લખાણ પર જાઓ

કાંચન અને ગેરુ/નવલિકામાંથી એક પાન

વિકિસ્રોતમાંથી
← નિશ્ચય કાંચન અને ગેરુ
નવલિકામાંથી એક પાન
રમણલાલ દેસાઈ
વેરભાવે ઈશ્વર →




નવલિકામાંથી એક પાન

મારી વાત તમારે જાણવી છે? સાધારણ જીવન સહુ જીવે છે એવું મારું જીવન. એમાં રોમાંચક કશું ન જ હોય. હા, હું મારી પત્નીને એક વખત ચાહતો ન હતો એ વાત સાચી છે. પ્રેમ અને પ્રેમલગ્ન ભાવનામાં ઊછરેલા યુગને માબાપે નક્કી કરી આપેલાં જીવનસાથી કેમ કરીને ગમે? મારો વિવાહ મારાં માબાપે જ નક્કી કર્યો હતો. મારા પત્ની-પસંદગીના અધિકારનું માતાપિતાએ અતિક્રમણ કર્યું હતું એમ માની હું મારી પત્ની પ્રત્યે ઉદાસીન રહેતો હતો, એ પણ સાચું.

મારી પત્નીનો દેખાવ ખરાબ હતો એમ હું ન કહી શકુ ; એનો દેખાવ સારો હતો. મને લાગે છે કે સ્ત્રીઓ મોટે ભાગે સારી જ દેખાય છે. પરંતુ એ બહુ ભણેલી ન હતી, અને અત્યંત જૂની ઢબમાં ઊછરેલી હતી. મને, ભણેલા યુવકને રમતગમતના શોખીન ખેલાડીને સુંદર કાવ્યોના લખનાર કવિને જૂની ઢબની પત્ની ન ગમે એમાં મારો પણ શો વાંક? માતાપિતાની સામે થવાની તાકાત હું ખીલવું તે પહેલાં મારું લગ્ન તો થઈ જ ગયું ! અણગમો હું કોની પાસે જાહેર કરું ? પત્ની પાસે જ ને? ઠંડી ક્રૂરતાપૂર્વક હું પત્નીને વિવિધ રીતે જણાવી શક્યો કે એ મારે લાયક પત્ની ન હતી. એને ન ચબરાકીભર્યું બોલતાં આવડે, ન સફાઈબંધ કપડાં પહેરતાં આવડે, ન એ મારી સાથે કલા કે સામ્યવાદ સંબંધી ચર્ચા કરી શકે ! હું તેને કદી કદી કહેતો : 'તું પચાસ વર્ષ પહેલાં જન્મી હોત તો આદર્શ પત્ની તરીકે પુજાત.'

એ રિસાતી પણ નહિ, ચિઢાતી પણ નહિ, છણકાતી પણ નહિ. મારાથી કદી કહેવાઈ જતું : 'તારા કરતાં હું કોઈ પથ્થરની પૂતળીને પરણ્યો હોત તો વધારે સારું થાત !'

કોઈ વાર તેની આંખમાં પાણી ચમકી ઊઠતું. પણ...હું શું કરું? મારું જીવન નીરસ બનાવવાનો મારી પત્નીને શું હક્ક ? એનું નામ પણ 'સુશીલા, હતું –જૂની ઢબનું ! એ કેમ ગમે ? એનું નામ 'શીલા' હોત તો પણ મને જરા ગમત. એક અક્ષર વધારે મૂકી એનું નામ પાડનારે એના નામની નવીનતા પણ ખોવરાવી હતી. સુશીલા ! એ તે કાંઈ નામ છે?

