલબત્ત, બાળક બાળકીનાં લગ્ન ગોઠવવાનો માબાપનો જૂનો હક્ક એમાં ચાલ્યો જાય છે ખરો. છતાં સમયના પલટાને પિછાની માબાપ પણ સારા પ્રમાણમાં હક્ક ખોવાની ઉદારતા દર્શાવે છે. એટલે રમાને જૂની દુનિયામાં પડવા પાત્ર મુશ્કેલી નડી નહિ; એટલું જ નહિ, ગૌતમ તથા રમાને કદી કદી સાથે ફરતાં જોયાની ચુગલી માબાપ હસીને બાજુએ મૂકતાં.

કોઈ દિવસ સંધ્યાકાળે રમા કહેતી કે 'હું બે કલાક જઉં ?'

ત્યારે માબાપ સમજતાં કે ગૌતમ સાથે રમા કાં તો ફરવા જતી હતી અગર સિનેમા જોવા જતી હતી. અલબત્ત, રમાને પરવાનગી મળતી ખરી. પરંતુ રમાએ માથે લીધેલું એ કે કામ એ બે કલાક કે ત્રણ કલાકના બહારવટાથી બગડે નહિ એટલી એ કાળજી પણ રાખતી.

ગૌતમ અને રમા પરસ્પર પ્રેમી બનતાં ચાલ્યાં – કહો કે પ્રેમી બની જ ગયાં. પ્રેમાવેશમાં ગૌતમે કૉલેજની પરીક્ષામાં એક બે વર્ષ નિષ્ફળતા પણ મેળવી. પરંતુ નિષ્ફળતા સહન કરવા જેવી રમાની આર્થિક સ્થિતિ ન હોવાથી રમાએ પ્રેમની પકડને એવી મજબૂત બનવા દીધી ન હતી કે જેથી તેની બુદ્ધિ કૉલેજમાં શિખવાતા વિષયો પ્રત્યે બુઠ્ઠી બની જાય. પ્રેમની પરાકાષ્ટા અનુભવતાં રમાં ગૌતમથી અભ્યાસમાં આગળ થઈ જાય એવો ભય ગૌતમને લાગ્યો ન હોત તો એ અભ્યાસ મૂકી માત્ર પ્રેમની મશાલ સળગાવી ફરતો હોત. વહુ કરતાં વર એકાદ ચોપડી આગળ અને એકાદ પરીક્ષા વધારે પસાર કરેલો તો હોવો જોઈએ ને ? સ્ત્રીને ચાહતો પુરુષ હજી સ્ત્રીથી હારવામાં તો શરમ જ અનુભવે છે.

રમાના યશસ્વી ભણતરથી કુટુંબની આર્થિક સ્થિતિ કાંઈ સુધરે એમ હતું જ નહિ – જ્યાં સુધી તે ભણી રહી ઘરમાં આર્થિક સહાય લાવતી ન થાય ત્યાં સુધી ! એ કૉલેજમાં આવી તે વર્ષે એની એક મોટી બહેન મૃત્યુ પામી; બીજે વર્ષે બીજી મોટી બહેન પણ મૃત્યુ પામી. વહેલાં લગ્ન અને સંતતિસંયમનો અભાવ સ્ત્રીમરણના પ્રમાણને ઘણું જ વધારી દે છે.

બાળકો એ સ્થિતિમાં મોસાળ વગર બીજે ક્યાં ઊછરે ? પત્ની ગુજરી જતાં એ સ્થાન ઝડપથી પુરાયલું રહે એવી તજવીજમાં પડેલા શોકગ્રસ્ત પતિ અને તેમનાં માતાપિતા બાળકોની સંભાળ માટે પૂરતું લક્ષ્ય ન જ આપી શકે એ સ્વભાવિક છે. પતિને બીજી પત્ની મળી શકે; બહેનને કાંઈ ગયેલી બહેન પાછી મળવાની હતી ? બંને બહેનોનો શોક શમાવી બન્ને બહેનોનાં બબ્બે નાનાં બાળકોને ઘરમાં લાવી ઉછેરવાનો પ્રસંગ રમા અને રમાની માતાને માથે આવી પડ્યો – જે તેમણે અનેક હિંદુ કુટુંબોમાં થાય છે તેમ ઉપાડી લીધો.