મને ગમે પેલી ખડખડ હસી શકતી અલક ! હું વાત કરું પેલી ચબરાક ચપલા સાથે ! કદી નીરસ વાત જ નહિ ને? હું ફરવા જાઉં પેલી સોહાગી સાથે ! સૌંદર્યના સઢ ઉડાડતી હોય એવાં જ કાંઈ કપડાં એ વીંટી લાવતી. કનુ દેસાઈએ ચીતરેલાં વસ્ત્રવર્તુલ બરાબર સોહાગીની આસપાસ રચાતાં ! અને શીર્ષ ઉપર પુષ્પવાડી સદા ય પાથરતી પેલી પ્રણયિની? આહ ! એની સાથે તો હું એકબે વાર નૃત્ય પણ કરી ચૂક્યો છું. નૃત્ય ! વળી પેલી પુરુષોનાં વસ્ત્ર પહેરી ફરતી નદી–સરવરમાં તરવાની શોખીન તરંગિણી? નવીનતાનો જાણે અવતાર ! નખ અને હોઠ છો બધાં ય રંગે; અને ગાલ ઉપર લાલી સૌ કોઈ છાંટે પણ તરંગિણી તો એવી સફાઈથી 'સ્મોક' કરતી

હતી ! કહો તો તેનું નામ ધુમ્રસેરમાં ઉપસાવે !

એવાં નામ, એવી એવી ચબરાકી, એવી એવી આવડતવાળી યુવતીઓની મૈત્રી માણનારને સુશીલા સરખા નામવાળી, સુશીલા જેટલું અર્ધ ભણેલી, અનાકર્ષક જૂની ઢબની યુવતી પત્ની તરીકે ન જ ગમે એ સ્વાભાવિક કહેવાય. મને મારું જીવન ઘણું અધૂરું, રસહીન વેઠ સરખું લાગતું હતું. હું ઘરમાં તો બહુ રહેતો જ નહિ. મારા પિતાની જમીનમાંથી સારું ઉત્પન્ન આવતું, એટલે મને આર્થિક સંકડામણ અનુભવવી પડી ન હતી. અભ્યાસયુગમાં હું ક્રિકેટ, ટેનીસ, બેડમિન્ટન રમતો. મિત્રોને અને ખાસ કરી યુવતીઓને સારા પ્રમાણમાં નાટક-સિનેમા બતાવતો. હોટેલ રેસ્ટોરામાં તેમને આમંત્રણ આપતો અને કદી કદી દૂર એકાંત મેદાનો અને વૃક્ષકુંજોમાં તેમને સાથમાં લઈ જઈ સૃષ્ટિસૌંદર્ય નીરખતો અને નિરખાવતો.

આમાંની ગમે તે યુવતી મારી સાથે લગ્ન કરી લેત અને હું મારું જીવન મારી કલ્પનાએ ઊભી કરેલી સ્વર્ગ કેડીએ વિતાવી શક્યો હોત. પરંતુ મારું લગ્ન થઈ ચૂક્યું હતું એક એવી સ્ત્રી સાથે, કે જેનામાં તલભાર પણ નવીનતા ન હતી. ઘરમાં મને આનંદ ન હતો. હુ ભણી રહ્યો અને પછી 'ક્લબ'માં મારું અર્ધ જીવન વિતાવવા લાગ્યો. બીજું શું કરું?

મારી મિત્રયુવતીઓ પણ પરણી જવા લાગી ! અને તે પણ મારી સલાહ લઈને ! દાઝેલો તો હતો જ; હવે દાઝ્યા ઉપર ડામ દેવાવા લાગ્યા. એક દિવસ અલકે આવી હસતાં હસતાં મને પૂછ્યું :

'તું શેન્કી વિષે શું ધારે છે ?'

'પેલો સાંકળચંદ? શેની “શેન્કી શેન્કી” કરે છે? નોકરી ઠીક મળી છે એ સાચું. પણ બીજું શું ધારવાનું ?'

'ધાર કે હું એની સાથે લગ્ન કરું, તો ?' 'સાંકાની સાથે? શું તું યે અલક ! મશ્કરી તો નથી કરતી ને? “શેન્કી” નામ ઉચ્ચારવાથી “સાંકો ” બદલાઈ નહિ જાય. તને તો એ નામ જ નહિ ગમે.'

‘માટે તો હું એને “શેન્કી” કહું છું. અને તેણે પિતાનું સાંકળચંદ નામ ફેરવીને “શંકરન્" કરવાનું કબૂલ કર્યું છે.'

અને ઘાવ વાગે એવી મારી અજાયબીની લાગણી વચ્ચે અલક સાંકાભાઈ સાથે પરણી ગઈ !