રમાને ભણતરે સર્વકાર્યરત બનાવી મૂકી હતી. એને ભણવાનું ભારણ હતું; તે ખુશીથી માતાને કહી શકત કે જો ભણાવવી હોય તો એની પાસે ઘરકામ ન લેવાય ! અને સારા વરની આશામાં માતાપિતાએ હજી વધારે કષ્ટ વેઠી તેની માગેલી બધી સગવડ તેને કદાચ આપી હોત. પરંતુ એને માતાપિતા બંને માટે અતિશય લાગણી હતી. આર્થિક પરિસ્થિતિ આથી વધારે ઊંચી જવાનો સંભવ ન હતો એ ક્યારની યે રમા જોઈ શકી હતી. એટલે ભણતરને દિપાવતી કેટકેટલી ઝમક વગર તેણે ચલાવી લીધું હતું.

‘આજનું લેસન બાકી છે!' 'આજ વધારે વાંચવાનું છે!' એમ કહી રમા ચા કરવાની, બાળકોને નવરાવવાની, જમાડવાની, અને માને રોટલી કરવા લાગવાની મહેનતમાંથી ઊગરી જઈ શકી હોત. બાળકોને વાર્તા કહી ઊંધાડી દેવામાં સમય વ્યતીત કરવાને બદલે તે પોતાના અભ્યાસનું એક પ્રકરણ વધારે પાકું કરી શકી હોત. પિતાની પથારી સાફ કરવાની કાંઈ તેને માથે ફરજ ન હતી ! તે કહી શકી હોત કે રાતદિવસ નોકર ન રાખી શકતા પિતાએ પોતાની પથારી જાતે કરી લેવી જોઈએ. પરંતુ એણે પરીક્ષાના દિવસોમાં પણ એવી દલીલ કદી કરી ન હતી. માતાપિતા બન્ને અપાર કરુણાપૂર્વક છતાં અત્યંત નિઃસહાયપણે દીકરીને, દીકરીના કામને જોઈ રહેતાં અને આવી પુત્રી આપવા માટે ઈશ્વરનો આભાર માનતાં.

ઘણી ય વાર એની મા કહેતી : 'દીકરી ! તું ન હોત તો આ ઘરનું ભારણ હું કેમ કરી ઉપાડી શકત ?'

પુરુષપિતા શબ્દમાં લાગણી દર્શાવતા નહિ. કદી કદી રાત્રે સૂતા પહેલાં દીકરીને માથે હાથ ફેરવી જતા અગર ક્વચિત કહેતા ખરા : 'રમા ! આજ તો થાકી હોઈશ તું. સુઈ જા ને ?' 'ના, ભાઈ ! જરા યે થાક લાગ્યો નથી. આટલું પ્રકરણ પુરું કરી સૂઈ જાઉં.' રમા જવાબ આપતી.

ખરેખર, એણે ઘરકામમાં કે બાળઉછેરમાં સહુને લાગતો એવો થાક અનુભવ્યો પણ ન હતો; અને એ જાણતી પણ હતી કે લગ્ન માટે ભણતર જરૂરી હતું. લગ્ન માટે જરૂરી લાગતું ભણતર પછી તો સ્વતંત્ર ગમી ગયું. લગ્ન માટે જરૂરી હોય કે ન હોય તો ય ભણતર જીવન માટે અત્યંત આવશ્યક બની જતું લાગ્યું.

અને એમાં ઊંડી ઊંડી આશા પણ હતી. સુખી, સમૃદ્ધ ઘરમાં તેનું લગ્ન થાય તો ય તેના ભણતર દ્વારા તે માતાપિતાને ઉપયોગી ન થઈ પડે? કદી, જરૂર પડે તો ?

નાના ભાઈઓ અને એથી યે નાનાં ભાણેજો તો રમાને જ સતત જોઈ રહેતાં. 'બહેન ક્યાં છે?' 'બહેન મને શીખવે.' 'માશી સાથે જ હું જમીશ.' 'માશીવાર્તા નહિ કહે ત્યાં સુધી મારે સૂવું જ નથી.' 'માશી નવરાવે તો જ હું નાહું !' આવી આવી જક કરતાં બાળકો રમા વગર ડગલું પણ ભરતાં નહિ. કૉલેજમાંથી એના આવવાની એ સતત રાહ જોયા જ કરતાં, અને કદીક એને ઘેર આવ્યા પછી બીજે ક્યાંય જવાનું હોય તો બહુ નારાજ બની જતાં. માબાપને તો રમા આત્મા હતી જ; બાળકનો પણ એ જીવ બની ગઈ હતી ! એને પણ માતાપિતા કે બાળકને મૂકીને સભામાં જવું, સિનેમા જોવા જવું કે મિત્રોનાં ચાપાણીમાં જવું રુચતું નહિ – જોકે યુગપ્રવાહ સાથે ઘસડાઈ અપવાદ કરવો પડતો હતો ખરો ! તેમાં ય જ્યારે ગૌતમનો આગ્રહ થતો ત્યારે તો એની માતા પણ એના અપવાદને વધારવાની આજ્ઞા કરતી. કદી કદી ગૌતમ રમાને ઘેર પણ આવતો; પરંતુ પોતાના ઘરની સામાન્યતા ઉપર દયા ખાવાની કે મોટાઈ દર્શાવવાની તક કોઈને પણ આપવા રમા રાજી ન હતી. પોતાને ઘેર આવવા ગૌતમને તે કદી ઉત્તેજતી નહિ. સિનેમામાં કે ફરવામાં રમાનો સાથ ગૌતમ માગતો ત્યારે ઘણું ખરું રમા અમુક સ્થળે, અને અમુક સમયે ગૌતમને મળવાની યોજના કરતી. ઘેર આવી ગૌતમ તેને લઈ જાય એ તેને પસંદ ન હતું. એ કહેતી : 'તું આવે અને માના દેખતાં હું તારી સાથે ચાલું ? એ તો હું શરમાઈને મરી જઉં !'

મુખ્યત્વે શરમનું બહાનું કાઢી તે ગૌતમને પોતાના ઘર પાસે આવવા દેતી નહિ.

અલબત્ત માતાપિતા આ સંબંધથી બહુ રાજી રહેતાં હતાં, અને જ્યારે ગૌતમનાં માતાપિતાએ રમાના માતાપિતાને બોલાવી ગૌતમ તથા રમાનાં લગ્નની વાત કરી ત્યારે તેમણે બહુ જ ખુશીથી સાભાર એ માગણીનો સ્વીકાર કર્યો અને પ્રભુનો ઉપકાર પણ માન્યો.

રમાના મુખ ઉપર આનંદ ઊપજ્યો કે નહિ તે રમાએ કોઈને જાણવા દીધું નહિ. સ્ત્રી જાતિના હર્ષ અને શોક ઘણી વાર ગુપ્ત જ હોય છે ! કૉલેજની કૈંક બહેનપણીઓએ તેને અભિનંદન આપ્યાં, અને તેના પ્રેમની આછીપાતળી આશાના ઉમેદવાર, મિત્રોએ પણ તેને મુબારકબાદી આપી, જે રમાએ સ્વીકારી. પરંતુ રમાના વર્તનમાં કશો જ વિજયી ફેરફાર દેખાયો નહિં. વીલું સ્મિત કરી તે અભિનંદન સ્વીકારી વાત બદલી આપતી.