ચપલાની તો કંકોત્રી જ આવીને પડી. ચિનમુલંગડ નામના મદ્રાસ બાજુના કોઈ ટેનીસસ્ટાર સાથે તેણે લાગલી જ લગ્નવ્યવસ્થા કોઈને પૂછ્યા વગર કરી જ દીધી. કડવું મુખ કરીને પણ મારે એને સારી લગ્નભેટ આપવી પડી.

શો કદરૂપો આ મદ્રાસી ! ચિનમુલંગડ ! કાળો...

'અને જ્યારે પ્રણયિનીએ એક છોકરી જેવા દેખાતા નૃત્યકાર સાથે લગ્ન કર્યું ત્યારે તો મારી છાતી બેસી ગઈ, અને તરંગિણીને ખાસ એકાંત સ્થળે ફરવા લઈ જઈ મારે પૂછવું પડ્યું : 'તરગિણી એક સ્પષ્ટ વાત કહું? '

'જરૂર !' પુરુષની અદાથી સિગરેટ સળગાવતાં તરંગિણીએ જવાબ આપ્યો.

'હું તને ચાહું છું.'

'એ હું સમજી શકું છું.' એક ધુમ્રસેર ઉપજાવતાં તેણે કહ્યું.

'ચાહવાનું શું પરિણામ હોય તે તો જાણે છે ને?'

'હા. ચાહ્યા કરવું.'

'એ બરાબર. પરંતુ એની સ્પષ્ટતા લગ્નમાં પ્રગટ થવી જોઈએ.'

'પણ તું તો પરણેલો છે !'

'એ સ્નેહલગ્ન નથી, રૂઢિલગ્ન છે.'

'જે હોય છે. પણ હવે શું થાય ?'

'હું તને મારી સાથેના લગ્નનું આમંત્રણ આપું ?' 'તારી પત્ની છે છતાં ?'

‘હા, એમાં શું ? જો ને પેલી ડૉકટર મન્થિનીએ પત્નીવાળા પતિ સાથે લગ્ન કર્યું જ છે ને ?'

મેં દાખલો આપ્યો તે સમયે એકપત્નીવ્રતનો આગ્રહ કાયદાએ સ્વીકાર્યો ન હતો; અને ખાસ ભણેલી છોકરીઓ સપત્નીત્વથી ભય પામતી ન હતી.

તરંગિણી જરા વાર શાંત રહી અને એકાએક ધૂમ્ર-ઢગલો મારા મુખ ઉપર ફેંકી બોલી : ‘હું જોઈશ; વિચાર કરીશ.'

પરંતુ એણે કશું જોયું કે નહિ અને કશો વિચાર કર્યો નહિ. ઊલટી તે અમેરિકા અભ્યાસ વધારવા ગઈ અને ત્યાં અભ્યાસ કરતા એક યુવકની સાથે પરણી ગઈ.

પત્ની પ્રત્યેનો મારો અભાવ હવે વધી ગયો. મારા સુખમાં શૂળરૂપ બની બેઠેલી સુશીલાને છૂટાછેડા અપાતા હોત તો હું આપી ચૂક્યો હતો. પરંતુ હિંદુ વિધિમાં એ શક્ય ન હતું. અને...અને તેનો દોષ..? આમ તો કશો જ દોષ દેખાય નહિ. પરંતુ મને એ બિલકુલ ગમતી ન હતી, એટલો દોષ શું પૂરતો ન હતો? મારી આંખ ઉપર અસર કરે એવું પહેરવું, મારા દિલને હુલાવી નાખે એવું બાલવું, ચારે પાસથી નજર ખેંચાય એવી ઢબે ફરવું, એમાંનું કાંઈ જ તેને આવડે નહિ. સારી રસોઈ કરે, આજ્ઞા પાળે, હું લડું ત્યારે એક શબ્દ પણ સામે ન ફેંકે, પગે લાગે, દેવદર્શને જાય, કદાચ વ્રત કરે, અને આખો જૂનો જમાનો મારી આસપાસ રચ્ચે જાય. મારે કહેવું જોઈએ કે મારા એ અણગમાથી પ્રેરાઈ હું કદી સુશીલાને ધોલ ઝાપટ પણ કરતો. પરંતુ એની કશી ફરિયાદ એણે કોઈ સ્થળે કરી જ નહિ. એનો કયો દોષ આગળ કરી હું અદાલતે જાઉં? ખાસ આગળ કરવા જેવો દોષ તેનામાં દેખાતો નહિ એથી તો હું વધારે રીસે બળતો હતો.

હું કહેવું ભૂલી ગયો કે મારાં માતાપિતા મૃત્યુ પામી ચૂક્યાં હતાં, અને હું આખી મિલકતનો માલિક બની ચૂક્યો હતો. માતાપિતા જીવતાં ત્યારે તેમનો ડર મને લાગતા ખરો, પરંતુ તેમના ગુજર્યા પછી કોઈના પણ દબાણ કે અંકુશ વગર હું જીવી શકું એમ હતું. શા માટે હું એ સ્થિતિનો લાભ ન લઉં? અણગમતી પત્ની ઘર સંભાળતી હતી. મારો મોટા ભાગનો સમય મિત્રોમાં, ક્લબમાં સિનેમામાં અને મારી જૂની સ્ત્રીમિત્રોના સાથમાં ડુંગર કે દરિયે ફરવામાં જતો હતો. એક વર્ષ હું પ્રણયિની અને તેના પતિને લઈ ઊટી ગયો. બીજી વખત અલક મારી પાછળ પડી અને મને એના પતિ સાથે મસૂરી ખેંચી ગઈ. ચપલાને હિંદનાં નૃત્યનો અભ્યાસ કરવો હતો, એટલે એની સાથે કાશ્મીર, મણિપુર, કથ્થકી, લખનૌ, ડાંગ અને કર્ણાટક પણ હું જઈ આવ્યો. મારી સ્થિતિ સારી હતી, અને મિત્રો પાછળ ખર્ચ કરવામાં મને આનંદ આવતો હતો. હું સૌનો ખર્ચ ઉપાડી લેતો. અને પેલી સોહાગી ? શું લટકાથી મારો આભાર માનતી ! મારી આખી ઉદારતા હું તેમના પર ઓવારી દેતો છતાં મને એમ લાગતું કે મારાથી કાંઈ જ બની શકતું નથી.

જમીનદાર તરીકે ક્લબના મિત્રોમાં પણ મારા પ્રત્યે ભારે સદ્દભાવ હતો. 'બુઝીંગ.'—ઓછા વધતા મદ્યપાન વગર ક્લબમાં જવું એ મૂર્ખાઈ છે અને 'સ્ટેક'-હોડ વગર પત્તાં રમવાં એ લવણહીન ભોજન લેવા સરખું છે; એ બને આનંદસાધનો 'ક્લબ'ને મારું સ્વર્ગ બનાવી રહ્યાં હતાં. ભલભલા અમલદારો પણ મારે ગળે હાથ નાખીને ફરતા, અને મારી ઉદારતામાંથી ઉત્પન્ન થતી પ્યાલી અને પ્યાલા પીતા. રમવામાં ભારે હોડ મારી જ હોય. કોઈ વાર હારનાર મિજબાની આપે, કોઈ વાર જીતનાર મિજબાની આપે. અઠવાડિતામાં શનિ-રવિવાર તો 'ક્લબ'ના મિત્રો રાતદિવસ મારે ઘેર જ હોય. જમવું, પીવું, પત્તાં રમતાં, હોડ બકવી, વચ્ચે વચ્ચે નાસ્તો લેવો, વળી પાછું ખાવું પીવું, આઈસક્રીમ-ચા ફેરવવાં, કોઈને પૈસા ખૂટતા હોય તો આપવાઃ આ બધું 'ક્લબ' જીવનવાળાને સાધારણ જ ગણાય.

નવાઈ જેવું તો એ હતું કે મારી પત્ની ઘર આગળ આ બધી વ્યવસ્થા કરતી પરંતુ એ કોઈની દ્રષ્ટિએ સહેજ પણ પડતી નહિ. મારી અને મારી પત્ની વચ્ચે કેવો સંબંધ હતો તે સૌ કોઈ જાણતા હતા. અને જો એ કદાચ સામે દેખાય તો બધા વચ્ચે એની ધૂળ કાઢી નાખવામાં હું જરા ય સંકોચાતો નહિ. આછો પાતળો જે નશો મને ચઢતો તે મારી પત્ની ઉપર જ હું ઉતારતો હતો. અણગમતી પત્ની પુરુષની મર્દાઈનું પ્રદર્શન કરવામાં કામ લાગે ખરી !