ગૌતમે પરીક્ષા પસાર કરી કૉલેજ છોડી. એની લગોલગ આવેલી રમાને હજી કૉલેજ છોડવાને એક વર્ષની વાર હતી. એટલામાં ગૌતમનાં માતાપિતાએ કહેણ મોકલ્યું કે હવે રમાનાં અને ગૌતમનાં લગ્ન થઈ જવાં જોઈએ. માતાપિતા પણ તૈયાર હતાં. જો કે રમાના પિતાને એમ લાગ્યું ખરું કે રમા છેલ્લી પરીક્ષા આપી દે ત્યાં સુધી લગ્ન લબાવાયું હોત તો ઘણું સારું થાત. રમાને મત આપવાનો જ ન હતો. એક નિશ્ચય એણે કરી જ રાખ્યો હતો : લગ્ન થાય તો ય છેલ્લી પરીક્ષા આપવાની જ. તેના પિતાએ જેટલી મુદત લંબાવાય એટલી મુદત લંબાવી. અંતે એક મિતિ લગ્ન માટે ઠરાવવી પડી. ગૌતમના ઉત્સાહનો પાર રહ્યો નહિ. બધી વસ્તુઓની માફક લગ્નમાં પણ યુવકોને બહુ જ ઉત્સાહ રહે છે. રમાને ફરવા જવા માટે હવે વધારે આમંત્રણો મળવા લાગ્યાં. પોતાની પત્ની બહુ ભણે એવી સાચી ઈચ્છા રાખતા કૈંક પતિ લગ્નને જતું કરવા કે તેને આગળ લંબાવવા તૈયાર હોતા નથી. પરંતુ ગૌતમને ક્યાંથી ખબર હોય કે લગ્નનો સરંજામ કરવામાં પણ રમાનો ઘણો વખત જતો હતો, અને તેને સિનેમા-નાટક જોવાની જરા ય ફુરસદ મળતી ન હતી !

રમાના ઘરમાં રમાના લગ્નનો ઉત્સાહ જરૂર હતો; પરંતુ એ ઉત્સાહના રંગને ઘેરી કિનાર પણ હતી.

પિતા કદી કહી ઊઠતા : 'સવારસાંજ રમાનું મુખ જોતો એટલે મારા ચોવીસે કલાક સુખમાં જતા. હવે ?...'

માતાથી કદી કદી બોલાઈ જતું : 'દીકરીનું સૌભાગ્ય અખંડ રહો... પણ..મારા હાથ, પગ અને હૈયું ત્રણે ય આજથી જ ભાંગી ગયાં છે...એના વગર હુ પાંગળી બની જઈશ...'

ભાઈઓ પૂછતા : 'બહેન ! લગ્ન પછી તું અહીં આવવાની જ નહિ ?'

'કોણે કહ્યું એમ ? હું જરૂર આવવાની.' રમા કહેતી.

'તું નહિ આવે તો...અમારાં કપડાં...બધું શું થશે ?' ભાઈઓને મૂંઝવતા પ્રશ્ન સાંભળી રમા સહજ હસતી.

અને ભાણેજોએ તો હદ કરી: 'માશી, લગ્ન થશે એટલે તું ચાલી જઈશ ?'

'કોણે કહ્યું ?' રમા હસીને પૂછતી.

'બધાં જ કહે છે ને ?'

'છો કહે.' કહી નાનામાં નાના ભાણેજને ઊંચકી લેતી- જેથી બીજા મોટા ભાણેજોને પણ એમ થતું હતું કે એ હાથ પોતાના તરફ લંબાય ! પરંતુ રમાએ ઘરમાં એક સિદ્ધાંત સ્થાપ્યો હતો કે જે નાનામાં નાનું બાળક એને બધામાં પહેલો હક્ક !

રમાના જવાબથી સંતોષ ન પામતાં બાળકોમાંથી કોઈ ઈચ્છા વ્યક્ત કરતું: 'માશી ! તારા લગ્ન પછી તું અમને સાથે ન લઈ જાય?'

રમા હસીને જવાબ આપતી : 'હું જઈશ તો તમને જરૂર સાથે જ લઈ જઈશ.'

જીવનમાં ઘણાં વચન પાળવા માટેનાં હોતાં નથી એવું રમા જાણતી હતી.