એક વાર હોડમાં હું ભારે રકમ હારી ગયો. જુગારનું લેણું દેવું એ પ્રતિષ્ઠિત લેણું દેવું છે. ઘરનું ભાડું ન અપાય તો હરકત નહિ; ડૉક્ટરનું બિલ ન ચૂકવાય તો ચાલે; દરજીધોબીને ધક્કા ખવરાવાય. પરંતુ હારીએ એ રકમ તત્કાળ આપવી જ જોઈએ. એનું નામ ગૃહસ્થાઈ–જો જુગારમાં ગૃહસ્થાઈ હોય તો. પાંચે પાંડવો દ્રૌપદીને હોડમાં મૂકી હાર્યા અને તેનું વસ્ત્રહરણ ખુલ્લી આંખે જોઈ રહ્યા હતા ને? એ જ 'સ્પિરિટ’–એ જ રમતનું હાર્દ ! નશામાં રાજપાટ પણ હોડમાં મૂકી દેવાય. પણ હારીએ એટલે રાજપાટ મૂકી ચાલ્યા જઈએ એવું અમારું દિલ ! એક હર્ફ પણ ઉચ્ચારીએ નહિ.

ઘેર આવી મારા મુનીમને મેં હુકમ કર્યો કે એ રકમ મારા વિજેતાને ઘેર અત્યારે જ મોકલી દેવી.

મુનીમે કહ્યું: 'હવે એટલી રકમ ઊભી થઈ શકે એમ નથી, સાહેબ !'

'શું તમે આવી વ્યવસ્થા કરો છો? તમને મારે છૂટા કરવા પડશે.' મેં મુનીમને ધમકાવ્યા.

'પણ મને છુટા કરવાથી કાંઈ રકમ મળે એમ લાગતું નથી.' મુનિમે સ્થિરતાથી કહ્યું.

'જમીન વેચો, મકાન વેચો, ઘરેણું ગીરે મૂકો, ફાવે તે કરો; પરંતુ એટલી રકમ અત્યારે જોઈએ જ.'

'બાપુજીએ વીલમાં કાંઈ પણ વેચવાની મના કરી છે. સહુ જાણે છે, એટલે કોઈ લેશે પણ નહિ.' નફ્ફટ મુનીમે કહ્યું.

પણ એની વાત સાચી હતી. પિતાની એ સઘળી મિલકત સ્વઉપાર્જિત હતી. અને કદાચ મારા સ્વભાવને પરખી તેમણે મિલકતના ગીરો વેચાણની વસિયતનામામાં જ મના કરી હતી. એ સત્તા મારા પુત્રની લાયક ઉંમર થયે મારા પુત્રને આપવામાં આવી હતી; અને મને તો હજી પુત્ર કે પુત્રી કશું જ હતું નહિ. હતી માત્ર સુશીલા, અણગમતી પત્ની ! કેવાં વિચિત્ર વસિયતનામાં થાય છે?

'બાઈનાં ઘરેણાંબરેણાં છે કે નહિ?' મેં પૂછ્યું. જુગારનું દેવું જાત વેચીને પણ ભરપાઈ કરી આપવું જોઈએ. પરંતુ મને ખ્યાલ આવ્યો કે મારી જાત કરતાં મારી પત્નીનાં ઘરેણાંની કિંમત બજારમાં વધારે ઊપજશે.

'એ તો, સાહેબ ! આપ પૂછી જુઓ. આપે કરાવ્યાં હશે ને ઘરેણાં?' નિષ્ઠુર મુનીમ બોલ્યો. એ જાણતો હતો કે સુશીલા મારી અણમાનીતી પત્ની હતી, અને મેં એને ઘરેણાની કે બીજી કશી ભેટ કદી આપી ન હતી. મારી ઘરેણાંની ભેટ તો મારી સ્ત્રીમિત્રોમાં વહેંચાતી હતી.