પરંતુ હવે દિવસે દિવસે ગૌતમ રમા પાસે ઘણાં વચનો માગતો અને ઘણાં વચન પળાવવાનો આગ્રહ રાખતો. સ્ત્રી એ પુરુષને મન ફાવે તેમ રમવાનું રમકડું હોય એવી પુરુષોની માન્યતા હોય છે, અને સ્ત્રીઓ પણ ઘણું ખરું રમકડાં બની પુરુષની માન્યતાને પોષે પણ છે. રમાએ ગૌતમના લગ્નોત્સુક મનને આનંદ આપવાનો બનતો પ્રયત્ન કર્યો પણ ખરો. પરંતુ જ્યાં સુધી લગ્ન દ્વારા રમાના જીવનનું ગૌતમના જીવનમાં પૂર્ણ વિલીનીકરણ ન થાય ત્યાં સુધી રમાના કેટલાક જીવનપ્રવાહો ગૌતમની ઈચ્છાથી બહાર પણ કદી કદી જતા હતા. ગૌતમને માટે દુ:ખનું એ મોટામાં મોટું કારણ હતું. ગૌતમ લાગ જોઈ કદી કહે : “રમા ! આજે તારી છબી પડાવવાની છે – બીજના ચંદ્ર ઉપર જાણે તું બેઠી હોય ને, એવી છબી !”

આવી પૌરુષ ઈચ્છા સ્વાભાવિક છે; ઘણા પ્રેમીઓ આવી છબી માટે એકમત થાય એમ છે. પરંતુ રમાએ ના પાડી કહ્યું : 'મારે એવી છબી નથી પડાવવી.'

'કેમ? નથી ગમતી ?'

'ગમે છે... પણ સાચા બીજ–ચંદ્ર ઉપર બેસાડો તો હું એ છબી પડાવું.' રમા કહેતી.

આનો અર્થ જ એ કે રમાને છખી પડાવવી નથી અગર ગૌતમને ઉતારી પાડવો છે-અશક્ય વસ્તુ માગીને !

લગ્નના પંદરેક દિવસ બાકી હતા. એકસામટાં પોણા ભાગનાં ચોખ્ખાં સ્ત્રી શરીરો ખુલ્લી આંખે દેખાય એવું દિલ બહેલાવનારું એક પશ્ચિમી ચિત્ર જોવા જવાની ગૌતમે ઈચ્છા પ્રદર્શિત કરી અને રમાને ખાસ તાકીદ કરી કે બરાબર સાતમાં પાંચ કમે તેણે 'થિયેટર' ઉપર આવવું !

સાતમાં સાત કમે ગૌતમ થિયેટર ઉપર આવી ગયો. એણે સરસ કપડાં પહેર્યાં હતાં એમ થિયેટર ઉપરના એક આયનામાં જોઈ તેણે ખાતરી કરી લીધી.

સાતમાં પાંચ કમ રહી અને ગૌતમની આંખો ચારે પાસ ફરી વળી. એકેય બાજુએથી રમા આવતી દેખાઈ નહિ. ઊંચામાં ઊંચા વર્ગની બે ટિકિટો તેણે ખરીદી હતી, અને પ્રત્યેક મિનિટે તે રમાના આવવાની રાહ જોતો ચારે પાસ આંખ અને પગ ફેરવતો હતો. પ્રેમનો ગુસ્સો પણ અદ્‌ભુત હોય છે.

'આજે ભાઈઓને કપડાં પહેરાવવા રહી; કાલે ભાણેજોને રડતાં રાખવામાં રોકાઈ; પરમ દિવસે પિતાને ચા કરી આપવામાં જરા વાર થઈ. એનાં એ બહાનાં ! એના ઘરમાંથી એ ઊંચી જ આવતી નથી ! મારી સાથે પરણશે પછી એને એ જંજાળ રહેશે નહિ !' ગૌતમ ફેરા ફરતે વિચાર કરતો હતો અને ઘરકામને લાત મારી ચાલ્યા આવવાની તાકાતના રમામાં રહેલા અભાવ ઉપર ગુસ્સો કરતો હતો.

સાતના ટકોરા એક ઘડિયાળમાં પડ્યા. ગૌતમે તે બરાબર ગણ્યા. એક ઘંટડી વાગી અને જાહેર થયું કે સિનેમાનો પડદો ઊઘડે છે તથા સુંદર ચિત્ર હવે આવે છે ! મનથી ગૌતમે પગ પછાડ્યો.

'રમા કદી નિયમિત થઈ શકી નથી !' તે મનમાં બબડ્યો અને રમા નિયમિત થયાના સઘળા પ્રસંગો વીસરી ગયો.

'મારી આખી સાંજ ખરાબ કરી નાખી...' રાહ જોયા છતાં રમા બસમાંથી બહાર આવતી ન દેખાઈ એટલે તેનું મન છણછણી ઊઠ્યું. 'નથી ભેટ આપવાથી એ સુધરતી, નથી સિનેમા-નાટકની લાલચ એને સુધારી શકતી. એની અનિયમિતતા એટલે તોબા !.. આખું મન ખારું કરી નાખે છે ....!'

પ્રેમીઓની આવી વેદના સર્વસામાન્ય કહી શકાય. પ્રેમીઓ ગૌતમને ભાગ્યે જ દોષ દઈ શકે.

બસમાંથી એકાએક કોઈ યુવતી ઝડપથી ઊતરી. રમા જ હતી ને ? ગૌતમે પોતાના કાંડા ઉપર બાંધેલી ઘડિયાળમાં જોયું; સાત ઉપર પાંચ મિનિટ થઈ હતી. રમા લગભગ દોડતી ગૌતમ પાસે આવી અને ગૌતમે મુખ ફેરવી તેના પ્રવેશભાનનો અસ્વીકાર કર્યો.

'હું આવી ગઈ છું.' રમાએ પોતાના જ કંઠથી પોતાની નેકી પુકારી.

ફૂલેલા ગાલ અને ફૂલેલા હોઠ સહ ગૌતમે રમાની સામે જોઈ તેની આંખ થિયેટરની ઘડિયાળ સામે દોરી. સાત ઉપર છ મિનિટ થઈ હતી !

'છ જ મિનિટ થઈ છે. હજી તો જાહેરાત ચાલતી હશે... પછી બધાંની નામાવલિ ચાલશે... હજી ચિત્ર શરૂ નહિ થયું હોય.' રમાએ ઘડિયાળ જોઈ જવાબ આપ્યો.

'મોડા જઈ આપણે કેટલા પ્રેક્ષકોને હરકત કરીશું ?' ગૌતમે નાગરિક ફરજ ઉપર ભાર મૂક્યો.

'તો ન જઈએ..તને એમ લાગતું હોય તો !' રમાએ ઇલાજ બતાવ્યો.

'પણ આ ટિકિટ લઈ રાખી છે ને?' ગૌતમે ભાવિ પત્નીના મન ઉપર અર્થશાસ્ત્રની અસર પાડવા મંથન કર્યું.

'બન્ને ટિકિટોના પૈસા હું તને આપી દઉં... 'રમા બોલી પોતાની નાનકડી થેલી ખોલવા લાગી.

'ઘેલછા ન કાઢ..ચાલ !' કહી ગૌતમે સહજ હસી રમાનો હાથ પકડ્યો અને તેને ખેંચી પ્રેક્ષકગૃહમાં લઈ ગયો. પત્નીને – ભાવિ પત્નીને જાહેરમાં અડકવાની તક લેતાં આજનો યુવક જરા ય ગભરાતો નથી. ચિત્રમાંનાં ભૂલવાને પાત્ર કૈંક નામો હજી ચિત્રમાં ખડકાયે જતાં હતાં...કોઈ દિગ્દર્શક, કોઈ દર્શનજોડક, કોઈ વસ્ત્રનિયામક, કોઈ શુંગારનિયોજક, કોઈ ગાયક, કોઈ વાદક, કોઈ વાદ્યસંમેલક : એમ નવ નવતર ઉપયોગી કલાકારોનાં નામ ઝડપથી આવી વિલાઈ જતાં હતાં. ચિત્રપટનો ઝાડુવાળો પણ રહી ન જાય એની ખાસ કાળજી રાખવામાં આવતી હોય એમ સ્પષ્ટ દેખાઈ આવતું. નક્કી કરેલી જગ્યાએ 'ટોર્ચ'થી ચિત્રગૃહના દ્વારપાળે દોરી જઈ બન્નેને બેસાડ્યાં.