મુનીમને બાજુએ મૂકી હું મારી પત્ની પાસે પહોંચ્યો. ધમકાવવા, રોષ ઠાલવવા માટે મુનીમ કરતાં પણ પત્ની વધારે સારું સાધન બની રહે છે.

'સુશીલા?' રુઆબમાં મેં કહ્યું.

'જી !' સુશીલા ઊભી થઈ બોલી. ' જી જી ન કરીશ; સીધો જવાબ આપ. તારી પાસે ઘરેણાં કેટલાં ?'

'આ આખું વર્ષ મારાં ઘરેણાં ઉપર ખર્ચ ચાલ્યો છે.' સુશીલાએ બહુ લાંબું વાક્ય કહ્યું.

‘ઘરેણાં તારાં છે એમ કહેતાં તારે શરમાવું જોઈએ. એ તારી કે તારા બાપની કમાણીનાં ન હોય. કેટલાં છે એટલું કહે એટલે બસ.'

'મુનીમજીને ખબર છે. કુંચી પણ એમની પાસે છે.'

'એ કમબખ્તને કેમ ઘરેણાં સોંપ્યાં ? તારામાં અક્કલ ન હોય; પણ તને મારી અક્કલમાં પણ વિશ્વાસ નથી શું?,

સુશીલાએ તાબડતોબ મુનીમને બોલાવી એનાં ઘરેણાં મને સોંપી દેવા કહ્યું. મુનીમ પોતાને ઘેર કુંચી લેવા ગયો, તે ફરી દેખયોય જ નહિ: એક દિવસ નહિ, બે દિવસ નહિ, ત્રણ દિવસ સુધી નહિ !

હું તો શરમનો માર્યો ઘરમાં જ ભરાઈ રહ્યો. પૈસા વગર 'કલબ'માં મુખ બતાવાય જ કેમ? એ શરમની લાગણીમાં મને તાવ આવી ગયો. મારી તબિયત સારી ન હોય ત્યારે સુશીલા રાતદિવસ આંખ મીંચ્યા વગર મારી પાસે બેસી રહેતી એ સાચું. પરંતુ એથી તો મને વધારે ચીડ ચઢતી. સુશીલા કરતાં વધારે ચપળ 'નર્સ ' મને વધારે ગમતી અને હું નર્સને જ સારવાર કરવા દેતો.

ત્રીજે દિવસે મારો તાવ તો ઊતર્યો. ક્લબમાં જવાની તલપ મને થઈ આવી. પરંતુ મારાથી ત્યાં જવાય કેમ? Debt of honour – નાક સમું માનવંત દેવું હજી અપાયું ન હતું.

અને મારો લેણદાર મિત્ર જાતે જ મારા ઓરડામાં આવી ઊભો ! મારી પાસે પિસ્તોલ પડી હોત તો હું જરૂર આપઘાત કરત !

'તું માંદો છે એની મને ખબર જ ન હતી.' મિત્રે આવતાં બરોબર વાત શરૂ કરી. 'તેથી તો તારી રકમ બાકી રહી ગઈ છે.' મેં તેને પાસે પડેલી ખુરશી ઉપર બેસાડતાં કહ્યું,

'રકમ બાકી ? તાવ સાથે તારું ભાન પણ ગયું લાગે છે ! આ રહી તારી રકમ; હું પાછી આપવા આવ્યો છું. ક્લબમાં હો હો થઈ ગઈ છે જરા નશામાં આપણે હોડ બકી ગયા; પણ આવડી મોટી રકમ તે મોકલાય ! ક્લબનો કાયદો પણ મના કરે છે.'

'તને પહોંચી ગઈ એ રકમ? હવે પાછી ન લેવાય,’ મેં કહ્યું તો ખરું, પરંતુ હું યે ચમકી ગયો.

કોણે એ રકમ મોકલી હશે? મુનીમે ? સુશીલાએ ? ક્યાંથી એમને ખબર પડી ? કેવી રીતે મોકલાવી ?

'પાછી શું ન લેવાય ! મારી આબરૂના કાંકરા થઈ જાય. મારે અને તારે ક્લબ છોડવી પડે !'