સારા પ્રમાણમાં અંધારું હોવા છતાં ગૌતમે રમાનો હાથ ખોળી પોતાના હાથમાં લેવાનો કરેલો પ્રયત્ન રમાએ સફળ ન થવા દીધો.

ગૌતમે રમાને ખભે સહેજે હાથ મૂક્યો તેમાં તો રમાએ દેહ થરકાવી ગૌતમના હાથને ખસેડી નાખ્યો.

ચિત્ર હતું તો અલબેલું ! દિલચસ્પીથી ભરેલું ! પરંતુ રમાએ મોડા આવી ગૌતમના માનસને નિરર્થક હલાવી નાખ્યું ! ચિત્રમાં ધાર્યા પ્રમાણે મજા ન આવી !

ઈન્ટરવલ પડતાં ચિત્ર બંધ થયું; લોકોની અવરજવર શરૂ થઈ; કાન ફાડતાં ગીત પણ ચિચિયારી પાડી ઊઠ્યાં. ગૌતમ અને રમા સરખાં કૈંક યુગલો બેઠાં બેઠાં હસતાં કે વાત કરતાં હતાં. પોતે બે જ જણ સાંભળી શકે એવી ઢબની વાત કરતાં સર્વકાલીન પ્રેમીઓ ઝડપથી શીખી જાય છે. ગૌતમે ધીમે રહી પૂછ્યું : 'રમા ! આજ રિસાઈ છે શું ?'

'હું? હું શા માટે રિસાઉં ? વાંક મારો હતો. હું જ મોડી આવી હતી.'

'વાંક અને વગર વાંક ! એ વાત જવા દે ને? તારાથી દૂર રહેવું મને ક્ષણ પણ ફાવતું નથી... અને હજી તો લગ્નના પંદર દિવસ બાકી...'

'એ દિવસો કદાચ લંબાય.' રમાએ કહ્યું. રમાના કંઠમાં કદી ન સંભળાયલી કઠોરતા પ્રવેશતી હતી શું ?

'શું? શા માટે દિવસો લંબાય?' લગ્નની તૈયારી કરતો માનવી લગ્ન લંબાય એ કદી સહન કરી શકતો નથી – પછી એ અભણ ગામડિયો હોય કે ભણેલો સંસ્કારી યુવક હોય ! લગ્ન પહેલું હોય કે બીજું ! ચમકીને ગૌતમ પોતાને પ્રશ્ન પૂછી રહ્યો હતો.

‘માની તબિયત આજ એકાએક બગડી આવી છે !' રમાએ કહ્યું.

'મા...બાપ...ભાઈ...ભાણેજ—રમા તારું ઘર તને ખાઈ જવાનું છે !'

'ઘર જન્મ આપે અને ધર ખાઈ પણ જાય ! શું થાય?'

‘રમા ! મેં નિશ્ચય કર્યો છે.'

'શો?'

'ઠરેલી તારીખે લગ્ન કરવું જ. એમાં રજ જેટલો એ ફેરફાર નહિ થાય.'

'સારું કર્યું... પણ લગ્નમાં તો બે પક્ષોનો નિશ્ચય જોઈએ ને?'

'હાસ્તો. તારા નિશ્ચયની મને ખાતરી છે.'

'એ ખાતરી ન રાખીશ. એ દિવસે લગ્ન નહિ થાય...નિદાન મારું ! તારું થાય તો હું ના નહિ પાડું.'