'અત્યારે એ વાત જ નહિ. કાલે મને જરા ઠીક થાય એટલે આવજે. તું ન લે તો મારે એ રકમ દાનમાં કાઢવી પડશે. હું જરા વિચારી લઉં.' કહી મેં તત્કાળ મિત્રને વિદાય આપી પરંતુ મારું મન મને કોરવા લાગ્યું. વર્ષ બે વર્ષથી નિષ્ઠુર બનતો જતો મુનીમ આટલી ભારે રકમ લાવી આપે ખરો? મુનીમ ન લાવ્યો હોય તો સુશીલા આટલી ભારે રકમ ક્યાંથી લાવી? હું ગણકારતો ન હતો છતાં જાણો તો હતો જ કે આવી ભારે રકમની સગવડ એકાએક થવી મુશ્કેલ હતી. સુશીલાને કોણે એ રકમ આપી હશે ?

અને..અને... સુશીલાને એ રકમ આપનાર કોણ? આ શાંત સૌમ્ય, આજ્ઞાધારી દેખાતી સ્ત્રીનું કાંઈ બીજુ ચરિત્ર છે કે શું ?

હું મારું પુરુષચરિત્ર ભૂલી ગયો, પરંતુ મારી સ્ત્રીનું ચરિત્ર મને ચમકાવી રહ્યું. મને મારી પત્ની ગમતી ન હતી એ સાચું; છતાં અણગમતી પત્ની પણ મારી જ પત્ની હતી ને? મને મૂકી એ બીજા કોઈનો પણ વિચાર કરતી હોય એ મારાથી સહન થાય ખરું ? સુશીલાની શાંતિમાં, સુશીલાના માર્દવમાં, સુશીલાના આજ્ઞા પાલનમાં કોઈ પડદા નીચેની રમત રમાતી હોય એમ મને એકદમ લાગ્યું. હું શું કરતો હતો, હું શું કરવા ઈચ્છતો હતો, એ બધું વિસરાઈ ગયું અને મારી આંખો અને મારો દેહ સુશીલાને શોધતાં ચાલ્યાં. મારા પગમાં મોરની ચપળતા અને નાગની નિઃશબ્દતા પ્રવેશ પામ્યાં. હું સુશીલાના ખંડની બહાર આવી ઊભો રહ્યો. રાત્રીના દીવા બધે થઈ ચૂક્યા હતા.

જાસૂસની માફક મેં બારણાના કાણામાં નજર કરી ! સુશીલા એક છબીની આસપાસ પુષ્પ ગોઠવતી હતી. અણગમતી સુશીલાના ઓરડા ભણી મેં આજે જ દ્રષ્ટિ કરી એમ કહું તો ચાલે. અને દ્રષ્ટિ કરતાં હું નિહાળું છું? મારી જ પત્ની પરમ પ્રેમભરી નજરે એ છબીને નિહાળતી હતી, અને પુષ્પોની સુંદર ગોઠવણી એની પ્રીતિપાત્ર વ્યક્તિની આસપાસ કરતી હતી.

મારું પતિત્વ ઝબકી ઊઠ્યું. ન ગમતી પત્નીને તેનો પતિ તો ગમતો જ હોવો જોઈએ એવી સર્વ પતિઓની માન્યતા હોય છે. ધક્કો મારી મેં બંધ બારણું ખોલી નાખ્યું અને મારી પત્ની પાછળ જઈ હું ઊભો રહ્યો.

ચમકીને સુશીલાએ પાછળ જોયું અને મને જોતાં બરાબર તે એકદમ ઊભી થઈ.

'કોની છબી જોયા કરે છે ? કોને ફૂલ ચઢાવે છે? આની કરતાં વધારે ખરાબ શબ્દોમાં આ ભાવનાપ્રશ્નો મેં તેને કર્યા.

‘મારા પ્રભુની છબીને !' ટૂંકો જવાબ આપી નીચું જોઈ સુશીલા ઊભી રહી.

'કોણ છે વળી તારા પ્રભુ?' મેં વધારે બળ કરી પ્રશ્ન પૂછ્યો. મને ડર લાગે કે કોઈ એના વહાલા પરાયા પુરુષની છબીને બદલે કૃષ્ણની કે સ્વામી વિવેકાનંદની છબી કદાચ એ હોય તો મારો ક્રોધ નિરર્થક નીવડે.

શબ્દથી જવાબ ન આપતાં સુશીલાએ અત્યંત ભાવપૂર્વક છબી ઉપાડી મારા હાથમાં મૂકી દીધી, અને મારી જિંદગીમાં નહિ લાગ્યો હોય એવો ધક્કો મને લાગ્યો.

એ છબી તો મારી જ હતી ! મેં સ્વપ્ન પણ ધાર્યું ન હતું કે મારા સરખા ક્રૂર, નિષ્ઠુર, બેજવાબદાર પતિની છબી એ આટલા સદ્ભાવથી પૂજતી હશે. થોડી ક્ષણ સુધી મારી વાચા બંધ થઈ ગઈ. મને મારા ઉપર ભયંકર તિરસ્કાર આવી ગયો. અંતે બળ કરી મેં પૂછ્યું : 'સુશીલા ! ક્યારથી તું આ છબીને પૂજે છે?'

'હું પરણી તે દિવસથી.'

'આજ પણ તું એ છબીમાં પ્રભુ જુએ છે?'

'હા.' નીચું નિહાળી સુશીલાએ જવાબ આપ્યો.

'તારી ભયંકર ભૂલ થાય છે એમ તને નથી લાગતું ?' આછા તિરસ્કારપૂર્વક મેં પૂછ્યું.

'ના; મને ખાતરી છે કે એક દિવસ મારા પ્રભુ મારી સેવા ઉપર પ્રસન્ન થશે જ.'

હું સુશીલા સામે જોઈ રહ્યો. એના સૌંદર્ય સામે મેં આજ સુધી કેમ આંખ બંધ કરી હતી? એની પવિત્રતાને આજ સુધી હું કેમ ઓળખી શક્યો ન હતો ? એની સહિષ્ણુતા ને એની ઉદારતા નિહાળવાની દષ્ટિ આજ સુધી હું કેમ ગુમાવી બેઠો હતો ?

'સુશીલા ! પ્રભુ તો કોણ જાણે, પણ તું મને પશુને માણસ જરૂર બનાવી રહી છે!'

સુશીલાની આંખમાંથી આંસુની સેર વહી રહી. એનાં ઝળઝળિયાં મેં ઘણી વાર જોયાં હતાં, પરંતુ એનાં આંસુની સેર મેં આજ નિહાળી. મને બહુ ઈચ્છા થઈ કે સુશીલાને હું મારા બાહુમાં લઈ લઉં. પણ મારી એ હિંમત ચાલી નહિ; હજી હુ સુશીલાને લાયક બન્યો ન હતો.

મેં માત્ર તેનાં આંસુ મારી આંગળી વડે લૂછ્યાં !


ત્યારથી મને સુશીલા વગર બીજું નામ પણ ગમતું નથી. સુશીલા સિવાયની બીજી કોઈ સ્ત્રી પણ ગમતી નથી. મારા મિત્રો મારી મશ્કરી પણ કરે છે કે હું મારી પરણેતરનો પ્રેમી છું. હું એ કથનને સંમતિ આપું છું. હું ખરેખર મારી પત્નીનો પ્રેમી છું. આ હકીકતને વર્ષો વીત્યાં; છતાં એક ઘેલછાભર્યા યુવાનની લાગણીથી હું હજી સુશીલાને ચાહું છું.

એને હું કટુ શબ્દ કહીશ તે દિવસે હું આપઘાત કરીશ... બસ. હું એના સંબંધમાં વધારે વાત કરીશ તો સહુ મને ઘેલો ગણી કાઢશે. માત્ર એટલું જ કે... હું હવે સુશીલાની છબી આસપાસ પુષ્પ ગોઠવ્યા વગર જમતો જ નથી : એ મને હસે છે, ઠપકો દે છે તોપણ !

આ કાંઈ મોટી વાર્તા નથી. પણ..પણ...હું જ્યારે આખો આ પ્રસંગ વિચારું છું ત્યારે જાણે એકાદ નવલકથાનું – નવલિકાનું પાનું વાંચતો હોઉં એમ તો જરૂર લાગે છે.

સહુના જીવનમાંથી આવું એકાદ પાનું લખાયેલું જરૂર નીકળી આવે ! નહિ ?