આરામથી બેઠેલો ગૌતમ એકદમ સીધો બેસી ગયો અને 'ઈન્ટરવલ' પૂરો થઈ ચિત્ર શરૂ થઈ ગયું. ચિત્ર પૂરું થતાં સુધી - ન ગૌતમ હાલ્યો કે બોલ્યો; ન રમા હાલી કે બોલી. બન્નેની ખુલ્લી આંખે કદાચ ચિત્ર દેખાયું પણ નહિ હોય.

ચિત્ર પૂરું થયું. મોટા ભાગના લોકોને જવા દઈ સુઘડતાભરી મોકળાશમાં જવાનું પસંદ કરી ધીમે ધીમે જતાં ગૌતમે એકાંત જોઈ રમાને પૂછ્યું : 'ઇન્ટરવલમાં તેં મને શું કહ્યું ?' તેં ન સાંભળ્યું ? ઠરેલી તારીખે મારું અને તારું લગ્ન નહિ જ થાય.' રમાએ કહ્યું.

'એના પરિણામનો તેં વિચાર કર્યો?'

'તારા જેવો વર મારા હાથમાંથી ચાલ્યા જશે, નહિ ?' વાગે એવો તિરસ્કાર દર્શાવી રમાએ જવાબ આપ્યો.

એકબે માણસ પાસે થઈ ગયાં એટલે ગુપ્ત વાત બંધ રહી. બહાર નીકળી ઘણા લોકોને જવા દીધા પછી ગૌતમ અને રમા થિયેટરને પગથિયે આવી ઊભાં. ગૌતમની કાર પાસે જ હતી. ગૌતમે કહ્યું : 'ચાલ રમા ! સહેજ ફરી આવીશું ?'

‘ના; મને ફુરસદ નથી. મા માંદી છે.' રમાએ કહ્યું.

'હું તને ઘેર પહોંચાડું.'

'ધરનો રસ્તો મને ખબર પડે એવો છે... અને બીજો રસ્તો જોયો પણ નથી..' કહી રમા ગૌતમ સામે જોયા વગર ઝટપટ ચાલી નીકળી.

ગૌતમની વિકળતા અને રમાનો રુઆબ નિહાળી એકબે ઘોડાગાડીવાળા દૂર ઊભા ઊભા આંખ મિચકારા કરી હસ્યા !

રમા ઘેર આવી ત્યારે તેની માંદી માતા બાળકોના ટોળામાં બેસી એ રડતા બાળકને છાનું રાખતી હતી.

'લે, આવી રમા ! નાહક કકળાટ મચાવ્યો ને?' માએ કહ્યું.

'શું થયું, મા ?' રમાએ પૂછ્યું.

'તું પરણી, અને બધાંયને મૂકી ચાલી ગઈ – છાનીમાની, એમ ધારી આ બધાંએ રડવા માંડ્યું છે !' માએ હસતાં હસતાં કહ્યું અને પથારીમાં તે સૂતી.

'છોકરાં રમાને વળગી પડ્યા. એક જણે પૂછ્યું પણ ખરું: 'તું પરણીને જઈશ તે પાછી નહિ આવે?'

'હું પરણવાની નથી અને આ ઘરમાંથી બીજે જવાની પણ નથી. બસ?' રમાએ જવાબ આપ્યો.

માએ પાસું બદલતાં કહ્યું: 'છોકરાને એમ જૂઠું ન સમજાવ... એ તો સમજશે, પણ...'

'મા ! હું જૂઠું સમજાવતી નથી. હું લગ્નની ના કહીને આવી છું.' રમા બોલી.

મા પથારીમાં બેઠી થઈ ગઈ ! પરંતુ બાળકો તો રમાને એટલા વહાલથી વળગી પડ્યા કે તેમનાથી છૂટવું રમાને અશક્ય થઈ પડ્યું.

ગૌતમના હાથ કરતાં બાળકોના દેહ રમાને વધારે ચોખ્ખા લાગ્યા.